પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરતી વેળા મિત્રોએ પ્રતિજ્ઞા લેવડાવી છે કે મારે અન્ય કોઈનો મોહોટો કરવો નહિ. એ પદ ધારણથી વર્તન વિરોધ ન થાય, માટે ન છૂટકે પ્રતિજ્ઞા લેવી પડે છે. આપની યોજના કેવા પ્રકારની છે ?’

’વાદ્ય, સંગીત અને દીપમાળાની રચના તો અહીં યથેચ્છ છે. મનુષ્યનો સમૂહ પણ વિશાળ છે. પતાકાઓ મંગાવી શકાશે. સર્વ મળી સતપાક તથા સનૃત્ય આ મહાશયનો ઉત્સવ કરે અને યશઃપ્રાપ્ત કરનાર મહાપુરુષના ગુણનો ઉચ્ચાર કરે તથા તેમની યથાયોગ્ય અર્ચના કરે એટલું જ બાકી છે. પુષ્પ કુંકુમ સહેલાઈથી મળી શકશે.’

’યોજના ઉત્તમા કલ્પિતા છે. પરંતુ અત્રે સંમલિત સર્વે જન પ્રથમ એ વિષયે નિવેદિતવ્ય તથા સજ્જીકર્તવ્ય છે.’

’ઊભો થઈ ભાષણ કરવા હું તત્પર છું.’

’આ ભ્રમણ કરતા કષ્ટમય અશ્વ પર ઊર્ધ્વસ્થિતિ થવામાં અધઃપતનનો સંભવ છે એ વિસ્મરણ કરવા યોગ્ય નથી. વળી સર્વે એકચિત્ત નથી તે વૃત્તાન્ત લક્ષમાં ન લેવો એ હાનિકારક છે. તથા ભ્રમણ અટક્યા વિના અને શાંતિ થયા વિના કિંચિત્‌ સાધ્ય નથી. એ વાસ્તવિક સ્થિતિ અનાદરીયા નથી. પરંતુ આ કોલાહલ શો ?’

સો દહોડસો તમાશગીરોનું ટોળું એકાએક ઘાંતા પાડતું, હર્ષનાદ કરતું, સિસોટીઓ વગાડતું અને તાળીઓ પાડતું મંડપમાં પેઠું હતું. તરત માલમ પડ્યું કે સર્વ સંયોગીરાજનું પાર્શ્વચરમંડળ હતું. ત્રણ પાર્શ્વચરોના ખભા ઉપર એક મોટી મૂછોવાળો, કાળા ચહેરાવાળો અને ફૂલતોરા ખોસેલા ધોળા ફેંટાવાળો, વિચારમુક્ત પણ આનંદી આકૃતિવાળો માણસ બેઠો હતો. તેની આગળ સંયોગીરાજ, અમારા પ્રથમ ઓળખાણના નંદીરૂપ ત્રવાડી અને બે ત્રણ મુખ્ય પાર્શ્વચરો લાકડીઓ ઝાલી ચાલતા હતા. બધું મંડળ મંડપમાં દાખલ થઈ રહ્યું એટલે ’બં-બે-રા-વ-કી-જે’ પુકારવામાં આવી અને ખભા ઉપર બેઠેલા માણસને, તેને વાગે છે કે નહિ તેની ઝાઝી દરકાર વિના, એકાએક નીચે ઉતાર્યો. તે જ બંબેરાવ હતો. અને તંદ્રાચંદ્રને ઠેકાણે સંયોગીરાજના મંડળને હાસ્ય માટે મળી ગયેલો કોઈ દક્ષણી હતો એમ માલમ પડ્યું. તેનું મૂળ નામ કંઈ જુદું જ હતું.

ચકડોળ ઊભું રહ્યું. સંયોગીરાજનું સકલ મંડળ તે ઉપર ચઢી ગોઠવાઈ ગયું અને ચકડોળ ચાલવા માંડ્યું કે તરત ફરી ’બં-બે-રા-વ-કી-જે’ બોલાઈ, જે બોલવામાં સંયોગીરાજથી માંડીને બંબેરાવ સુધી તમામ મંડળ સામીલ હોવાથી અને ઉલ્લાસભર્યા સ્વર બહુ લંબાવેલા હોવાથી આખો મંડપ ગાજી રહ્યો. ચકડોળમાં બીજો એક ઘોડો ભદ્રંભદ્રની સામી બાજુએ હતો તે પર બંબેરાવ બેઠા. આ સંજોગ જોઈ કેટલાક પાર્શ્વચરો ’બે ઘોડા પર બે ગદ્ધા’ એવું વાક્ય બોલવા લાગ્યા અને ભદ્રંભદ્રને કાને તે પડવા લાગ્યું. સંયોગીરાજને આ વાતની જાણ થતાં ગુનેગારોને ધપ્પા મારવાનો તેમણે હુકમ મોકલ્યો. તેનો અમલ બહુ છૂતથી થયો અને નિંદાવાક્ય બોલાતું બંધ થયું.

વલ્લભરામે ફરી સંભાષણ કર્યું. ભદ્રંભદ્ર તરફ જોઈ તેમણે કહ્યું,

'આ પ્રકારનો વિનયમહોત્સવ આપને માટે પણ થઈ શકે. ઇચ્છા હોય તો હું સંયોગીરાજને વિનંતી કરું કે પાર્શ્વચરોને આજ્ઞા કરે.'