પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમાં કંઈ શક રહેતો નથી. અજ્ઞાન સુધારવાળાઓ જ આ શાસ્ત્રાજ્ઞાને વહેમ કહે છે અને વહેમ હોય તોપણ ભીખ માગવાથી લાભ થતો હોય તો તે શા કામ માટે મૂકી દેવું? તો શું પતિતજનો, તમે સુધારાના મોહમાં પડ્યા છો કે ભીખ માગવા માંડી છે? બ્રાહ્મણોને અપાતી ભીખમાંથી ઓછું કરો છો, એ પાપની તમને વિસ્મૃતિ થાય? ભીખ માગી જગતનું વાતાવરણ બગાડી નાખો છો તે તમને છતી આંખે સૂઝતું નથી? તમારે હાથે એ કામ કેવું હલકું થઈ ગયું છે, તેનું એક દ્રષ્ટાંત મેં હમણાં જ જોયું. તમારામાંનો એક ભિખારી-શાસ્ત્રાનુસાર ભિખારી નહિ પણ ભિખારીના વેષધારી યવનનું અન્ન ગ્રહણ કરે છે. જ્યાં લગી ભીખ માગવાનો ધંધો એકલા બ્રાહ્મણને હાથ હતો, ત્યાં લગી કદી આવી ભ્રષ્ટતા જોવામાં આવતી નહોતી. ભિખારીના ગુણકર્મમાં જાતિ પ્રમાણે ભેદ પડે એ આશ્ચર્યકારક લાગશે, પણ એમાં જ આર્યવ્યવસ્થાનું ડહાપણ છે. આર્યસંસ્કારમાં ઊછરેલો બ્રાહ્મણ માંસ-મદિરાના સ્વીકાર માટે પાશ્ચાત્ય રૂઢિનું નહિ પણ આર્યદેશમાં ઉત્પન્ન થયેલા શક્તિમાર્ગનું પ્રમાણ બતાવશે, હાલ શું નઠારું કહેવાય છે તેની અવગણના કરશે અને અસલી રૂઢિ પ્રમાણે ન્યાયાસને બેસી દ્રવ્યદાનના અસ્વીકાર વડે લોકોને ખોટું નહિ લગાડે; મૂઢ દ્વૈતવાદીના નીતિ-અનીતિના મિથ્યા ભેદમાં શ્રીકૃષ્ણથી ડાહ્યા થવાની ધૃષ્ટતા નહિ કરે; ખૂન કરનાર પર લોકોનો દ્વેષ, અમર આત્મા મરતો નથી એ બ્રહ્મજ્ઞાન વડે ભ્રમિત જાણી વ્યવહારદ્રષ્ટિએ ખૂની કહેવાતાનો નાતમાં અને પંક્તિમાં સ્વીકાર કરશે. પણ પરનાતિનું અને યવનનું અન્ન તો કદી પ્રાશન નહિ કરે અને પ્રાશન કરનારનો સંસર્ગ પણ નહિ કરે. આર્યસંસારનું એ મહત્ત્વ છે. તર્કગામી પાશ્ચાત્ય બુદ્ધિથી તેનું રહસ્ય સમજાય તેમ નથી. પણ હે ભ્રષ્ટજનો! તમે એ આર્યસંસ્કારરહિત હોવાથી તે અનુસાર ઉત્પન્ન થયેલી રૂઢિનું હાર્દ સમજતા નથી. ભોજનવ્યવહારમાં શાસ્ત્રનું પ્રમાણ માગવું એ જ અનાર્યત્વ છે. આડંબરમિશ્ર નામે એક આર્ય કહે છે કે જેમ લાંચ લેવી એવું શાસ્ત્રમાં પ્રમાણ નથી તેમ પરનાતિનું અન્ન ન ખાવું એવું શાસ્ત્રમાં પ્રમાણ નથી તે છતાં તે ખાવાનો અધિકાર નથી. આવાં શાસ્ત્રરહસ્ય તમે શૂદ્રો સમજી શકો નહિ. કર્તવ્ય-અકર્તવ્યનો ભેદ કરી શકો નહિ, પરમાર્થ દ્રષ્ટિએ કર્ત્વય-અકર્તવ્યનો અભેદ જાણી શકો નહિ, માટે શાસ્ત્રોએ ભીખ માગવાનું કામ તીક્ષ્ણ બુદ્ધિના બ્રાહ્મણોને સોંપ્યું છે. કેટલાક અર્ધદગ્ધ સુધારાવાળા કહે છે કે, "બીજાં કામ છોડી જ્ઞાન સંપ્રાપ્ત કરનાર અને લોકોને બોધ દેનાર વર્ગને આજીવિકાનાં સાધન બીજા વ્યવહારી જનો પૂરાં પાડે એ તો ઠીક છે. પણ હાલના કાળમાં બ્રાહ્મણો મૂર્ખ અનક્ષર છે તેમનું શા માટે બીજા લોકો પોષણ કરે?" આર્યવ્યવસ્થાનું રહસ્ય ન સમજવાથી આવી દુષ્ટ શંકાઓ થાય છે. બ્રાહ્મણોના ભીખ માગવાથી થતો એક લાભ તો ઉપર જડશસ્ત્રબુદ્ધિને આધારે બતાવ્યો છે. આધ્યાત્મશાસ્ત્રાદિએ લાભ એ છે કે લોકો પોતાનું દ્રવ્ય બ્રાહ્મણોને આપતાં શીખે, એ અભ્યાસ તે 'આ મારું અને આ પોતાનું' એ માયાના નાશનું પહેલું પગથિયું છે. આ રીતે બ્રાહ્મણો લોકોને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવવા ભીખનો ધંધો કરે છે એટલે શાસ્ત્રનો ઉદ્દેશ સચવાય છે. સક્ષરતા - અનક્ષરત્વ એ સર્વ અપ્રસ્તુત પ્રલાપ