પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'હવે અમારે ઉતારે જઈએ છીએ, ભોજનનો સમય થયો છે.'

'ચાલો, મારે ત્યાં પધારો ને. મારે તો એ મહોટો લાભ.'

એવામાં રેંકડામાં ચોથો બેસનાર આવી મળ્યો. અમને ભિખારીઓની છાવણી બતાવી તે જ આદમી એ હતો. હરજીવન કહે, 'આ સત્પુરુષ મારા પરમ મિત્ર છે, મેં આપને ચિઠ્ઠી આપી હતી તે એમના પર જ. અનાયાસે એ પણ મળી ગયા. એ તો શ્રીમંત છે. પણ આપણી ખાતર આ વાહનમાં આવ્યા છે.'

ભદ્રંભદ્ર કહે. 'અનૌદ્ધત્ય એ જ સમૃદ્ધિનું વિભૂષણ છે. એમનું નામ શું ?'

હરજીવને કંઈ કચવાઈ એમના મિત્ર તરફ જોયું. તેણે ઉત્તર દીધો, 'જ્ઞાનીએ નામ ધારણ કરવું ન જોઈએ. નામરૂપનો તો નાશ છે જ. હરજીવને આપને એમના શ્યામવસ્ત્રધારી મિત્રો વિશે વાત કરી હશે. એ લોકો મારું નામ સાંભળીને જ મારાં દર્શન સારું એટલા ઉત્સુક થાય છે કે મેં નામનો ત્યાગ કર્યો છે. શું કરીએ ? માયાલિપ્ત વ્યાવહારિક લોકોમાં રહેવું પડે છે. શિવનો ભક્ત છું માટે મને શિવભક્ત કહેશો તો ચાલશે.'

ભૂલેશ્વર આવતાં પહેલાં એક ગલીમાં વળી અમે એક લાંબી ચાલ આગળ ઉતરી પડ્યા. શિવભક્ત ઉપર જઈ કંઈક ગોઠવણ કરી આવ્યા પછી અમે ઉપર ગયા. ઉપલે માળે ગયા ત્યાં હરજીવનની ઓરડી હતી. પાસે એક ઓરડીમાં દસ-પંદર આદમીઓ જમવા બેઠા હતા. હરજીવન કહે, 'આ સર્વ મારા અતિથિ છે. શું કરીએ, આપણું નામ સાંભળી લોકો આવે તેમને ના કેમ કહેવાય ?'

હરજીવનની ઓરડીમાં લૂગડાં કે સરસામાન નહોતાં. બે ખાટલા કંઈકથી લાવી બેસવા માટે પથરાવ્યા. ભોજનને હજી વાર હતી. જમીને શિવભક્તને બંગલે મંદિર જોવા જવાનું હતું. પણ પ્રથમ કંઈ ભેટ મૂકવી જોઈએ એ સંપ્રદાયની ખબર પડ્યાથી ભદ્રંભદ્રે મને ઘેરથી પાંચ રૂપિયા લેવા મોકલ્યો. હરજીવનના આગ્રહથી અમારો બધો સામાન ત્યાં જ લઈ આવવાનું ઠર્યું. હું પાછો આવ્યો તે પછી મિષ્ટાન્ન જમ્યા. હરજીવને ભારે ખર્ચ કર્યો જણાતો હતો અને બધામાં જાયફળ વિશેષ હતું. જમતાં પહેલાં એક આદમી આવી કહેવા લાગ્યો કે, 'અમારા પૈસા પહેલાં ચૂકવો.'

હરજીવને ભદ્રંભદ્ર તરફ આંગળી કરી કહ્યું 'આમને ઓળખતો નથી ? એ તો મહોટા માણસ છે. કશી ફિકર રાખવી નહિ.'

બારણાં બંધ કરી જમતાં જમતાં હરજીવને ખુલાસો કર્યો, 'મુંબઈ આવું ત્યારે રોજ સો રૂપિયા દક્ષિણા આપવામાં ખરચું છું. આપને આવ્યા જોઈ અને આપના પર મારો સદ્ભાવ જોઈ મારા અતિથિઓને બીક લાગી કે આજના સો રૂપિયા બધા હું આપને જ આપી દઈશ, તેથી અધીરા થયા છે. પહેલાં હું રૂપિયાને બદલે વસ્તુઓ વહેંચતો હતો. એક દહાડો સો રૂપિયાના ઘાસલેટના ખાલી ડબ્બાનું દાન કર્યું, પણ હોરાઓ બૂમ પાડતા આવ્યા કે મફત વહેંચશો તો અમારી કમાઈ જશે. બીજે દિવસે સીસીના બૂચ વહેંચ્યા તે ઘણા બ્રાહ્મણો રાજી થઈ લઈ ગયા, પછી બજારમાં બૂચ મળતાં બંધ થઈ ગયા.'