પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભદ્રંભદ્રે પૂછ્યું, 'બૂચને શું કરે છે ?'

શિવભક્ત બોલ્યા, 'બેવડો નામે શિવનો ભૂત છે, તેને હાજર રાખ્યા વિના ખરેખરી શિવપૂજા થતી નથી. પણ તે એવો છે કે તેને મહોંયે દાટો ન દો તો ઊડી જાય. ભાંગ પીવા બાબત આપનો શો અભિપ્રાય છે ?'

ભદ્રંભદ્રને બેવડાનો ને આ ભાંગનો સંબંધ સમજાયો નહિ; પણ ભાંગનું નામ સાંભળી તે જરા ઉત્સાહથી બોલ્યા, 'ભાંગ જેવી દિવ્ય વસ્તુ બીજી કોઈ નથી. ભાંગ પીવી એ સર્વ આર્યનું કર્તવ્ય છે. મદ્યનિષેધક સુધારાવાળાઓ પાશ્ચાત્ય લોકોની દેખાદેખી કરી ભાંગ-ગાંજાનો પણ નિષેધ કરે છે. પણ મૂર્ખા સમજતા નથી કે એ રીતે તો સાહેબ લોકો આપણું આર્યત્વ ખૂંચવી લેવા ધારે છે. સર્વ કેફી પદાર્થનો નિષેધ નહિ પણ માત્ર યુરોપમાં બનતા કેફી પદાર્થોનો નિષેધ થવો જોઈએ, કેમ કે તેમાં ગમે તેનું પાણી આવે છે. નહિ તો આપણા ઋષિઓ સોમરસ કેમ પીતા, આપણા સાધુઓ ગાંજો કેમ ફૂંકે છે, આપણા શક્તિમાર્ગીઓ દેશી મદિરાથી કેમ ચકચૂર બને છે ? પાણી બ્રાહ્મણિયા હોય, પાશ્ચાત્ય દેશની બનાવટ ન હોય અને પાશ્ચાત્ય નામ ન હોય, તો પછી કેફમાં કાંઈ બાધ નથી. કયો આર્ય એમ કહેશે કે ભાંગ આપણી પ્રજામાં સર્વ કોઈને ગ્રાહ્ય નથી ? પાશ્ચાત્ય લોક પાસે આપણે એ શીખ્યા નથી એ આપણને ગર્વનું અને સંતોષનું કારણ છે. શક્તિમાર્ગીઓનું પણ એ જ કહેવું છે કે 'અમે તો પાશ્ચાત્ય લોકોના આવ્યા પહેલાં મદિરાપાન કરતા હતા. અમારાં શ્લોકબદ્ધ પ્રમાણ છે. તો પછી અમને અનાર્યત્વનું કે સુધારાનું લાંછન કેમ લાગી શકે ? અમારામાંથી ફૂટ્યા તેમણે જ પાશ્ચાત્ય અસરને નામે દારૂ પીવા માંડ્યો, પણ અમે તો આપણી જૂની રૂઢિ જાળવનારા છીએ.'

શિવભક્ત કહે, 'આપ કહો છો તે સર્વ સત્ય છે, એ જ માટે મેં ભાંગ કઢાવી રાખી છે, ચાખી જુઓ. ઘૂંટી પણ ઠીક છે.'

બધાએ એક વાડકો પીધા પછી શિવભક્ત કહે, 'નાસ્તિક સુધારાવાળાઓને ક્યાંથી શિવનાં સાક્ષાત્ દર્શન થયાં હોય ? તેમને ક્યાંથી ખબર હોય કે શિવને પોતાને જ ભાંગ ઘણી પ્રિય છે ! મને મહાદેવે પોતે જ કહ્યું હતું કે,

'ભંગ ગંગ દો બ્હેન હે, રહેતી શિવ કે સંગ: લડ્ડુખાની ભંગ હૈ, તરન તારિની ગંગ.'

એક બીજો વાડકો ખાલી કરી, મારો ખભો ઝાલી એક ખાટલા પરથી બીજા ખાટલા પર કૂદી ભદ્રંભદ્ર બોલ્યા,

'ભંગા એસી પીજીએ, જૈસી રંગન રંગ; ઘરકે જાને મર ગયે અપને મન આનંદ !'

હરજીવન બોલી ઊઠ્યા, 'વાહ આનંદ આનંદ !'

અમે સર્વે 'આનંદ આનંદ' બોલતા બીજા બબ્બે વાડકા ઉડાવી ગયા, ભાંગના તપેલામાં ઊંધો વાડકો બોળી તે બહાર કાઢતાં ખાલી જોઈ ભદ્રંભદ્ર મને એક આંગળી દેખાડી બોલ્યા,