પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતા. એવામાં એક પોલીસના સિપાઈએ અમને અટકાવ્યા અને પૂછ્યું કે કોની પછવાડી આટલા બધા દોડો છો? અમે ખુલાસો કર્યાથી જવા દીધા અને કહ્યું કે ધાંધલ ના કરો. થોડે ગયા પછી એક ઓટલા પર એક આદમી બેઠો હતો, તેણે અમને હાથ કરી પાસે બોલાવ્યા અને પૂછ્યું, 'કોને ખોળો છો?'

ભદ્રંભદ્રે હરજીવનનું નામ દીધું.

તે કહે, 'અહો! પેલો નૈયાયિક અને ગણેશભક્ત! તે તો સાંભળ્યામાં કંઈ વડોદરે ગયેલા છે. ત્યાં પૂજાનો બહુ મહોટો સમારંભ કરવાનો છે. હજી અહીં આવ્યા નહિ હોય. તમારે એવા મહોટા માણસ જોડે ક્યાંથી પ્રસંગ પડ્યો?'

ભદ્રંભદ્રે હકીકત કહી અને કહ્યું, રૂપિયા કેમ પાછા મોકલવા એ વિશે એ ગૂંચવણમાં પડ્યા હશે.'

પેલાએ પૂછ્યું, 'તમે પાછા ક્યારે જવાના છો?'

ભદ્રંભદ્ર કહે, 'માધવબાગમાં આર્યસેનાનો સંપૂર્ણ જય થયો છે. એક સભામાં આપણો આર્યધર્મ સિદ્ધ થયો છે. પણ હું ધારું છું કે આ નગરમાં હજી ધર્મભ્રષ્ટ લોકો છે. તેઓ આપણા શત્રુઓ છે. તેમને હરાવ્યા વિના હું પાછો જવાનો નથી. હારેલું સૈન્ય ક્યાં જઈને ભરાયું છે, તે શોધી કાઢવાની આવશ્યકતા છે. તેમને વિદિત ન થઈ જાય એમ અમે ભાળ કહાડીએ છીએ. એમની છાવણી ક્યાં છે તે તમે જાણો છો?'

તેણે ઉત્તર દીધો, ' તમારા પહેલા શત્રુઓ તો મુંબાઈના ભિખારીઓ છે. એ બિલકુલ ધર્મ પાળતા નથી અને ગમે તેનું ખાય છે. આ તરફ એક સદાવ્રત પાસે તેમનો મહોટો જથ્થો પડેલો છે. એ લોકો કોઈને ગાંઠતા નથી. તેમના પર હુમલો કરો. પણ જોજો, એ લોકો તમારી પાસે આવશે તો માગવાને બહાને, પણ તમને એવા પજવશે! બતાવશે કે અમે તમારાથી બીતા નથી. પ્રથમ એમનો જય કરો. માધવબાગ સભામાં પત્તો ન ખાધો તેથી એ લોકો બહુ ગુસ્સે થયેલા છે. માટે સંભાળજો. ઊંચે જુઓ. આઘે એમનો વાવટો જણાય છે.'

ભદ્રંભદ્ર કહે, 'પેલા છાપરા પર છે તે?'

'ના, તેની અગાડી ઝાડ પર છે તે. તે તરફ જાઓ.'

એ લોકોને વાગ્યુદ્ધમાં હરાવવાનો નિશ્ચય કરી ભદ્રંભદ્ર તે તરફ ચાલ્યા. અમારા મનસૂબાની પહેલેથી કઈંક ખબર પડી ગઈ હોય એમ જણાયુ. કેમ કે કેટલાક ભિખારી અમને રસ્તામાં મળ્યા. ભદ્રંભદ્રે કહ્યું,' ચાલો જોડે આવો. રસ્તામાં શું ઊભા છો? રણમાં ચાલો.' એમ કહી જે ભિખારી મળ્યા, તેમને હાથ વડે અગાડી બોલાવ્યા. તેમાંના કેટલાક થોડે લગી અમારી જોડે આવી ચાલ્યા ગયા. કેટલાક તો અમારી જોડે ને જોડે જ પછાડી બૂમો પાડતા આવ્યા. કેટલક પોતાના ઘવાયેલા હાથપગ બહુ આગ્રહથી દેખાડવા લાગ્યા. કેટલાકે તો શરીર પર બાંધેલા પાટા છોડવા માંડ્યા, તેથી વાગ્યુદ્ધના વ્રણને અને આ વ્રણને કાંઈ સંબંધ હોય અને આવા વ્રણથી અમે જરા પણ ગભરાતા નથી એમ બતાવવાનો તેમનો હેતુ હોય એમ લાગ્યું. તેમનાથી પહેલા પહોંચવા અમે ઉતાવળા