પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે કહેતા હતા કે શાસ્ત્રમાં શિંગોડાં ખાવાની ના લખી છે. કેમ કે તેનો આકાર શંકુ જેવો છે અને તેથી તેમાં બ્રહ્માજીનો વાસ છે, કારણ કે અસલ બ્રહ્માંડરૂપી ઈંડુ શિંગોડાં જેવું શંકુ આકારનું હતું.'

શાસ્ત્રનું આ મહોટું અને ઉપયોગી તત્ત્વ સાંભળી ભદ્રંભદ્રના મુખ પર ગંભીરતા પ્રસરી રહી. તેમની આંખોના ચળકાટથી તેમને કોઈ ચમત્કારી નવું જ્ઞાન પ્રાપ્ત થયાનું ભાન થતું હોય એમ જણાયું. તેમણે ઉત્સુકતાથી પૂછયું, ‘પછી તે શાસ્ત્રીએ શું કર્યું ?’ તે ઉતારુ કહે કે, ‘શાસ્ત્રી મહારાજે આખા ગામને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાવી ગોદાનના સંકલ્પ કરાવી તેના નિષ્ક્રય દીઠ દરેક પાસેથી રૂપિયો રૂપિયો લઈ સર્વને પાપમાંથી મુક્ત કર્યાં.'

ભદ્રંભદ્રના મુખ પર સ્વદેશહિતેચ્છુ હર્ષ જણાઈ આવ્યો. તેમની પરોપકારવૃત્તિ તત્પર થઈ રહી. કપાળે આંગળી મૂકી એક સ્થિર દૃષ્ટિએ વિચાર કરી તેમણે પોટલીમાંથી એક નોટબુક કહાડી. તેમાં "શ" નામના મથાળાવાળા પાના પર લખી લીધું કે "શિંગોડાં – અભક્ષ્ય – આખા હિંદુસ્તાનને અને શિંગોડાં ખાનાર મૃત્યુ પામેલા પૂર્વજોને પ્રાયશ્ચિત્તની આવશ્યકતા – શંકા – પ્રશ્ન – સિદ્ધાંત – શાસ્ત્રાર્થ." પેલા ઉતારુને કહ્યું કે, ‘આ વિશે વધારે વિચાર કરી પંડિતોના મત પુછાવી અને બનશે તો વિદ્વાનોની સભા ભરી નિર્ણય પ્રસિદ્ધ કરાવીશું એટલે તમારા ગામમાં ખબર પડશે.’

સ્ટેશન આવ્યું એટલે બીજી ગાડીમાં જઈને બેઠા. પછી મને ભદ્રંભદ્ર કહે, ‘આ શિંગોડાનો પ્રશ્ન બહુ અગત્યનો છે; આખા દેશના કલ્યાણનો આધાર આ પ્રશ્નના નિર્ણય પર છે. જે માણસના મનમાં સ્વદેશાભિમાનનો અંશ પણ હોય તેનાથી આની અવગણના થાય તેમ નથી. જો આ વાત ખરી ઠરશે તો શિંગોડાનિષેધક સભાઓ સ્થાપવી પડશે. શ્રીકાશી સુધી એ વાત લઈ જવી પડશે. વારુ અંબારામ ! શિંગોડા શબ્દની વ્યુત્પત્તિ શી છે?'

‘મને ખબર નથી.’

'એ પણ શોધી કહાડવું પડશે. કદાચ કાલની સભામાં આ વાત મૂકવી પડશે. મારે વિચાર કરી રાખવો જોઈએ. મારાથી હમણાં ભાષણ નહિ આપી શકાય.’

એમને ગંભીર વિચારમાં પડેલા જોઈ હું બારી બહાર જોવા લાગ્યો. તારના થાંભલા બહુ રસથી ગણતો હતો એવામાં ભદ્રંભદ્રની પાઘડી એકાએક મારા પગ પર પડી. જોઉં છું તો તેમની આંખો બંધ હતી, નાકમાંથી ધ્વનિ નીકળતો હતો અને ઘીના ઘાડવાવાળું ત્રાજવું સામે કાટલાં મૂકતાં ઊંચુંનીચું થાય તેમ તેમનું ડોકું હાલતું હતું. મને એમણે એક વખત કહ્યું હતું કે, ‘હું નેત્ર બંધ કરી ધૂણતો હોઉં ત્યારે મને ઊંઘતો ન સમજવો. એ તો એક જાતની સમાધિ છે, એક બાવા પાસેથી હું શીખ્યો છું.’ તેથી તેમાં ભંગાણ પાડવું મને ઠીક ન લાગ્યું. વખતે શિંગોડાના પ્રશ્ન માટે આ જરૂરનું હોય તેથી મેં પાઘડી મૂકી છાંડી.