પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાંફતા, કંઈક નરમ પડી લોભરહિત ચેષ્ટા કરી ભદ્રંભદ્રે પોતાની નિસ્પૃહા સિદ્ધ કરી અન્નાદિ વહેંચનારને સંશયમુક્ત કર્યો. મહોટા ટોળાને બોધ કરવાનો આ બહુ સારો લાગ છે, એમ જાણી ભદ્રંભદ્રે ભાષણ કરવા માંડ્યું. મારા વચનથી ભીડમાં હડસેલાતા બચ્યા હતા. તે મહાપુરુષની માફક લોભરહિત સ્મરણ કરી મારા પર સહેજ અપ્રસન્ન દૃષ્ટિ કરી બોલ્યા:

'અંબારામ! તેં મને સત્પુરુષ જણાવી ભિખારીથી જુદો પાડી ગૃહસ્થ કહ્યો તે યથાયોગ્ય નથી કર્યું. ગૃહસ્થ પેઠે ભિખારીઓ પણ શ્રેષ્ઠ વર્ણના હોય તો સત્પુરુષ હોઈ શકે છે. બ્રાહ્મણને તો ભિખારી હોવું એમાં કૈ શોભા છે. ભીખ માગવી એ જ બ્રાહ્મણનો ધર્મ છે. એ લક્ષણથી આ કલિયુગમાં બ્રાહ્મણ ઓળખાય છે. તે જ માટે આ સર્વ મંડળને મારે ચેતવણી આપવાની છે કે ભીખ માગવી એ તો માત્ર બ્રાહ્મણનો જ અધિકાર છે બીજા વર્ણના માણસો ભીખ માગી બ્રાહ્મણ થવા પ્રયત્ન કરી જન્મથી આવેલો શાસ્ત્રોક્ત જાતિભેદ ઉલ્લંધી પાપમાં પડે છે. હે દુષ્ટો! તમને કોણે ભીખ માગવાની રજા આપી? વર્ણાશ્રમના ધર્મનો અતિક્રમ તમને કોણે શીખવ્યો? તમે શું એમ સમજો છો કે ભીખ માગવી, એ બહુ હલકું કામ છે, માટે આપણને કોઈ પૂછશે નહિ? પાશ્ચાત્યવિદ્યામાં જડવાદીઓના મોહમય અર્થશાસ્ત્રમાં કદી એવી ભ્રમિત કલ્પના હશે કે ભીખ માગવી એ હલકું કામ છે. પણ આપણાં આર્યશાસ્ત્રોની વ્યવસ્થા જુદા જ દૃષ્ટિબિંદુ પર છે. આપણાં શાસ્ત્રોએ તો ભિખારીઓને જ ઉત્તમ કહ્યા છે. ભિખારીઓને જ ભુદેવ કર્યા છે. સકળ મનુષ્યજાતિમાં શ્રેષ્ઠ વર્ણને ભીખ માગવાનું સોંપ્યું છે. એ જ સિદ્ધ કરે છે કે આપણાં શાસ્ત્રો અનુપમ છે. તો મૂર્ખો! પાશ્ચાત્ય કેળવણીના મોહથી લોભાઈ તમે ભ્રમિત માર્ગે કેમ ચઢ્યાં અને ઉત્તમ વર્ણનો ધર્મ કેમ શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ લઈ બેઠા? ભીખ માગવાથી આલસ્ય વધે છે, બુદ્ધિમાનની વૃત્તિ ઉદ્યમ કરવામાં શિથિલ થાય છે, ઉદ્યમીના શ્રમનું ફળ નિરુદ્યમી ખાઈ જાય છે, વિદ્યાભ્યાસની ઇચ્છા ઓછી થાય છે, આવા આવા દુષ્ટ પાશ્ચાત્ય વિચારો શું તમે સત્ય માની બેઠા છો? શું હાલ ચાલે છે તે બધું બરાબર નથી કે બ્રાહ્મણોની હાલની વૃત્તિ શાસ્ત્ર-વિરુદ્ધ હોઈ શકે કે અયોગ્ય હોઈ શકે? પાશ્ચાત્ય લેખકોમાં પણ જેમને સત્યનું કંઈક જ્ઞાન આર્યદેશથી મળ્યું છે તેઓ તો ભિખારીના ધંધાથી ઉત્તમતા જડશાસ્ત્રનાં પ્રમાણોથી સિદ્ધ કરે છે. જુઓ જગતપ્રસિદ્ધ પંડિતશિરોમણિ ફેડ્રીજેકીડર - જે નામ અબાલવૃદ્ધ મનુષ્યમાત્રને જાણીતું છતાં અજ્ઞાન સુધારાવાળાઓને આશ્ચર્યથી ચકિત કરે છે કે, તે લખે છે કે, "મનુષ્ય દેહમાંથી ઝરતો પ્રાણવાયુ સવેગ થઈ વાતાવરણને ઉષ્ણ કરી દે છે માટે ભિખારી દીન સ્વરથી તે વેગ મંદ પડતા કંઈક શીતતા થાય છે, નહિ તો પૃથ્વીમાં રહેવાય પણ નહિ. વળી બ્રાહ્મણથી ઈતર જાતિઓના દીનસ્વરની ગતિ વક્ર થાય છે, તેથી ભૂમધ્યરેખા સાથે કાટખૂણો થતો નથી અને તેથી પ્રાણવાયુનો વેગ મંદ પડતાં સમૂળગો અટકી જાય, તેથી હિંદુ શાસ્ત્રકારોએ બ્રાહ્મણને જ માગવાનો અધિકાર આપ્યો છે." આ સિદ્ધ કરે છે કે આપણા શાસ્ત્રકારોએ એમના સમયમાં ન જણાયેલા ગતિના નિયમો લક્ષમાં લઈ આજ્ઞાઓ કરી છે, માટે તેઓ ત્રિકાળજ્ઞાની હતા