પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજો ઉપાય ન રહ્યાથી મેં આખરે વ્યક્તિગત આક્ષેપ કરવા માંડ્યા. મારો હેતુ માત્ર વિદ્વાનોની જાત સંબંધી ચર્ચા ઉત્પન્ન કરી તે ચર્ચાના યોજક તરીકે પ્રસિદ્ધિ પામી વિદ્વદ્ મંડળમાં દાખલ થઈ જવાનો હતો. પરંતુ, આવી ચર્ચાને પાશ્ચાત્ય કાયદામાં "લાઈબલ" કહે છે એમ માલમ પડ્યું. "લાઈબલ" શબ્દ સામે મારો ઝાઝો વાંધો નથી. પણ "લાઈબલ" માટે શિક્ષા કરવી એ કાયદો તો કેવળ અજ્ઞાનમય છે. દુ:ખીઓને શસ્ત્રહીન કરવાનો એ માર્ગ અન્યાયમય તથા નિર્દય છે. પાશ્ચાત્યો ગટરમાંથી દુર્ગન્ધ નીકળી જવા ભૂંગળાં મૂકે છે, તો એવા જડ પદાર્થોને જે ઇન્સાફ મળે છે તે આશાભંગ પામેલાં હ્રદયોને "લાઈબલ"ની છૂટ રૂપે ન આપવો ? સુધારાના મોહમાં જડ ચૈતન્યનો વિવેક છેક થતો નથી તેનું આ સકલ કુફળ છે. એ મોહને લીધે સીધે જવાનું મૂકી દ્વેષીઓએ દોષમાં દબાઈને મને આ મહેલસમ પણ ફેલ ભરેલ જેલમાં મોકલેલ છે. વિરુદ્ધ ટીકા કરનારને દ્રવ્યથી સંતોષ પમાડી શાંત કરવાનો માર્ગ સર્વત્ર પ્રવર્તાવવાના પંડિતશિરોમણી પ્રસન્નમનશંકરના ઉદાર પ્રયાસ સફળ થાઓ કે ટીકા કરનારને કરાવી શાંત કરી દેશ્ની દુર્દશાના દિવસ દાખવાનું દૂર થાય.'

સવાર થયે અમને પાછા અપમાનકારી મજૂરીમાં જોડ્યા. ચંપકલાલ ચટ્ટુને આસનકેદની સજા હતી તેથી તેમને જેલનું કંઈ કામ કરવાનું નહોતું. પરંતુ, તે કંઈ લખવામાં ગૂંથાઈ ગયા અને પૂછતાં માલમ પડ્યું કે જેલમાં જેટલો કાળ જાય તેટલામાં સાક્ષરતાની શરતમાં પાછળ પડી ન જવાય અને બીજા સાક્ષરોનાં લખાણનો ઢગલો તેમના ઢગલાથી વધી ના જાય માટે આખો દિવસ તે લખ્યા કરતા હતા., અને રાત્રે જેલ તરફથી દીવો અપાતો ન હોવાથી રાતના ભાગનું લખાણ તેમને દિવસે કરવું પડતું હતું. 'પૂજાતા પંડિતોના પવનનું પોલાણ', 'સુધારાના ધારામાં ધરાતી ધરપત', 'ચારુતાથી ચણેલી ચતુરાઈની ચર્ચા', ઇત્યાદિ પાંચ સાત 'દળદાર' પુસ્તકો તો તેમણે જેલમાં આવ્યા પછી થોડી મુદ્દતમાં લખી નાખ્યાં હતાં, અને બીજાં અનેક રચવાનું સાંચાકામ ઝપાટાબંધ ચાલતું હતું.

નવરાશ મેળવવાનો લાગ આવતો ત્યારે ભદ્રંભદ્ર ચંપકલાલનાં પુસ્તકો વાંચતા અને 'ઠીક લખ્યું છે' એમ કહી ઉપકાર ભરેલી પ્રશંસા કરતા. ભદ્રંભદ્રનું મહાપુરુષત્વ ચંપકલાલ સ્પષ્ટ રીતે સ્વીકારતા નહોતા. કેમ કે તે સ્વીકારતાં પોતાનું મહાપુરુષત્વ સ્થાપિત થતાં પ્રતિબંધ થાય એમ તે માનતા, તેથી બે વચ્ચે કંઈક અંતર રહેતું. પરંતુ, ચંપકલાલના ગ્રંથોમાં સુધારા વિરુદ્ધ સખત આક્ષેપ હતા અને એથી પણ વધારે સખત આક્ષેપ સુધારાવાળા વિરુદ્ધ હતા તેથી ભદ્રંભદ્ર ઈર્ષ્યાનું વિસ્મરણ કરવા પ્રયાસ કરતા.

રવિવાર આવ્યો ત્યારે જેલમાં સર્વને વિશ્રાન્તિ મળી અને ચંપકલાલ ચટ્ટુનાં પુસ્તક વિશે વાદવિવાદ કરવાનો ભદ્રંભદ્રને અવકાશ મળ્યો. 'વિધવાઓના વાળના વધારાનો વધ' એ ગ્રન્થમાં ચંપકલાલે લખ્યું હતું કે,

'કેશવપન એ ખોટું કામ છે એવો વિલક્ષણ વિચાર સુધારાવાળાના મતિહીન મગજમાં શી રીતે સમાયો તે સમજાતું નથી. શું ક્ષિતિમાં ચાલતા ક્ષૌરકર્મની અનાદિસિદ્ધ વિશ્વનિયમાનુસાર વ્યવસ્થા તેમના જાણવામાં નથી ? પશુપક્ષીઓ અને જળચરો, વનચરો અને વનસ્પતિઓ ક્ષૌરકર્મ બિલકુલ કરાવતાં નથી. ઢેડ-ભંગિયા