પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોઈ ‘મારો લ્યા મારો’ કોઈ ‘જવા દો, લ્યા’ એમ બૂમો પાડવા લાગ્યા.

કેટલાક ઉતારુ વચમાં પડ્યા તેથી પેલો રજપૂત ખસી ગયો. ‘એ બામણો મને કુણ ગાળો ભાંડનાર ! એ લાંબુ લાંબુ બોલ્યો તે તો હું ના હમજ્યો પણ મારા ભણી આંગળી કરી 'હૌ માણહ દેખતાં મને મૂરખ ને ગધાડો કહે સે તે જીવતો ના મેલું.’ એમ બોલતાં ઘડી ઘડી તે અમારી તરફ વળતો હતો, પણ બીજા લોકો તેને સમજાવવા ગાડીના બીજા ભાગમાં લઈ ગયા. ભદ્રંભદ્ર વાયુદેવને યુદ્ધમાં ઊતરવાનું કહેણ મોકલતા હોય તેમ મુખ અને નાસિકા દ્વારા ધમણ માફક પ્રાણવાયુની પરંપરા કહાડવા લાગ્યા. મેં ભાષણ અગાડી ચલાવવા કહ્યું કે ‘આવતે અગ્નિરથસ્થાપન સ્થલે બીજી ગાડીમાં જઈ ત્યાં બોધ કરીશું. એના એ જ માણસોને વક્તૃત્વશક્તિનો બધો લાભ આપી દેવો બીજા પર અન્યાય કહેવાય.’

ભદ્રંભદ્રના નિષ્પક્ષપાતી સ્વભાવ પર મને સાનંદાશ્ચર્ય પ્રેમ ઉત્પન્ન થયો. જાણે કંઈ બન્યું જ ન હોય તેમ રામશંકર અને શિવશંકર જોડે વાતો કરવા મંડી ગયા. શી મોટા માણસોની ઉદારતા ! પેલા રાજપૂત ભણી ક્રોધમય દૃષ્ટિ કરવાને બદલે તેની નજર ન પડે તેમ એક માણસને ઓથે બેઠા. હું પણ તે તરફ પીઠ કરીને બેઠો.

રામશંકરને પૂછયું કે, ‘મોહમયીમાં ક્યાં જશો?’ રામશંકર કહે કે, ‘અમારું મુંબાઈમાં ઘર નથી, પણ આ ઘોરખોદીઆના ભાઈબંધ કુશલવપુશંકરના કાકા પ્રસન્નમનશંકરને ઘેર ઊતરવાના છીએ. તમે ક્યાં ઊતરશો ?'

ભદ્રંભદ્ર કહે, ‘અમારા પાડોશીના દીકરાના મામાનો સસરો ભરૂચમાં મહેતાજી છે. તેના ફુઆના સાવકા ભાઈનો સાળો શ્રી ભૂલેશ્વર સમીપ મોતી છગનના માળામાં રહે છે તેને ત્યાં ઊતરવાનો વિચાર છે.’

આ વાતો ચાલતી હતી તેવામાં અમારા સામાનનાં પોટલા પર મારી નજર પડી. બધું ફીંદાઈ ગયું હતું. તેથી મેં તપાસી જોયું તો માંહેથી એક ધોતિયું ને એક ચાદર ખોવાયેલા માલમ પડયાં. ભદ્રંભદ્ર કહે, ‘લાભ અને અલાભ પર ધીર પુરુષે સમદૃષ્ટિ રાખવી જોઈએ. આપણા વેદધર્મનું રક્ષણ કરવામાં તન ગુમાવ્યું છે. મન ગુમાવ્યું છે અને ધન ગુમાવવાને તૈયાર છું, હજી તો મહાભારત પ્રસંગ આવવાના છે. માટે અંબારામ, શોક કરવો નહિ, પણ મિત્રના શોકમાં ભાગ લઈ તે ઓછો કરવો એ કર્તવ્ય છે. તારી ચાદર માટે શોક મૂકી દઉં છું અને મારા ધોતિયા માટે તું શોક મૂકી દે !’

મને આ વહેંચણીમાં પૂરી સમજણ પડી નહિ, પણ ભદ્રંભદ્રના મુખની ગંભીરતા જોઈ મેં વધારે પૂછયું નહિ.

પેલો શાસ્ત્રની વાતો કરનાર અમારી પાસે આવી બેઠો. તે ભદ્રંભદ્રને કહે કે, ‘મહારાજ ! આપ શાસ્ત્ર ભણેલા છો તેથી એક ખુલાસો પૂછવાનો છે. શિંગોડાં ખવાય કે નહિ?’

ભદ્રંભદ્રે કહ્યું, ‘કેમ ન ખવાય? ફરાળમાં શિંગોડાનો લોટ વપરાય છે ને ?’

તે ઉતારુએ કહ્યું, ‘તે તો ખરું, પણ, અમારા ગામમાં એક શાસ્ત્રી આવ્યા હતા,