પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દુગ્ધસમુદ્ર સાથે એકાકાર થઈ ગયો છે; જે સભાના સમાચારથી સુધારાવાળા, યવનાદિ શત્રુગણ ભયત્રસ્ત થઈ પલાયન કરતાં પડી જઈ શેષનાગના શીર્ષને ધબકારાથી વ્યથા કરે છે, આશ્રયસ્થાન શોધતાં અરણ્યવાસી તપસ્વીઓની શાંતિ ભગ્ન કરે છે, આર્તસ્વરથી દેવોની નિંદ્રા હરી લે છે; જે સભાના દર્શન સારુ આવતાં કરોડો જનોના ટોળાંઓ માર્ગમાંના વ્યાઘ્ર-વરુને ભય પમાડી પોતે ઉજ્જડ કરી મૂકેલાં ગૃહોને નિવાસી કર્યાં છે, જે સભાનાં દર્શન સારુ આવતા દેવોનાં વિમાનોમાંથી સૂર્ય આચ્છાદિત થતાં બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી રહ્યો છે, જે સભાનાં દર્શન સારુ સમુદ્ર ઘડીઘડી ઊંચો થઈ નિરાશ થઈ પાછો પડે છે, તે માધવબાગની સભાથી તમે અજ્ઞ છો? અપશોચ ! અપશોચ !’

મોટે નાદે કહેલાં આ વાક્ય સાંભળી કેટલાક ઉતારુ ઊભા થઈ ગયા હતા, કેટલાક પાસે આવ્યા હતા, કેટલાક સામું જોઈ રહ્યા હતા, તેથી ભદ્રંભદ્રે પાટલી ઉપર ઊભા થઈ ભાષણ કરવા માંડ્યું.

શંકરના પુત્ર ગણપતિનું સ્મરણ કરી ભદ્રંભદ્ર બોલ્યા કે, ‘ભારતવાસી આર્યજનો ! શ્રવણ કરો ! આપણી આર્યભૂમિમાં કેટલો અધર્મ વ્યાપી રહ્યો છે, આપણી આર્યનીતિરીતિગીતિધીતિપીતિપ્રીતિભીતિ, અહા કેવી તે ઉત્તમ ! અહા શી તે ઉત્કૃષ્ટ ! અહા ! જય જય શ્રી રંગ રંગ ! ઉમંગ ! નંગ ! આવા દેશનું કેવું દુર્ભાગ્ય ! શિવ ! શિવ ! શિવ ! આપણો દેશ પૃથ્વીથી પણ શ્રેષ્ઠ હતો. દેવગણની કૃપા માત્ર આપણા દેશ પર જ હતી. બીજી ભૂમિઓના લોકોને ઈન્દ્રાદિ દેવોને તેમના વિશે માહિતી નહોતી; આજ લગી નહોતી, હાલ નથી અને હવે પછી નહિ થાય. એવી સર્વ કલા અને પ્રવીણતા, આ આપણા આર્યદેશમાં હતાં. આપણા મુનિઓ ત્રિકાળજ્ઞાની હતા એટલે કોઈ જાતની શોધ કરવાની તેમને જરૂર નહોતી. આપણા બાપદાદા આપણા જેવા જ સર્વ વાતે સંપૂર્ણ હતા. અહા ! હાલ કેવી ભ્રષ્ટતા થઈ ગઈ છે, લોકો ધર્મહીન થઈ ગયા છે. વેદધર્મ કોઈ પાળતા નથી. પણ નિરાશ થવાનું કારણ નથી. આપણો આર્યધર્મ તો સનાતન છે. આપણે હજી એવા ને એવા શ્રેષ્ઠ છીએ. વિપરીત દેખાય છે તે માયા છે. સંસાર સર્વમાયામય છે. માટે ઊઠો ! યત્ન કરો ! જય કરો ! અધર્મીનો નાશ કરો ! અહા ! આપણો ધર્મ કેવો નાશ પામ્યો છે ! શાસ્ત્રની આજ્ઞાને વહેમ કહેનાર આ મૂર્ખ આપણા ધર્મનું રક્ષણ કરવા મળનારી માધવબાગ સભા વિશે કેવળ અજ્ઞ છે. રે મૂર્ખ ! રે દુષ્ટ ! રે પાપી ! તારા જીવતરમાં ધૂળ પડી, તારાથી ગધેડા –’

હું ભદ્રંભદ્રના પ્રતાપી મુખ તરફ જોઈ રહ્યો હતો. તેથી તે એટલામાં એકાએક પડ્યા. શાથી તે ખબર પડી નહિ, પણ પેલો વહેમ વહેમ કરનાર રજપૂત કાં તો સ્નાનથી મોં પર બધે પસરી ગયેલા કંકુનો લેપ જોઈ ઉશ્કેરાયો હોય કે અધર્મ જોડે યુદ્ધ કરવાના આવેશમાં ભદ્રંભદ્ર જોડે યુદ્ધ કરવા મંડી પડ્યો હોય, પણ એકદમ તે નીચે પડ્યા કે તેમના પર ચડી બેસી તે મુક્કા પર મુક્કા લગાવવા લાગ્યો; ભદ્રંભદ્ર બૂમો પાડવા લાગ્યા; હું બારણું ઉઘાડું છું કે બંધ તે તપાસવા લાગ્યો; બે-ત્રણ જણ અમારો સામાન તપાસવા લાગ્યા; પણ યુદ્ધના નિ:સ્વાર્થ આવેશમાં હું દૂરથી જ કાંપવા લાગ્યો.