પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાલવા લાગ્યા. અમે પાછા ફરીને તેમની તરફ જોઈએ તેમ તેઓ વધારે ઉશ્કેરાય. તેઓ અમારી પછવાડે દોડવા લાગ્યા. કેટલાક અગાડી આવી અમને આંતરવા લગ્યા. કોઈ કહે, 'એ જ ભિખારી છે, તે આપણને શું આપવાના હતા?'

ભદ્રંભદ્રે ઊભા રહી સર્વ તરફ જોઈ કહ્યું, 'દુષ્ટો! એમ ન સમજશો કે હું તમારાથી છેતરાઈશ. તમારી સર્વ છલમય યુક્તિઓ હું જાણું છું. પૈસા આપવા હોય તો મારી પાસે નથી એમ નથી. જુઓ આ!' એમ કહી ઓઢેલા ધોતિયાને છેડે બાંધેલા પૈસા કહાડવા ગયા તો ત્યાં કંઈ હતું જ નહિ. મારી તરફ જોઈ કહ્યું, 'ઘેરથી લેવા ભૂલી ગયા હઈશું.'

મેં કહ્યું, 'ના, આપણને રસ્તો બતાવ્યો તે આદમી મળ્યો તે પહેલાં મેં તમારા ધોતિયાને છેડે ગાંઠ જોઇ હતી. છેડો તો કપાઈ ગયેલો છે.'

ભદ્રંભદ્ર કહે, 'વખતે માર્ગમાં કોઈ ઠેકાણે ધોતિયું ભરાઈને પૈસા બાંધેલો છેડો કપાઈ ગયો હશે.'

ભિખારીઓ કહે, 'ત્યારે અમને બોલાવો છો શું કામ?'

ભદ્રંભદ્ર કહે, 'દુષ્ટો! હું તમને સારી રીતે ઓળખું છું. તમે તમારી સેનાના ગુપ્ત સંદેશકો છો, અમારી વાત જાણવા છાનામાના આવ્યા છો. પણ હું છેતરાવાનો નથી, શૌર્ય હોય તો સ્પષ્ટ રીતે યુદ્ધ કરવા બહાર પડો. તમારું મથક છે ત્યાં ચાલો. પહેલો હું આરંભ કરીશ. તમે આર્યધર્મ, આર્યનીતિ, પુરાતન આચારવિચાર, એ સર્વથી વિમુખ કેમ થયા છો? તમારાં પ્રમાણ હોય તે લાવો. હું સર્વનું ખંડન કરી નાખવા સમર્થ છું.'

શત્રુની છાવણી પાસે આવતી ગઈ તેમ તેમનો જમાવ વધતો ગયો. તેઓ યુદ્ધ માટે સજ્જ થતા હતા એમ લાગતું હતું. કેટલાક આંધળા થઈ ચાલવાનો પ્રયોગ કરી જોતા હતા. કેટલાક વાગે નહિ તેમ જમીન પર માથું પટકતા હતા. કેટલાક આખાં લૂગડાં કમ્મરે બાંધી ફાટેલાં પહેરી લેતા હતા. કેટલાક શરીરના સાજા ભાગ પર પાટા વીંટાળતા હતા. કેટલાક પૈસા આપી, બીજા ભિખારી પાસેથી બરફી ને ભજિયાં વેચાતાં લેતા હતા. કેટલાક માગી એકઠાં કરેલાં લૂગડાં વેચતા હતા. કેટલાક અમુક અમુક મહોલ્લામાંની કમાણી વિષે ચર્ચા કરતા હતા. તેમની આ વિવિધ યુક્તિઓ જોઈ, ભદ્રંભદ્રને શક ગયો કે એ લોકો પોતાની ખરી યોજનાઓ છુપાવવા આ પ્રયોગ કરે છે. હાંલ્લામાં દાળ અને લૂગડામાં વિવિધ વાનીઓ લઈ એક ભિખારીકુટુંબ ખાવા બેઠું હતું. તેનો વડીલ, છોકરાને કહેતો હતો કે 'નવ વાગે ને રોજ પેલી પારસી શેઠાણીના ઘર આગળ જવું. એકાદ જણ લંગડો થઈ ચાલજો અને આપે તે થોડું ઝટપટ ખાઈ જજો એટલે બીજું બહુ આપશે. ગાડી આવતી-જતી ન હોય તો ભૂખે પડી જજો. બબરચી પણ બહુ સારો છે!'

ભદ્રંભદ્રે એકાએક બોલી ઊઠ્યા. 'પાપી લોકો! તમે યવનોનું અન્ન પ્રાશન કરો છો. ધર્મભ્રષ્ટ થાઓ છો. આર્ય રૂઢિઓનું ઉલ્લંઘન કરો છો. ભ્રષ્ટાચારમાં મગ્ન રહો છો. નાતજાતના પૂછ્યા વિના ભિક્ષા સ્વીકારો છો. પરનાતિયો સાથે વ્યવહાર કરો છો.