પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહિનામાં એક વાર ક્ષૌરકર્મનો ક્રમ લે છે. કણબી, સુતાર-પખવાડિયે એક વારના ધારનો આધાર સાર ગણે છે. મધ્યમ વર્ગના જનો અઠવાડિયે એક વાર શિર ઉપર ક્ષુરના મશહૂર નૂરની ધુર પ્રગટાવવાની જરૂર જુએ છે. ઉત્તમ પંક્તિના મનુષ્યો અઠવાડિયામાં બે ત્રણ વખત શ્રમ લઈ તખતથી પણ ઊતરી એ અખતરો અનુભવે છે એ ઉત્તરોઉત્તર ક્રમ શું દર્શાવે છે ? એ જ કે જેમ મનુષ્ય ઉત્તમ તેમ તેમ કેશવપન વિશેષ ! તો વિધવાઓને દુ:ખના દીન દિવસમાં ઉત્તમ મનુષ્યત્વનો આવો અપૂર્વ અધિકાર આપણા બાપદાદાઓએ સંપૂર્ણ સામગ્રીથી સોંપ્યો છે એ કેવું ધન્ય છે, કેવું ધીર છે !!!'

વાંચતાં વાંચતાં શંકાકુલ થઈ ભદ્રંભદ્રે ચંપકલાલને પૂછ્યું, 'યવનો નિત્ય ક્ષૌરકર્મ કરે છે તે શું ડહાપણમાં આપણા પૂર્વજોની સમાન ?'

'નહિ જ. હજાર વાર ભાર મૂકી ઉચ્ચાર કરી કહું છું કે નહિ જ. યવનો હાથે ક્ષૌરકર્મ કરે છે તેથી પારકાંનાં શસ્ત્ર સહન કરવાનું વીરત્વ તેઓ દાખવી શકતા નથી અને તે માટે ઉપલો સિદ્ધાંત તેમને લાગુ પડતો નથી. આગળ વાંચો, વધારે ખૂબીની ખાણ છે.'

'બોડાવાથી બદશિકલ બને છે એ ખ્યાલ ખરેખર ખોટો છે. શાસ્ત્રમાં તે માટે આધાર નથી અને સૂર્ય, ચંદ્ર, તારા, નદી, સરોવર, પુષ્પ વગેરે ખૂબસૂરત પદાર્થો ખલકમાં છે, તેમને કેશ લેશમાત્ર નથી. તે છતાં કેશની ક્ષતિથી બદસૂરતી થતી હોય તો રતી જેટલો પણ વિધવાઓનો શો હક છે કે તેમને બદસૂરત કરવાની પુરુષોની ઇચ્છાને વ્યર્થ કરવા તેઓ સમર્થ થાય ? સ્ત્રીઓ પુરુષોની સમાન છે એ ગુમાનભર્યા પણ માનની કમાન વિનાના વિચારની તમા ન રાખવી ઘટે છે, કારણ કે તે વિશ્વનિયમથી વિશેષ કરી વિરુદ્ધ છે. વિશ્વમાં પહેલો પુરુષ થયો છે, પછી સ્ત્રી થઈ છે. વિશ્વમાં વ્યાકરણ એવું છે કે 'સ્ત્રી' કરતાં 'પુરુષ' શબ્દમાં અક્ષર વધારે છે, વિશ્વમાં વસતી એવી છે કે સ્ત્રી કરતાં પુરુષની સંખ્યા વધારે છે.'

ભદ્રંભદ્રે પૂછ્યું, 'શું આપ પાશ્ચાત્યોનાં મોહમય વસ્તીપત્રકને ખરાં માનો છો ? જેમાં યક્ષ, કિન્નર, ગન્ધર્વ, રાક્ષસની તથા વહેંતિયાં માણસની ગણતરી આવતી નથી. જેમાં ખરા કામરુ દેશની વસ્તીની ગણતરી આવતી નથી, જેમાં લંકાની વસ્તીની કલ્પિત ગણતરી આવે છે અને લંકા હાલ સમુદ્રમાં લુપ્ત થયેલી છે એ શાસ્ત્રપ્રમાણનો અનાદર થાય છે, એ ભ્રમમય વસ્તીપત્રકને આપ આધારરૂપ ગણો છો ? વસ્તીપત્રક શાસ્ત્રમાં વિહિત નથી અને ત્રિકાળજ્ઞાની ઋષિમુનિઓએ વસ્તીપત્રકની આજ્ઞા કરી નથી તેથી સનાતન આર્યધર્મનું પાશ્ચાત્ય ધર્મ કરતાં શ્રેષ્ઠત્વ સિદ્ધ થાય છે એ આર્યપક્ષોનો શું આપ ત્યાગ ઇચ્છો છો ?'

'શત્રુના શાસ્ત્રની શક્તિ ક્ષીણ કરવા તેમના પ્રમાણની પ્રણાલી પર પર્યટન કરવું જોઈએ એ સિદ્ધાંત પંડિતશિરોમણીયુગ્મ સિવાય બીજાને ક્યાંથી વિદિત હોય ? સ્થૂલબુદ્ધિઓ સ્થળે સ્થળે સ્થિર હોય પણ તીક્ષ્ણબુદ્ધિઓ તિમિરમાં તિરોહિત રહે છે એ જડ જગતમાં લગત રહેતી અગત છે, તેથી તેઓ જ્યારે જ્યારે પ્રકાશમાં નીકળી આવે ત્યારે તેમનાં વિરલ વચનને વિના વિવાદે વધાવી લેવાં વિહિત છે.'

'તીક્ષ્ણબુદ્ધિ કોણ છે અને કોનાં વચન વધાવી લેવાં વિહિત છે તે આર્યપક્ષમાં ક્યારનું નક્કી થઈ ચૂક્યું છે, તે વિના અમુક ગૃહસ્થ આર્યપક્ષમાં