પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનેક વાર વિચાર કરવાનો તેમને અભ્યાસ પડશે. તેમને વિચાર કરતા દેખી તેમની આસપાસના મનુષ્યોને વિચાર કરવાનું મન થશે અને એમ થોડાં સમયમાં આખા ભરતખંડની પ્રજાની વિચારશક્તિ વધી જશે. વળી આ ગાડામાંની માટી પથરાઈ હશે ત્યાં તે પરથી જનારા ઘોડા, બળદ આદિ પશુઓને પગે કાંકરા ન ખૂંચતા ઘા ઓછા પડશે. તેથી પશુઓના ધણીઓને તે પશુઓના સંબંધમાં ઓછા પૈસા વાપરવા પડશે, તેથી દેશમાં પશુઓ પાળનારની સંખ્યા વધશે અને ગાડી-ગાડાં વધારે વપરાશે. એથી લાકડાંની ખપત વધારે થશે અને વધારે ઝાડ ઉગાડવામાં આવશે. વધારે ઝાડ ઊગ્યાથી આખા દેશની હવા સુધરશે, આવા આવા અનેક લાભ આ બળદના આજના પરિશ્રમથી ફલિત થશે અને સર્વ માટે આ બળદની જનની ગોમાતાનો ભારત ભૂમિ ઉપર ઉપકાર થશે, આ પ્રમાણોથી સિદ્ધ થાય છે. અરે, જ્ઞાનીઓની દૃષ્ટિમાં તો અનાદિ-કાળથી સિદ્ધ થઈ ચૂક્યું છે - કે આ બળદ પૂજ્ય છે, સેવ્ય છે, ઉપાસ્ય છે. માટે, ચાલ, સત્વર પૂજાનો આરંભ કર.'

ક્રોધ અને આશ્ચર્યથી વ્યાકુળ થયેલા મારવાડીને ભદ્રંભદ્ર બળદ તરફ ખેંચવા જતા હતા. પણ અસ્પૃશ્ય રહેવાનો મારવાડીનો વિશેષ આગ્રહ હતો અને એ દુરાગ્રહના મોહે તે બળ વાપરવાને પણ તૈયાર હતો. તેથી વાગ્બાણથી વિશેષ જોર અજમાવવાનું ભદ્રંભદ્રને દુરસ્ત લાગ્યું નહિ. ગાડાવાળો વધારે થોભવાને રાજી નહોતો અને મારવાડી પોલીસને બોલાવવાની બીક બતાવતો હતો. તેથી અમે પણ વધારે રોકાવાને રાજી નહોતા. લોકો ભાષણ સાંભળવાને રાજી હતા. તેથી ગાડામાં ઊભા રહી ગાડું ચાલતું જાય તેમ પાછળ આવતા લોકોના સમૂહને ભાષણ આપ્યા જવું એમ ભદ્રંભદ્રની ઈચ્છા હતી અને તે માટે ગાડાવાળાને પૈસા આપવા માંડ્યા પણ ના કહી તે ચાલતો થયો.

મારવાડી જરા પણ ઉત્તર આપી શક્યો નહિ અને ગાયને પ્રહાર કરતો હતો તેને બદલે હવે બળદ તરફ ખેંચાઈને પણ તેને સ્પર્શ કરવા ચાહતો નહોતો તેથી અહીં પણ જય થયો માની લઈ, અમે કંઈક આરામ લેવા ઘર તરફ પાછા ફર્યા.

૮ : હરજીવન અને શિવભક્ત - આર્યતામય ભંગ

રસ્તામાં એક રેંકડાવાળો પોતાને બેસવાની જગાએ ઊભો રહી 'બબ્બે દોડીઆં ભૂલેસર'ની જાહેરખબર પ્રસિદ્ધ કરતો હતો. રેંકડામાં એક આદમી બેઠેલો હતો. તપાસ કરતાં જણાયું કે બે પૈસામાં દરેક જણને ભૂલેસર સમીપ લઈ જવાને રેંકડાવાળો રાજી હતો અને ચાર આદમી થાય ત્યાં સુધી વાટ જોતો હતો. સોંઘું ભાડું જોઈ અમે પણ બેસવાનું નક્કી કર્યું. એક તરફ પૈડાં પાસેના વાંસ પર પગ મૂકી ભદ્રંભદ્ર ચઢવા જતા હતા, પણ એમના પવિત્ર શરીરનો સ્પર્શ કરવાની એકાએક ઈચ્છા થઈ આવ્યાથી બળદે પાછલો પગ ઊંચો કરી વેગ સહિત ભદ્રંભદ્રના ઢીંચણ પર પ્રહારો કર્યા અને ભદ્રંભદ્ર બળદના પગ અગાડી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી પડ્યા. રેંકડાવાળો