પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'આપના નામની પૂર્વે કંઈ વધારો થયેલો જણાય છે.'

'દુનિયામાં નામ પામવા સારુ કંઈ ઉપાય તો લેવા જોઈએ જ અને "આપ સમાન બળ નહિ," તેથી અમે પોતપોતાને "પ્રાજ્ઞ" કહેવડાવવાનું શરૂ કર્યું કે દુનિયા પણ અમને "પ્રાજ્ઞ" કહેતાં શીખે અને અમે પ્રાજ્ઞ છીએ એવી અંતે સર્વને પ્રતીતિ થઈ જાય. અમને પોલીસે પકડ્યા ત્યારે પણ અમારાં નામ "પ્રાજ્ઞ નખોદીઓ" તથા 'પ્રાજ્ઞ ઘોરખોદીઓ' લખાયાં. એ અજ્ઞાન લોકોએ એમ ધાર્યું કે અમારાં બંનેનાં નામ પણ પ્રાજ્ઞ છે અને નખોદીઓ તથા ઘોરખોદીઓ એ બાપનાં નામ છે. "પ્રાજ્ઞ" પદ જળવાઈ રહેવા માટે અમે એ ભૂલ ચાલવા દીધી. પરિણામે જેલમાં પણ અમારાં એ જ નામ લખાયાં અને અહીં પણ અમને સહુ કોઈ "પ્રાજ્ઞ" કહી બોલાવે છે. આગ્રહ અને ઉદ્યોગનાં પરિણામ આવાં મહોટાં ઊપજે છે. અમે પ્રાજ્ઞ છીએ તે તો હવે નિર્વિવાદ રીતે સ્વીકારાઈ ગયું છે.'

'આપની વિચક્ષણતાને ધન્ય છે. પણ ઉપનામને સ્થાને આપનાં મુખ્ય નામ રાખ્યા હોત તો "પ્રાજ્ઞ" પદ સાથે તે વધારે શોભત.'

'એ ઉપનામ પાડવાની અમારા જન્મ પહેલાં માબાપે બાધા રાખેલી તેથી છૂટકો નથી. મુખ્ય નામ તો પાછળથી શોખ માટે તથા કોઈ કોઈ વખત વાપરવા માટે પાડ્યાં છે.'

'ત્યારે તો એ ઉપનામમાં આર્યત્વનું ઊંચું તત્ત્વ સમાયેલું છે ! બાધાઓમાં વચન લઈ આર્ય દેવદેવીઓ સર્વ પ્રકારનાં વરદાન આપે છે અને તેના સાટામાં દેવદેવીઓને જોઈતી વસ્તુ સહેજ મળી જાય છે; તેલના તરસ્યા હનુમાનને તેલ મળે છે, નવાં વસ્ત્ર મળેથી માતાઓને ચૂંદડીઓ અને કસુંબલ સાડીઓ મળે છે, નિશદિન મિષ્ટાન્નની ઝંખના કરતા ઠાકોરજીને જાતજાતના ભોગ મળે છે, દૂંદમાં મોદક ગોઠવવાના તરંગ બાંધતા ગણપતિને જોઈએ તેટલા મોદક મળે છે, સર્વ દેવદેવીઓને અલંકાર, આભૂષણ, વાહન, છત્ર, ચામર, રમકડાં, પારણાં વગેરે સકળ ઇષ્ટ પદાર્થો ઇચ્છાનુસાર મળે છે. જન્મ, જશ, મરણ, વ્યાધિના નિયમોની વ્યવસ્થા મનુષ્યના હાથમાં નથી અને દેવદેવીઓને સ્વાધીન છે તેથી તે વિષયમાં મનુષ્યોની ઇચ્છા દેવદેવીઓ તૃપ્ત કરે છે; તથા ખાનપાન, વસ્ત્ર અને ભોગની પ્રાપ્તિની વ્યવસ્થા દેવદેવીના હાથમાં નથી અને મનુષ્યોને સ્વાધીન છે તેથી તે વિષયમાં દેવદેવીઓની ઇચ્છા મનુષ્યો તૃપ્ત કરે છે. જડવાદનાં ગોથાં ખાતા પાશ્ચાત્ય દેશના અર્થશાસ્ત્રીઓને આ લોકોત્તર વિનિમયનું જ્ઞાન ક્યાંથી હોય ? મારા પાડોશીને છોકરો થતો નહોતો તેથી તેણે ભૂતનાથ મહાદેવની બાધા રાખી કે છોકરો થશે તો તેને આખે શરીરે મેશ તથા તેલ ચોપડી માથે શિંગડાં બાંધી તથા પીઠે પૂંછડું બાંધી હંમેશ ભૂત જેવો ફેરવીશ અને મહાદેવની સેવામાં મૂકીશ. છોકરો થયો તે થોડાંક વર્ષ તો આ વેષે ફર્યો પણ ઇંગ્રેજી ભણ્યા પછી મનુષ્ય સિવાય બીજી આકૃતિ ધારણ કરવાની ના પાડે છે અને અનાર્યોચિત "સ્વતંત્રતા"ની વાતો કરે છે, તથા માબાપની રુચિ કરતાં પોતાની રુચિ વધારે મહત્વની ગણે છે. તેના બાપને મહાદેવ તરફથી નિત્ય સંદેશા આવે છે કે છોકરાને પ્રતિજ્ઞા મુજબ ભૂતસ્વરૂપ બનાવો, નહિ તો મહાદેવ અપ્રસન્ન થઈ આખા કુટુંબનું નિકંદન કરી