પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. કોને ખોટું લગાડીએ ? લ્યો આ પેન્સિલ અને કાગળ. એ પર આપનું સરનામું લખી રાખજો. મારું નક્કી કરી જેને ઘેર ઊતરવાનું ઠરે તેના ચાકરને મારું સરનામું લખી આપી મોકલું છું. તેની જોડે પેલી કાળી પેટી મોકલજો. હાથે કેટલું ઉપાડું ! લ્યો મહારાજ ! રામ ! રામ ! કૃપા થઈ. વારુ એક બીજો રૂપિયો આપો તો.'

રૂપિયો લઈ ભદ્રંભદ્રને નમસ્કાર કરી અને મને આંખ મારી તે ચાલતો થયો અને ઉતારુઓના ટોળામાં ગુમ થઈ ગયો. ગાડી ઊપડવાનો ઘંટ થયો પણ કોઈ પેટી લેવા આવ્યું નહિ. ભદ્રંભદ્રે પોતાનું સરનામું તૈયાર કરી રાખ્યું. તેમને હરજીવનની પેટી રહી જશે એવી ફિકર થવા લાગી.

મને કહે, 'એ પેટી ઉપર કહાડી મૂક કે લેવા આવે કે તરત આપી દેવાય.'

હું પેટી લેવા ગયો કે એક બીજો ઉતારુ જે ગાડીમાં આવી નીચે ઊતરી ફરી આવીને તરત જ પાછો આવેલો હતો તે કહે, 'કેમ, પેટીને કેમ અડકે છે ?'

ભદ્રંભદ્ર કહે, 'તારે શી પંચાત ? ધણી અમને કહી ગયો છે.'

તે ઉતારુ કહે, 'ધણી વળી કોણ ? પેટી તો મારી છે.'

ભદ્રંભદ્ર કહે, 'અસત્ય ભાષણ કેમ કરે છે ? એ તો હરજીવનની છે.'

'વળી સાળો હરજીવન કોણ છે ? પેટી મારી પોતાની છે.'

હું ભદ્રંભદ્રના કહેવાથી પેટી લેવા જતો હતો, પણ પેલો ઉતારુ ઊભો થઈ કહે, 'દૂર રહે નહિ તો માર ખાઈશ. એ સિપાઈ ! આ જો !'

આ તકરાર થતાં ગાડી ઊપડી ને ચાલી. હરજીવનનું કોઈ માણસ જણાયું નહિ તેથી અમે વધારે તકરાર કરવી દુરસ્ત ધારી નહિ.

અમને પેલો ઉતારુ લુચ્ચા ધારે નહિ માટે અમે બે, તે સાંભળે એમ હરજીવનની વિદ્વત્તા, ધાર્મિકતા, ચપળતા, વાચાળતા, બ્રહ્મભોજન, ટેક વિશે માંહોમાંહે વાત કરવા લાગ્યા. તેનું માણસ કેમ ન આવ્યુ, તે રૂપિયા હવે શી રીતે પાછા મોકલાવશે, બિચારાનો ટેક કેમ રહેશે, એના વ્રતમાં ભંગ પડશે વગેરે ચિંતાઓ ભદ્રંભદ્ર દર્શાવવા લાગ્યા.

અમે ઠરાવ કર્યો કે મુંબઈના પેલા હરજીવનના મિત્રને ચિઠ્ઠી આપતી વખતે હરજીવનનું ઠેકાણું પૂછી લઈ તેના પર પત્ર લખવો કે બિચારો મૂંઝવણમાંથી છૂટે અને પૈસા મોકલાવી શકે.

આ વાતોથી પેલા ઉતારુના મનમાં કંઈ અસર થઈ જણાઈ નહિ, તેથી અમે વિવિધ વાતો કરી અંધારું થયે સૂઈ ગયા. રાતમાં કોઈ વખત લાત વાગે, કોઈ નવો ઉતારુ સામાન અથડાવી વગાડે તે સિવાય અમે જાગતા નહોતા. પણ ઘણો ભાગ ટૂંટિયાં વાળી સૂઈ રહેવામાં કહાડ્યો. જોતજોતામાં સવાર થયું અને મુંબાઈના ધુમ્મસ અને ધુમાડા જોતાં જોતાં ગ્રાંટરોડનું સ્ટેશન આવી પહોંચ્યું.