પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વર્ણાશ્રમનો ધર્મ પાળતા નથી, તમારી પાસે કંઈ શાસ્ત્રાધાર છે? વેદવાક્ય બતાવી શકો છો? સ્મૃતિપુરાણમાંથી દૃષ્ટાંત આપી શકો છો? અને સ્મૃતિનો આધાર હોય તો કઈ સ્મૃતિ છે. તે પ્રથમ કહો. વેદ વિરુદ્ધ અર્થ કરશો ત્યાં હું આધુનિક કોશના અર્થ સ્વીકારવાનો નથી, શબ્દ પ્રમાણથી ઈતર પ્રમાણ હોય તો તે લાવતાં વિચાર કરજો. તર્કને મહત્ત્વ આપશો તો મૂઢ ગણાશો. તમારે કયો વાદ ઈષ્ટ છે, વિવર્ત, પરિણામ કે પ્રધાન તે વિદિત કરવો એ તમારું કર્તવ્ય છે. વિવાદ કરવો એ કંઈ સહજ નથી. મેં વાગ્યુદ્ધમાં દિગ્વિજય મેળવ્યો છે. ઇષ્ટ મત સર્વત્ર સિદ્ધ કર્યાનો સંતોષ અનુભવું છું. કહી દો, દુષ્ટો! તમારે વિગ્રહ કરવો છે કે શરણે આવવું છે?'

આ ક્રોધાયુક્ત વચનોથી ભિખારીઓમાં ઝાઝો ક્ષોભ થયો હોય એમ લાગ્યું નહિ. મુંબઈના બીજા શ્રોતાજનોની પેઠે તેમનું ટોળું ભરાયું નહિ. રસ્તે જતાં-અવતાં પાઈ પૈસા ફેંકનારા લોકોની તરફ એમનો વધારે સમૂહ આકર્ષાતો હતો. ભદ્રંભદ્રના ભાષણથી તેઓ બહુ ચકિત થયા હોય એમ જણાયું નહિ. જેને ભદ્રંભદ્રે સખત ઠપકો આપ્યો, તે કંઈ કહેવા જતો હતો, પણ પાસે બેઠેલા ભિખારીએ તેને કહ્યું, 'એ તો સદાવ્રતનો નવો ભૈયો છે.' તેથી કંઈ બોલ્યા વિના તે અમારી તરફ પીઠ કરીને બેઠો. આ બેદરકારીથી ભદ્રંભદ્રનો ક્રોધ બમણો વધ્યો. એમણે તો ધાર્યું હતું કે આ ઉપાલમ્ભથી તે એકદમ વાગ્યુદ્ધમાં ઊતરી પડશે અને પ્રથમ વ્યાકરણના પ્રશ્ન પૂછી એકદમ એને માત કરી દઈશ. નિરાશાથી ખિન્ન ન થતાં અમે શત્રુદળમાં અગાડી વધ્યા. કેટલાકનું ધ્યાન ખેંચાયું. તેમણે. 'શેઠ, શેઠ,' કહી હાથ ધર્યા. કેટલાકે તો સૂતાંસૂતાં જ પૈસો નાખવા પાથરેલું લૂગડું બતાવ્યું. તેમની આ મન્દતા અમને ઠગવાનો ઢોંગ હતો એમ માલમ પડ્યું. સદાવ્રતના બારણાં જેવા ઊઘડ્યાં કે સર્વ ભિખારીઓ તે તરફ એકદમ ધસ્યા. કેટલાક ગુંસાઈ તો પહેલેથી બારણા આગળ ઊભેલા હતા. પછાડીથી ધસતા ભિખારીઓની ભીડમાં ભદ્રંભદ્ર અને હું પણ તે તરફ ઘસડાયા. ચારે તરફથી ઘેરી લઈ છળથી આ મુજબ ઘસારો કરવાની શત્રુઓની યુક્તિ જોઈ ભદ્રંભદ્રે બૂમ પાડી કહ્યું, 'દુષ્ટો! છળથી મને ઘેરી લેશો, પણ વાગ્યુદ્ધમાં કેમ જય પામશો? મારી બુદ્ધિ કશાથી ડગે એમ નથી.' કોઈ સાંભળવા થોભે એમ નહોતું. સદાવ્રતના બારણાં આગળ બહુ પડાપડી થઈ. અમને અગાડી ધકેલાતા અટકાવવા સારુ કેટલાક અમારાં લૂગડાં ખેંચવા લાગ્યા. કેટલાક અમારા ખભા પરથી હાથ લાંબા કરવા લાગ્યા, કેટલાક દાણા લઈ પાછા વળતાં અમને હડસેલવા લાગ્યા. પ્રમાણની નિર્બળતાને લીધે આમ શત્રુઓએ કરેલી શારીરિક પીડથી ભદ્રંભદ્ર અકળાયા નહિ, પણ અથડાતા-કૂટાતા બારણા આગળ આવી પહોંચ્યા કે તરત ઉપર ચઢી ગયા. સદાવ્રતના મુખ્ય નોકરને ઘેર મોકલાતી સીધા-સામાનનએએ થાળી ખેંચવા કોઈ ધસ્યું છે, એમ જાણી બારણા ઉપર ઊભેલા આદમીએ ભદ્રંભદ્રને ધક્કો લગાવી નીચે પાડ્યા. પણ નીચે ઊભેલા ટોળાના સબળ આગ્રહથી ભદ્રંભદ્ર પાછા ઉપર આવ્યા. આ હઠ વધારે પહોંચત પણ મેં બૂમ પાડી કહ્યું ' આ સત્પુરુષ તો ગૃહસ્થ છે, ભિખારી નથી.' તેથી ભદ્રંભદ્રને બારણાં પર ટાકવા દીધા.