પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાસ્ત્રને અનુસરી જ છે એમ કહું છું, પરંતુ રૂઢિઓ ઉત્તમ હોઈ શકે છે. અને શાસ્ત્રોમાં મહોટી મહોટી વયના લગ્નનો પ્રકાર પણ વર્ણવેલો છે એમ અંગીકાર કરવાથી શાસ્ત્રોને કે રૂઢિને આપણે નીચાં પાડતાં નથી, બધાનું મન જળવાય છે.’

’ગર્ભાધાનની વય શાસ્ત્રમાં ઘણી નાની દર્શાવી છે અને તે અતિ યોગ્ય છે એમ આપે જ પ્રતિપાદન કર્યું છે, તો પછી મહોટી વયના લગ્નનો શાસ્ત્રાધાર ક્યાં રહ્યો ? ગર્ભાધાનની વય વહી જતાં પાપ લાગે ત્યાં તે વય પછી લગ્ન કરવાનું કેમ કહી શકશો ?’

’એમાં જ આર્યપક્ષની ખૂબી છે. ગર્ભાધાનની વયનો કાયદો સુધારાવાળાને કહેવાથી થાય એ અટકાવવું એ જ જ્યાં મુખ્ય પ્રયોજન હતું ત્યાં બાળલગ્ન સંબંધી બધો શાસ્ત્રાધાર જોવાને આપણે બંધાયેલા નહોતા. વળી કાયદો થતો અતકાવવો એથી જ જ્યાં ધર્મરક્ષણ થવાનું હતું ત્યાં તે માટે હરકોઈ ઉપયોગ લેવીની છૂટ હતી, કેમ કે હેતુ ઉત્તમ હતો. પરંતુ તે સમયે દર્શાવેલા શાસ્ત્રાધાર પ્રમાણે બાળલગ્નના વિષયમાં વર્તવાની આપણી ફરજ છે એવો કોઈ શાસ્ત્રમાં પણ આધાર નહિ જડે. આર્યધર્મ સંરક્ષણ માટે અને દસ વર્ષ પછીના ગર્ભાધાનનું અનાચરણીય પાપ અટકાવવા માટે શાસ્ત્રનો ઝંડો ધરનાર એક આર્યવીરે તે પછી સોળ વર્ષની વયે પોતાના કુટુંબમાં કન્યાનું લગ્ન કર્યું એ આપના જાણવામાં પણ નહિ હોય !’

’હે શંભુ ! હે શંકર !’

’આ જ માટે મારું આપને કહેવું છે કે ધર્મધુરંધરની પદવીને બહુ છેડવી ઘટતી નથી, એમાં સંકટ છે તથા સાહસ છે. રાજકીય પ્રયાસનાં ધોરણો લક્ષમાં રાખવા સારુ ઇંગ્રેજી સાહિત્યના અવલોકનની આવશ્યકતા છે. લોકોને રાજકીય પ્રવાસમાં એકમતે સામિલ રાખવા સારુ તેમની કોઈ રૂઢિઓ નિંદવી નહિ, એ જેમ સંસારસુધારા વિરુદ્ધ રાજકીય દૃષ્ટિગત કારણ છે તેમ, ’અમારામાં સુધારાની જરૂર ન છતાં જરૂર પડે ત્યાં અમે પોતાને સુધારવા સમર્થ છીએ.’ એમ દર્શાવવાની આવશ્યકતા હોવાથી સંસાર સુધારાનો આ અલ્પ વિષયમાં કાંઈક બાહ્ય આડંબર કરવાનું કારણ છે.’

પ્રસન્નમનશંકર આ વિદાદ સાંભળી રહ્યા હતા તે બોલ્યા,

’વલ્લભરામ, અતિસિદ્ધાંતકથન એ સદૈવ અનુરુધ્ય નથી, વિશેષ કરી આ પ્રસંગમાં अति सर्वत्र वर्जयेत, પ્રૌઢ જનોને પૃચ્છીને વિવાદ કરવો વિહિત છે. બાળલગ્નનો નિષેધ કરવાની અનુજ્ઞા સુધારાવાળાના સુધારા માતે નહિ પણ આર્યધર્મની કીર્તિ માટે આપવી એ ચર્ચા ચિંતન કરવા યોગ્ય છે અને તે પણ જ્યાં કોઈની ઇચ્છા હોય, શાસ્ત્રાધાર હોય, ગુરુ અને આચાર્ય અનુકૂલ હોય તથા કોઈ અપ્રસન્ન થતું ન હોય ત્યાં જ એટલું કહ્યું હોય તો પર્યાપ્ત હતું.’

હજુ પણ ભદ્રંભદ્ર પ્રસન્ન થયા નહીં. પ્રસન્નમનશંકર તરફ નમ્ર વૃત્તિ કરી તેમણી કહ્યું,

’બાળવયે લગ્ન થાય તો જ પિતા, પ્રપિતામહ, માતા, માતામહી, પિતામહી, સર્વ વડીલો બાલકનાં લગ્ન જોઈ આનંદ પ્રાપ્ત કરી શકે છે અને વડીલોની પ્રસન્નતા, વડીલોનો આનંદ; એથી અધિક આર્યબાળને શો ઉદ્દેશ હોય ? મહોટી વયના