પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લગ્નથી લગ્ન કરનારને લાભ હોય તોપણ તે લાભ સારુ વડીલોનો આનંદ લઈ લેવો એવો આર્ય ગુરુભક્તિવિધ્વંસી સિદ્ધાંત શું કોઈ પણ આર્યપક્ષવાદી પ્રવર્તાવશે ? બીજી બધી વાત મૂકી દેતાં આ જ પ્રશ્ન પર બાળલગ્ન વિરુદ્ધના પ્રયાસ તૂટી પડી નિર્મૂળ થાય છે.’

પ્રસન્નમનશંકરે કહ્યું, ’મહોટી વયે લગ્ન કર્યાથી પ્રેમભાવના યથાર્થ ઉલ્લાસ પામતી નથી. નહાની વયમાં વૃક્ષના અંકુર સમ મન બંધાય છે અને તે જ શુભ વેલાએ તેમાં પ્રેમ પ્રતિ વલણ થવું જોઈએ અને તે બાળલગ્નથી જ થઈ શકે એમ તો મારું પણ માનવું છે.’

વલ્લભરામે એકદમ ઉત્તર દીધો, ’પ્રેમની સામાન્ય ભાવના કેળવવા માટે તો માતાપિતા, બંધુભગિની તરફના પ્રેમમાં બાળકનું મન વાળવું જોઈએ. પતિપત્નીનો પ્રેમ એ વિશેષ રૂપની ભાવના ગ્રહણ કરવાનો સમય આવે તે પહેલાં તેના સ્વતંત્ર ઉલ્લાસનો અવકાશ અટકાવી દેવાથી તે કુંઠિત થાય છે.’

ભદ્રંભદ્રે નારાજ થઈ કહ્યું, ’એ પાછી સુધારાવાળાની કોટિ છે અને તે આર્ય પક્ષને ઉચિત નથી. ગમે તેવી વ્યક્તિ સાથે નાની વયે લગ્નમાં જોડાયા પછી આર્ય સંસારના બંધારનની પ્રતિષ્ઠા જાળવવા માટે મનની ઊર્મિઓનો ભંગ કરી તથા સુખની ઇચ્છાઓ દૂર કરી સ્વાર્થત્યાગનું પરમ દ્ષ્ટાંત આપવું એ જ આર્યતાને ઉચિત છે. સંસારસુખમાં ગાળવાની સ્પૃહા રાખવી એ આર્યશાસ્ત્રમાં ઇષ્ટ ગણ્યું જ નથી.’

વલ્લભરામે કહ્યું, ’અલબત, વૈરાગ્ય એ જ અંતની વૃત્તિ છે. પણ તે સુખ ભોગવ્યા પછી જીવનને અંતે ગ્રહણ કરવાની છે અને અદ્વૈતમતે સુખ વૈરાગ્યથી વિરોધી નથી. આપ જે ઉત્સવ કરવા ઇચ્છો છો તે સ્વાર્થત્યાગ કે નિઃસ્પૃહાનું રૂપ તો ન જ કહેવાય.’

’તે સર્વ આર્યધર્મ માટે છે, અમુક વ્યક્તિ માટે નથી. વળી, મહાપુરુષો માટે માર્ગ અન્ય જ છે. પણ મહાપુરુષોની ગણના જ ક્યાં છે ? બંબેરાવને માન આપનારાઓ મારા ભણી દૃષ્ટિ પણ કરતા નથી.’

ચકડોળ જરા એકાએક ઊભું રહ્યું તેથી અને તે જ વખતે કોઈ પાર્શ્વચરે અડપલું કર્યાથી બંબેરાવ એકદમ ઘોડા પરથી ઊથલી પડ્યા, તાળીઓ અને હર્ષના પોકાર પ્રસરી રહ્યા. બંબેરાવે મરાઠીમાં વીસ પચીસ ગાળો દીધી તેથી હર્ષપૂર વધ્યું. કંઈક રકઝક પછી બંબેરાવને ઊંચકીને પાછા ઘોડા પર બેસાડ્યા અને ફરી પડી ન જાય તે માટે ઘોડા સાથે ખેશ વતી બાંધી લીધા. બંધન મજબૂત છે કે નહિ તે નક્કી કરવા સારુ તેમને ધક્કા અને લાતોથી હલાવવામાં આવ્યા પણ તે ડગ્યા નહિ. તેમની આ દઢતા માટે પાર્શ્વચરોમાં ધન્યવાદ ફેલાઈ રહ્યો અને ફરી વાર ’બં-બે-રા-વ-કી જે’ બોલાઈ.

આ વખત ગરબડ ઘણી વધારે થયાથી સાહેબ સખારામને લઈને અંદર આવ્યા. સર્વ શાંત થઈ ગયા એટલે સખારામને ચકડોળ તરફ મોં કરી ઊભો રાખી સાહેબે કહ્યુ,

’સકારામ, હિડર ડેખો. ચૂપ બેઠો.’