પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દર્શનાર્થી જનો સારુ વિશિષ્ટ છે?'

કોઈએ ઉત્તર દેવાની તસ્દી લીધી નહિ, સહુ ગાડીવાળા નવા ઘરાક શોધવા ચાલ્યા ગયા. અમને ગૂંચવણમાં જોઈ એક આદમીએ કહ્યું, 'પેલો રેંકડો કરો, પછી તે ય નહીં મળે.' તેથી અમે તે તરફ ગયા. જેમતેમ કરી તેમાં ચઢી ઉછળતા અને ખખડતા ભૂલેશ્વર ભણી ચાલ્યા.

રસ્તામાં ગાડીઓ દોડધામ કરતી જતી હતી. પગે જનારા લોકો ધસમસ્યા ચાલ્યા જતા હતા, કોઈ કોઈ માટે વાટ જોતું જણાતું નહોતું તે જોઈ ભદ્રંભદ્ર કહે કે, 'આ સર્વ માધવબાગમાં જતા હશે !'

રેંકડાવાળાને પૂછ્યું: 'માધવબાગમાં સભા કેટલા વાગે ભરાવાની છે ?'

રેંકડાવાળો કહે, 'કહીં ? માધવબાગમાં ?'

ભદ્રંભદ્ર કહે, 'હા, માધવબાગમાં આજે આપણા વેદધર્મનું રક્ષણ કરવા માટે મોટી સભા મળનારી છે. આ નગરીમાં તો સર્વને તે વિદિત હશે.'

રેંકડાવાળો કહે, 'કોમ જાણે, અમારે તો રેંકડાના લેશન માટે પોલીસમાં જઈ આવવાનું છે.'

ભદ્રંભદ્ર કહે, 'ત્યારે શું તમે લોક માધવબાગમાં નહિ આવો?'

'ઘરાક મળે તો માધવબાગે ય જઈએ ને 'સોનાપુરે' જઈએ.'

ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, 'સોનાપુર ! સુવર્ણપુરીમાં પણ જે ન થઈ શકે તે આ અલૌકિક સભામાં થવાનું છે. સુવર્ણપુરીનો મોહ એ મોહમયીની માયા છે. સુવર્ણ એ પાર્થિવ સુખ છે, માયા છે. તેના કરતા સહસ્ત્રગણા સુખનું સાધન માધવબાગ સભામાં પ્રાપ્ત છે.' મારી તરફ જોઈ કહે કે, 'અંબારામ, જોઈ આ મોહમયીનિવાસીઓની ભ્રમણા ! સુવર્ણની લંકા લુપ્ત થઈ ગયા પછી પણ કલ્પિત ભૂગોળોમાં તથા ભૂમિરેખાચિત્રમાં હજી લંકા છે એવું અસત્ય વર્ણન કરી આપણા ધર્મ વિરુદ્ધ કેળવણી આપે છે. અને વળી, અહીં જ સુવર્ણપુરી નામે સ્થાન વસાવ્યું છે ? કેવું આપણા આર્યધર્મનું અપમાન !'

મેં રેકડાવાળાને પૂછ્યું, 'સોનાપુર જૂદું ગામ છે કે આ શહેરમાં જ છે?'

રેંકડાવાળો અમારા બેની સામું થોડીક વાર જોઈ રહ્યો, ભદ્રંભદ્રના મુખ ભણી તાકી રહ્યો. પગથી માથા સુધી આંખ ફેરવી ગયો, ‘પૂંછડેથી જ જોતરેલા !’ એમ વાંકુ મોં કરી બોલી પાછો ફરી ઉતાવળે ગાડી દોડાવવા લાગ્યો, તેની જવાબ દેવાની ઈચ્છા જણાઈ નહિ તેથી અમે તેની જોડે વધારે વાતચીત કરી નહિ.

ઘણા રસ્તા વળ્યા પછી ભૂલેશ્વર આવ્યું. મહામહેનતે પૂછતાં મોતી છગનનો માળો જડ્યો. રેંકડાવાળાને પૈસા આપી અમે નીચે ઊતર્યા. માળામાં જઈ પૂછ્યું કે, ‘શંકરભાઈ ગોકળભાઈ ક્યાં રહે છે ?’ કેટલાકે જવાબ દીધો નહિ, કેટલાકે કહ્યું, ‘ખબર નથી.’ કેટલાકે કહ્યું, ‘ઉપર પૂછો.’ ઉપલે માળ ગયા ત્યાં પણ એવા જ જવાબ મળ્યા. માળ ઉપર માળ ચઢ્યા ગયા, ત્યાં પણ પત્તો લાગે એમ જણાયું નહિ. આખરે પાંચ-છ દાદર ચડ્યા પછી છેક ઉપલે માળે કોઈએ કોટડી બતાવી ત્યાં ગયા. શંકરભાઇને