પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખીજી કહેવા લાગ્યો કે 'બળદ મારે છે તે જાણતા નથી ? ઘડી ઘડી તે કેટલાકને કહીએ ?' રેંકડામાં બેઠેલો આદમી ગાડીવાળાને કહે કે 'આને બહુ વાગ્યું હોય તો બીજા બેસનારાને બોલાવ. ક્યાં લગી ખોટી કરીશ ?' હું ભદ્રંભદ્રને હાથ પકડી ઉઠાડતો હતો, તે જોઈ મને તેણે કહ્યું કે 'કાકાપુરી હોય તો બારોબાર જ લઈ જાઓને. વળી ઇસ્પિતાલમાં લઈ જઈને ચૂંથાશે.' ઘાંટો કંઈક ઓળખીતો લાગ્યો. એણે મને ઓળખ્યો, મેં એને ઓળખ્યો, અને હું બોલી ઊઠ્યો કે 'કોણ હરજીવન ?' ભદ્રંભદ્ર પણ એકાએક ચમકી ઊભા થઈ ગયા અને બોલ્યા, 'કોણ હરજીવન ?' હરજીવને નીચે ઊતરી ભદ્રંભદ્રને રેંકડા પર ચઢવામાં મદદ કરી, રેંકડાવાળાને ધમકાવ્યો કે હવે ક્યાં લગી ખોટી કરીશ. ચાલ તને રસ્તામાં કોઈ મળી જશે.

ગાડી ચાલી એટલે હરજીવન કહે કે, 'હું બહુ દિલગીર છું કે આપણે આમ અકસ્માત મળી ગયા.'

ભદ્રંભદ્ર કહે, 'એમ કેમ ? મળ્યા એ તો સંતોષનું કારણ છે.'

હરજીવન કહે, 'એ ભૂલ છે. આમ અકસ્માત થવાનો તેથી આપનું નસીબ આપને આ રેંકડા પાસે ખેંચી લાવ્યું. અકસ્માત થવાનો ન હોત તો નસીબ આપને ક્યાંયે ઘસડી જાત. જુઓ, આપની પાસેથી મારે રૂપિયા લેવાનું સર્જેલું તે આપણા બેનાં નસીબ આપણને તે દહાડે આગગાડીમાં ખેંચી લાવ્યાં અને મારે તત્કાળ રૂપિયા પાછા ન આપવાનું સર્જેલું તે મને નસીબ વડોદરે ઘસડી ગયું. માણસનું કર્યું કંઈ થતું નથી, નસીબ જ કરે છે. મારા એક મિત્ર બિચારાને ગઈ કાલે એનું નસીબ કેદમાં ઘસડી ગયું. તે પહેલાં જુગારીઓને ઘેર ઘસડી ગયું હતું, નસીબ આગળ સહુ કોઈ લાચાર છે. પાશ્ચાત્ય લોકો નસીબનું બળ સમજતા નથી. તેથી અજ્ઞાનથી તેમણે સજાના કાયદા કર્યા છે. નસીબે આપને આ અકસ્માત કર્યો તેથી હું દિલગીર છું. વારુ મારી પેલી પેટી આપની પાસે છે કે ? એમાં મારાં કેટલાંક કીમતી લૂગડાં છે, તે બગડે નહિ એ સંભાળજો.'

ભદ્રંભદ્ર કહે છે, ' અરે એ પેટી તો આગગાડીમાં એક બેસનારે કહ્યું કે "મારી છે, હરજીવન કોણ થાય છે, ઝાઝું કરશો તો સિપાઈને બોલાવીશ." તેથી અમે તેની પાસે રહેવા દીધી, અમારું કંઈ ચાલ્યું નહિ.'

હરજીવન ખિન્ન થઈ બોલ્યો, 'અરે ! ત્યારે મારે તો આઠ રૂપિયાના બદલામાં દોઢસો રૂપિયાનો માલ ગયો. એના કરતાં તો પેટી ત્યાં ને ત્યાં જ વેચી હોત તો ઠીક થાત. ફિકર નહિ. આઠ રૂપિયા તો હું આપને આપી દઈશ. હું રોકાઈ ગયો. તેથી પેટી લેવા આવી શક્યો નહિ. એ પણ નસીબની બલિહારી. ખેર.'

ભદ્રંભદ્ર ઝંખવાણા પડી જઈ બોલ્યા, 'હવે રૂપિયા પાછા આપવાની જરૂર નથી. ઊલટી મેં આપને દોઢસો રૂપિયાની હાનિ કરાવી માટે ખેદ થાય છે. મારે તે ઊલટા આપને ભરી આપવા જોઈએ. તેમ કરીશ પણ ખરો.'

'ના, એમ થાય નહિ. એમાં આપનો શો વાંક ? પણ વારુ આપ ક્યાં જાઓ છો ?'