પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનાર્યોચિત પોશાકને લીધે આપનું પુણ્યસ્વરૂપ યથાર્થ પ્રકટ થતું નથી.'

'એ પણ સુધારાવળાની યુક્તિ છે. આર્યો પરસ્પરને ઓળખી શકે નહિ અને સુધારા વિરુદ્ધ્ અરજી સારુ એકત્ર થઈ શકે નહિ, એ હેતુથી આર્યોને ભ્રાન્તિમાં નાખવા સારુ આ અપુણ્ય વસ્ત્ર કારાગૃહમાં ધારણ કરવાની યોજના સુધારાવાળાઓએ સરકારને અરજી કરી કરાવી છે.'

હરજીવનની સાથેનો માણસ શિવભક્ત છે એમ લાગતાં હું ચહેરાનું નિરીક્ષણ કરતો હતો, તે જોઈ શિવભક્તે મારી સામે ઘૂરકવાની ચેષ્ટા કરી, પરંતુ, હરજીવને સ્વસ્થ આકૃતિ ધરી વગર માગ્યે ખુલાસો કરી દીધો,

'તુલના કાર્યમાં મને મદદ કરવા સારુ શિવભક્ત તે દુકાનેથી કાટલાં લઈ આવેલા તેથી તેમને મારા સહવાસી થવું પડ્યું છે. મુંબઈમાં આપણે જુદા પડ્યા ત્યારથી અમારા બેનું સાથે ફરવું જ થયું છે. તે દિવસે આપની પેઠે અમે પણ ભાંગથી બેભાન થઈ ગયેલા અને મગન તથા મોતી નામે કોઈ બે લુચ્ચાઓ જેમ આપને બાંધી ગયા તેમ અમને પણ ઉપાડી લઈ અમારા ઘરને ઓટલે મૂકી ગયેલા. અમારા ગજવામાંથી તેમણે હજાર રૂપિયાની નોટો કાઢી લીધી. વીશીવાળાને પણ તેમણે કોઈ વિચિત્ર પ્રકારે છેતર્યા. પ્રથમ કોઈક વાર છેતરાયેલા નહિ તેથી માનભંગ થવાથી અમે શરમના માર્યા ઘર બહાર નીકળી શક્યા નહિ અને આપને મળી શક્યા નહિ.'

ભદ્રંભદ્ર સંતુષ્ટ થઈ બોલ્યા, 'હવે અમને પરિપૂર્ણ શાંતિ થઈ. આપની સદ્વૃત્તિ વિશે મને તો પ્રતીતિ જ છે અને હું તે દિવસનું વૃતાંત કોઈના જાદુને લીધે થયેલું માન્તો હતો. પણ આ મારો અનુયાયી આપના પ્રમાણિકપણા વિષે શંકા કરતો હતો. એ શંકાનું સમાધાન થતાં જાદુનું ઉદાહરણ નષ્ટ્ થાય છે એટલો જ ખેદ થાય છે.'

'મને તો હજાર રૂપિયાની નોટો ગઈ તે વિશે ખેદ થાય છે. મગન ને મોતી કોણ હતા તેનો પત્તો મળતો નથી અને મળે તોપણ તે જ લઈ ગયા એમ શી રીતે કહી શકાય ? નોટો ગઈ ત્યારે તો હું ને શિવભક્ત પણ બેભાન હતા. અંબારામ ! તમારા કોઈના હાથમાં તો એ નોટો નથી આવી ?'

મેં ગુસ્સે થઈ કહ્યું, 'શું મેં ચોરી કરી ? અમે લૂંટાઈ ગયા તેનું તો પૂછતા નથી.'

'તમે લૂંટાઈ ગયા તે કંઈ અમે જોયું છે તે જાણીએ કે પૂછીએ ? તમે નોટો લીધી હોય તે ભાંગના કેફના બેભાનમાં શુદ્ધ બુદ્ધિથી લીધી હોય એમ હું કહું છું.'

સમાધાન કરવા ભદ્રંભદ્ર બોલ્યા, 'આપ તો માત્રજિજ્ઞાસાથી પૂછો, પરંતુ મારો અનુયાયી કેવળ નિર્દોષ છે. ઓરડીમાં અમે જાગ્યા ત્યારે અમને ખાટલા સાથે બાંધેલા હતા અને વીશીવાળાને આપવા જેટલા પૈસા પણ અમારી પાસે નહોતા. પ્રસન્નમનશંકરે આવી અમારી વતીના આપ્યા ત્યાં સુધી સ્વાર્થી વીશીવાળો અમને જવા દેતો નહોતો. અમારા આથિત્યમાં આપને ધનહાનિ થઈ એથી હું ખિન્ન થાઉં છું. પ્રસંગ આવે યથાશક્તિ ઉપાય હું લઈશ.'

પહેરો ભરનારનાં પગલાં સાંભળી થોડી વાર અમે શાંત રહ્યા. તે દૂર ગયા પછી અમારી કોટડીમાંના માણસે હરજીવન ભણી જોઈ કહ્યું,

'અહીં હું આપને તો નહિ પણ ભદ્રંભદ્રને ઓળખું છું, કામથી ને નામથી,