પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માણસો આપણા લોકોના આગેવાન છે, તો પછી સરકારને વચમાં નાખવાની શી જરૂર છે ? જુઓ, આપણે ખાઈ રહીને કોગળા કરી મહોં સાફ કરીએ છીએ; અંગ્રેજ લોક તેમ નથી કરતા. તે સાબિત કરે છે કે આપણા બધા રિવાજ અંગ્રેજ લોકના રિવાજ કરતાં ઘણા જ સારા છે. માટે સરકારને અરજી કરવી જોઈએ કે આ બાબતમાં કાયદો ન કરે. બીજા બોલનારા છે, માટે હું વધારે વખત રોકાતો નથી.’ (પાંચ મિનિટ લગી તાળીઓ ચાલી રહી.)

ટેકો આપવાને એક બીજા ગૃહસ્થ ઊઠ્યા. તેમણે કહ્યું, ’સરકારને અરજી શા માટે કરવી જોઈએ. એ બહુ છટાથી કહેવામાં આવ્યું છે અને ઘણી હુશિયારીથી સાબિત કરવામાં આવ્યું છે, માટે મારે વધારે કહેવાની જરૂર નથી. કેટલાક અંગ્રેજો પણ આપણા રિવાજ વખાણે છે તેથી સાબિત થાય છે કે આપણા રિવાજ ઘણા જ સારા છે. દુનિયામાં એવા કોઈના નથી, તો પછી સુધારો શું કામ કરવો જોઈએ ? આપણા રિવાજની સરકારને શી ખબર પડે ? પરદેશી લોકોને આપણા રિવાજમાં હાથ ઘાલવા દઈ શકાય નહિ. તેમના હેતુ ગમે તેટલા સારા હોય તોપણ આપણી રૂઢિઓ કેવી સારી છે તે તેઓ ન સમજે. માટે હું આ દરખાસ્તને ટેકો આપું છું.’

એમના બેસી ગયા પછી કુશલવપુશંકર બોલવા ઊભા થયા. તેમને ઊભા થયેલા જોઈને લોકોએ તાળીઓ પાડવા માંડી, ’ઘોરખોદીઓ’, ’બાઘો’, ’શાસ્ત્રી મહારાજ’ એવાં વિવિધ નામે લોકો તેમને બોલાવવા લાગ્યા. પ્રમુખે તાળીઓ પાડી લોકોને શાંત થવા કહ્યું. ટેબલ પર લાકડી ઠોકી, ઊભા થઈ મૂંગા થવા હાથે નિશાની કરી. કેટલીક વારે આગલી હારવાળા શાંત થયા ત્યારે પાછલી હાર લગી તાળીઓ જઈ પહોંચી હતી. ત્યાંના લોકો શું ચાલે છે, તે જાણ્યા વિના તાળીઓ પાડવા લાગ્યા. કંઈક શમ્યા પછી પ્રમુખે કુશલવપુશંકરને ભાષણ શરૂ કરવાનું કહ્યું. લોકોના આવકારથી તે બહેબાકળા થઈ ગયા હતા. પણ કંઈ જાણતા જ ન હોય, એમ સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતા હતા. ચારે તરફ નજર ફેરવી, મારો ગભરાટ કોઈ જોતું નથી, એમ મનથી માની લઈ તેમણે બોલવું શરૂ કર્યું.

’શ્રીવેત્રાસનાધિકારિન્‌ તથા શ્રી સભામિલિત શ્રોતૃજનાઃ આપણે વેદધર્મ શ્રેષ્ઠ છે, કારણ કે વેદ ઈશ્વરપ્રણીત છે. પૂછશો કે શા પ્રમાણથી ઈશ્વરપ્રણીત છે ? તો શું બાલક છો ? બાલકો જ એવાં પ્રમાણ માગે છે, વેદાધ્યયનને અભાવે. બ્રહ્મે પોતાનો પરિમાણ વેદમય કર્યો તેથી. કારણ કે વેદ અનાદિ છે. શબ્દ નિત્ય છે. ઈશ્વરપ્રણીત પ્રમાણ જન્યનિત્યત્વઇતરદેશશાસ્ત્રકારાસિદ્ધત્વથી. માટે સુધારો અનિષ્ટ છે. વેદવિરુદ્ધ તેથી, વેદવિરુદ્ધત્વ હોય ત્યાં ત્યાં અનિષ્ટત્વ વ્યાપક છે. તે માટે. જેમ ચાર્વાકાદિમાં ઇતિ સિદ્ધમ્‌.’

આમ અજય્ય શાસ્ત્રીય પ્રમાનથી આર્યપક્ષ સિદ્ધ કરી સર્વજનોને ન્યાયબલથી વિસ્મય પમાડી અને વિરોધીઓને સર્વકાલ માટે નિરુત્તર કરી નાખી કુશલવપુશંકર બેસી ગયા. આ પરાક્રમથી એમના કાકાના ગંભીર મુખ પર પણ મગરૂરી તથા હર્ષ