પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાડતો અને લોકોને અડબડિયાં ખવડાવતો પોલીસનો સિપાઈ નીકળી આવ્યો. તેણે ભદ્રંભદ્ર તરફ નજર કરી પૂછ્યું.

’ક્યા તકરાર હયે ?’

’વિવાદ થયો જ નથી, મતભેદ સમુદ્રગમનના શાસ્ત્રાધાર વિષયે છે. પ્રતિપક્ષીઓ પ્રમાણ દર્શાવવા અસમર્થ છે. સમુદ્રગમન એટલું મહોટું પાપ છે કે ગમે તેવા પ્રાયશ્ચિત્ત કે સંસ્કારથી તે ધોવાતું નથી એ શાસ્ત્ર પ્રતિપક્ષીઓ ગ્રહણ કરી શકતા નથી, તેમ જ સમુદ્રગમન કરી આ દેશમાં આવ્યાથી યવનોની દુર્દશા થઈ છે એ પ્રત્યક્ષ પ્રમાણ પણ તેઓ સમજી શકતા નથી. સમુદ્રગમનથી કેળવણી, કળા, વ્યાપાર, રાજ્યવ્યવસ્થા ઇત્યાદિ વિષયમાં દેશકલ્યાણ થાય છે એવો સુધારાવાળા જેઓ જડવાદી પક્ષ તેઓ કરતા હોય તોપણ તે કેવળ ભ્રાન્તિ છે કેમ કે ત્રિકાલજ્ઞાન પૂર્ણ શાસ્ત્રમાં જે નિષિદ્ધ હોય તેથી લાભ હોઈ શકે જ નહિ અને હોય તો તે લાભ આર્યોને ત્યાજ્ય છે. આર્યોના શરીરની અન્તર્ઘટનાને સમુદ્રનું વાતાવરણ પ્રતિકૂળ છે. તથા આર્યોના પ્રાણવાયુને સમુદ્રના પ્રાણવાયુ સાથે પૂર્વજન્મની શત્રુતા છે તે લક્ષમાં લઈ ઋષિઓએ સમુદ્રગમનનો નિષેધ કર્યો છે; તેથી, પરદેશમાં જઈ દેહશુદ્ધિ સાચવનારને સમુદ્રગમનની છૂટ મળવાની અશાસ્ત્રજ્ઞ જનો જે માગણી કરે છે તે અસ્થાને છે. વળી, પૃથ્વીમાં ભારતભૂમિ જ શુદ્ધ છે અને બીજા સર્વ દેશ હતભાગ્ય અશુદ્ધ અને મલેચ્છ છે તેથી કોઈ પરદેશના લોકોના સંસર્ગથી આર્યોનું હિત થઈ શકે નહિ તથા શુદ્ધિ ટકી શકે નહિ. વળી આપણા દેશમાં નાતજાત છે, જમણવાર છે, વરઘોડા છે, શું નથી તે પરદેશમાં જવું પડે ?’

’તુમ ક્યા કહેતા હયે વો હમ નહિ સમજતા. લેકિન ખેલ નહિ દેખના હો તો નિકલ જાઓ.’

’ખેલ અવશ્ય દ્ષ્ટવ્ય છે. પરંતુ સમુદ્રગમનના પ્રશ્ન સંબંધે પરાજય થવાનો વિરોધીઓ અંગીકાર કરે છે.’

સખારામ તરફ જોઈ પોલીસના સિપાઈએ પૂછ્યું. ’યે આદમી કોન હયે ?’

’કોઈ દંગાખોર ચ્છ્‍યે. ટંટા કરવા તૈયાર ચ્છ્‍યે. બાહેર કાઢવો લાગે ચ્છ્‍યે.’

પોલીસના સિપાઈએ ઝાઝી સભ્યતા વિના ભદ્રંભદ્રને બહાર કાઢવા માંડ્યા અને અમારે બહાર જવું પડત, પણ મંડપની અંદરથી પ્રસન્નમનશંકર અને વલ્લભરામ આવી પહોંચ્યા. તેમણે બધી તકરારનો અંત આણ્યો અને અમારી ટિકિટ ખરીદ કરી અમને તેઓ અંદર લઈ ગયા.

મંડપમાં ચકડોળ હતું તે ઉપર અમે બેઠા. પ્રસન્નમનશંકર અને વલ્લભરામ ચકડોળ ઉપરની ખુરશી પર બેઠા. એક પાટલી પર હું બેઠો અને ઘોડાના આકારની છૂટી બેઠક હતી તે પર ભદ્રંભદ્ર બેઠા. ચકડોળ ચાલવા માંડ્યું એટલે વલ્લભરામે ભદ્રંભદ્રને પૂછ્યું,

’કેમ મહારાજ ! બહાર આપની પૂજા થઈ કે શું ?’

’પૂજ્યજનોની પૂજા કરવાનું કર્તવ્ય સર્વ સમજતા હોય તો મહાપુરુષોને પ્રયાસ પડે જ નહિ. મહાવિજય નિમિત્તે પૂજાનો પ્રસંગ રચાવવા જ હું અત્રે આવ્યો છું, પરંતુ