પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અગ્રણી અને નાયક નિમાત નહિ. તમે સ્થૂલબુદ્ધિ છો એમાં તો સંદેહ નથી. તે વિના મહાપુરુષનો આવો તિરસ્કાર કરો નહિ તથા નિર્માલ્ય લેખ માટે આવો ગર્વ કરો નહિ.'

'મૂર્ખો મહાપુરુષ માનશે તો ગણતરી વિનાનાં ગજબનાં ગોથાં ખાવા પડશે. તમને અગ્રણી અને નાયક નીમ્યાનું પંડિતો જાણતા નથી. છતાં, તમારાં પૂછડાં તમારો તેવો તડાકો મારતાં હોય તો જેવાં પશુ તેવાં પૂછડાં એમાં અરે આશ્ચર્ય શું છે ? પ્રવીણ પંડિતોના પુસ્તકને નિર્માલ્ય કહેનાર બેવકૂફની બુદ્ધિને બાળી મૂકવી જોઈએ !'

'બળદ જેવો બુડથલ અને ઢોલ જેવો પોલો.'

'દુષ્ટ ! આ વચનો શું તું મારે વિશે કહે છે ?'

'તારા જેવા મિથ્યા ગર્વથી ફૂલેલા દેડકા ઠેર ઠેર બૂમો પાડે તેથી શું સિંહવર્ગ ભય પામશે ?'

'શિયાળ જેટલી તો તારામાં શક્તિ નથી. અને સિંહનું નામ શું કામ બદનામ કરે છે ?'

'તારી મરઘી જેવી આંખો ઊંચીનીચી થાય છે તેથી શી તારી મુખશોભા વધે છે ?'

'ઓ ભૂંડ ! તારી દૂંદ કાપી કુંડ જેવો ખાડો પાડીશ તે વિના તારી ઘેલછા ઘટવાની નથી.'

ગડદાપાટુ થવાની તૈયારી હતી. ચંપકલાલે ભદ્રંભદ્ર તરફ ધસારો કરવો શરૂ કર્યો હતો અને ભદ્રંભદ્ર યુદ્ધ માટે સજ્જ થવા બને તેટલી ત્વરા કરતા હતા, એવામાં જેલમાંથી કોઈ કેદી નાઠાની બૂમ પડી. ખળભળાટ થઈ રહ્યો. સિપાઈઓ બધી તરફ ફરી વળ્યા. એ કેદીઓનાં નામ પુકારી હાજરી લેવા માંડી. પોકારાતાં નામમાં 'પ્રાજ્ઞ નખોદીઓ' તથા 'પ્રાજ્ઞ ઘોરખોદીઓ' એ નામ સાંભળી અમે એ ગૃહસ્થોને ખોળી કહાડ્યા. માધવબાગ સભાને પ્રસંગે મુંબઈ જતાં આગગાડીમાં અને પછીથી મુંબઈમાં ચાલતા સંપ્રદાય પ્રમાણે ભદ્રંભદ્રે આગમનકારણ પૂછ્યું. રામશંકરે કહ્યું,

'અમે ગુનોહ તો કાંઈ કર્યો જ નહોતો. પણ કોઈ 'પોલિટિક્સ' કારણસર ખૂન કરવું પડેલું અને તેઓ આબરૂદાર હોવાથી તેમની પ્રતિષ્ઠા સાચવવા સારુ અમે બેએ 'પોલિટિકલ' રીતે તે કૃત્ય અમારે માથે વહોરી લીધું. 'આત્મા હણતો પણ નથી અને હણાતો પણ નથી,' એ વેદાન્તજ્ઞાન તે ગૃહસ્થને મુખેથી ઘણીવાર સાંભળેલું તે કોર્ટને સમજાવવા અમે બહુ પ્રયત્ન કર્યો પણ જડવાદથી બનેલી કોર્ટના ગળામાં તે ઊતર્યું નહિ. તે ગૃહસ્થે કરેલી ધનવ્યયની વિશાલ યોજનાને લીધે ઇરાદો કરી ખૂન કર્યાનો ગુનોહ અમારા પર સાબિત થયો નહિ. નાનો ગુનોહ સાબિત થયો અને થોડાં વર્ષ કેદમાં કહાડવાનાં છે તે સહેજે નીકળી જશે. ધન કમાવાની અમારે હવે ચિંતા રહી નથી.'