પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવીને ગાય આપણું ધાન્ય ખાય અને આપણી પુણ્ય ઈચ્છા થતાં પહેલાં જ આપણને શીર્ષથી સ્પર્શ કરી જાય? તું શું આર્ય નથી કે ગાયમાતાની શાસ્ત્રોક્ત પવિત્રતા તને કહી બતાવવી પડે? તને વિદિત નથી કે ગાયની હિંસા કરનાર ને મનુષ્યહિંસા કરનાર થી ભારે દંડ કરવો એવો આર્યોનો મત છે? શું તારા દુષ્ટ કર્ણ પર આ વાત આવી નથી કે ગાયોને પીડા થતી જોતાં છતાં ટકી રહેલી આ અધમ કાયા ગાયના મલ જેટલી પણ ગણનાને પાત્ર નથી. તેથી ગાયનું શીંગડું વાગ્યે મૃત્યુ પામવું એ પુરુષાર્થ કાશીમાંય પ્રાપ્ત નથી થતો? શું તને એટલું પણ ભાન નથી કે ગાયો તારી દુકાનેથી ધાન્યાદિ ખાઈ પુષ્ટ થશે તો ભરતખંડની સમૃદ્ધિ અમર્યાદ વધી જશે? એક ગાયના દૂધથી એક દિવસમાં બે મનુષ્યનું પેટ ભરાય તેથી એક વર્ષમાં ૭૩૦ આદમીનું પોષણ થાય એ હિસાબે આખી ૪૦ કરોડ માણસની વસ્તીનું ભરણપોષણ ચાર કે પાંચ લાખ ગાયોથી થઈ શકે. આટલી ગાયોનું રક્ષણ થાય તો માણસોને બીજા કશાની જરૂર ન પડે; કેમ કે સહુ પેટ માટે મહેનત કરે છે. ખેતીની જરૂરત ન રહે; ખેતરો, જંગલો સર્વ ભૂમિ ઘર બાંધવામાં કામ લાગે. વરસાદની તાણથી કદી દુકાળ ન પડે. દેશનું બધું દ્રવ્ય બ્રહ્મભોજન, વ્યાપારાદિ અનેક સુમાર્ગે વાપરી શકાય. સરકારને પણ એથી બહુ લાભ છે; કેમકે લોકો સરકારને જોઈને તેટલા કર આપી શકે. માટે પાર્લમેન્ટ અને નેશનલ કૉંગ્રેસની વાતો મૂકી દઈ ગોરક્ષામાં સર્વ હિત સમાયેલું છે તે સમજવું જોઈએ. કોઈ કહેશે કે અમે તો ભેંસનું દૂધ ખાઈ પુષ્ટિ પામીએ છીએ પણ આ વાત અનુભવથી વિરુદ્ધ છે; કેમકે ઘોડાઓ ગાયનું દૂધ પી ઘણા જાડા થાય છે એમ જોવામાં આવ્યું છે.'

છટાદાર ભાષણ સાંભળવાના લોભે માણસોનો કંઈક જમાવ થવા લાગ્યો અને સર્વની વૃત્તિ સ્વસ્થ જોઈ ભદ્રંભદ્ર વધારે ઉશ્કેરાતા ગયા. દુકાન આગળ ટોળું મળવાથી ઘરાક ચાલ્યા જશે એમ જાણી ભેગા થનાર લોકોને મારવાડી ગાળો દેતો હતો. ભદ્રંભદ્ર અને મારવાડી બંને સાથે બૂમો પાડી બોલતા હતા તેથી શાસ્ત્રીઓની સભામાં એક બાજુએ વાદવિવાદ મચી રહ્યો એમ લાગતું હતું. ગાય તો ભદ્રંભદ્રનું ભાષણ થતાં ચાલી ગઈ હતી. પ્રત્યક્ષ દર્શનથી દયા ઉપજાવી ભાષણની અસર સબળ કરવા ભદ્રંભદ્રે રસ્તે જતા એક ખટારાવાળાને ઊભો રાખ્યો અને તેના બળદ તરફ આંગળી કરી મારવાડીને કહ્યું:

'નરાધમ, પ્રમાણબળને અભાવે તું વિહ્વલ થયેલો છે, પણ હજી તારામાં દયાભાવ ઉત્પન્ન થતો નથી, માટે પવિત્ર ગોમાતાના આ ચિરંજીવી પવિત્ર પુત્ર બલિવર્દનું તારે સાંત્વન કરવું યોગ્ય છે. દિલીપે કામધેનુનો શાપ ઉતારવા તેની પુત્રીની આરાધના કરી હતી તેમ તારે પણ તારા વડે અપમાનિત ગોમાતાનો કોપ શમાવવા આ ચિરંજીવ ગોપુત્રની સેવા કરવી જોઈએ. તું એમ ન સમજીશ કે આ બળદ ભારવહનનું કામ કરે છે, માટે તેની ગણના હલકી છે. આ ગાડામાં માટી ભરેલી છે. તે કોઈ ઠેકાણે પાથરવામાં આવશે. તેથી તે સ્થળે ચાલનારા મનુષ્યોના પગને ભૂમિ પોચી લાગતાં તેઓ પ્રસન્ન થઈ વિચારમાં મગ્ન થશે. એમ વિચાર કરવાના પ્રસંગથી