પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. વળી સુધારાવાળાઓ કહે છે કે ભિખારી બ્રાહ્મણો તો પ્રેતાન્ન જમી પિશાચ સમ થાય છે. હવે આ સુધારાવાળા જાણતા નથી કે આ શાસ્ત્રવચનનો અર્થ એવો છે કે બ્રાહ્મણો એટલા માટે હાથે કરી પિશાચ થાય છે કે પિશાચવર્ગમાં બીજા બધા પોતાનું કામ છોડી દે એટલે પછી જેમ વિલાયતમાં ભંગિયા પણ સાહેબલોક તેમ પિશાચ પણ બ્રાહ્મણ હોવાથી એ વર્ગમાં પણ ભક્ષ્યાભક્ષ્યનો ભેદ સચવાય માટે આવા સર્વકાર્યકુશળ ભિખારીઓને આર્યસંસારમાં શ્રેષ્ઠ ગણ્યા છે કે તેમના રાજ્યથી પ્રજામાં ઉદારતા, વિદ્વતા, ઉદ્યોગ, શૌર્ય આદિ મહાગુણો પ્રસરતા. નેશનલ કૉંગ્રેસ, બ્રાહમણ વિના બીજા કોઈને ભીખ માગવા ન દે એ સાધવાનું માથે લે તો બધા અનર્થ અટકે અને શાસ્ત્રાનુસાર ભિખારીઓ સર્વોપરી થાય તો પાર્લમેન્ટની પણ જરૂર ન પડે. માટે દુષ્ટો, શાસ્ત્રાજ્ઞા પાળો, વર્ણાશ્રમનો અતિક્રમ બંધ કરો, દેશનું હિત સમજો અને બ્રાહ્મણોના ભીખ માગવાના કામમાં વચ્ચે ન આવો.'

આ લાંબુ ભાષણ સર્વ શ્રોતાજનો સાંભળી રહ્યા. સ્વસ્થ રહી સાંભળવામાં મજા છે એમ જાણી કેટલાક તો આઘા જઈ પોતાની જગામાં પડ્યા. કેટલાકને તો એટલો રસ પડ્યો કે આસપાસ ભ્રમતા પોતાના બંધુઓને સાંભળવા બોલાવવા નીકળી પડ્યા અને કેટલાક એક જણ હાથમાં ભદ્રંભદ્રના માથા પર પછાડીથી મુઠ્ઠીમાં ચોખા ધરી રહ્યો હતો તેની લાલચ ભૂલી જઈ તેની સામું જોતા સ્તબ્ધ થઈ ઊભા. સદાવ્રતના માણસો પર ભાષણની અસર વધારે થઈ હોય તેમ જણાયું; કેમ કે તેમણે ભદ્રંભદ્રને બહુ આગ્રહ કરી સીધું આપ્યું. 'સુધારાવાળાની પેઠે કહેવું કંઈ અને કરવું કંઈ એ મારો માર્ગ નથી. મારા ભાષણને અનુસરી બ્રાહ્મણ છું માટે મારે ભિક્ષા લેવી જોઈએ.' એમ કહી ભદ્રંભદ્રે મને સીધું બાંધી લેવા કહ્યું. આ યુદ્ધનો જય તત્કાળ પ્રસિદ્ધ થયો. અમે સદાવ્રત છોડી અગાડી ચાલ્યા પણ કોઈ ભિખારી અમારી પછાડી ન આવ્યો. 'શેઠ, શેઠ' કહી પજવવાનું સર્વ કોઈએ મૂકી દીધું. ભીખ માગવાનો આપણો અધિકાર નથી એ વાત સર્વએ સ્વીકારેલી જણાઈ.

જયપ્રવૃત્તિ ચાલુ રાખવા અમે બીજું શત્રુદળ ખોળવા નીકળ્યા. થોડે ગયા એટલે એક મારવાડીને પોતાની દુકાન આગળથી એક ગાયને હાંકી કહાડતો જોયો. આ પાપાચાર જોઈ ભદ્રંભદ્રને બહુ ક્રોધ ચડ્યો. મારવાડી તરફ તે જોરથી ધસ્યો અને દુકાને બીજા મારવાડીને બેઠેલા ન દીઠા હોત તો તે વખતે તેના પર પ્રહાર કરત; તોપણ હિંમત ન ખોતા ભદ્રંભદ્રે ક્રોધથી પૂછ્યું:

'પાપી ! પૂજનીય ગોમાતાને વ્યથા કરવા તું કેમ તત્પર થયો છે? પવિત્ર ગોનું રક્ષણ કરવાને બદલે તું તેને બાધા કયા શાસ્ત્રાધારે કરે છે? શા પ્રમાણબળે તું તેની અવમાનના કરે છે?'

મારવાડે પૂરેપૂરું સમજ્યો નહિ, પણ ગાયનું નામ સાંભળી અને તે તરફ ભદ્રંભદ્રની દૃષ્ટિ જોઈ બોલ્યો, 'ઝા, ઝા, દુકાનમાંથી સણા ખાઈ જાયસે ને સોકરાને સીંગડું મારેસે તેને હાંકે તે થારા સું લીયો?'

ભદ્રંભદ્રે ઉત્તર દીધો, 'દુષ્ટ, આપણા એવાં સદ્ભાગ્ય ક્યાંથી કે વણબોલાવ્યે