પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'એમ ન સમજીશ કે તને એકલાને જ જાદુ આવડે છે, હું ધારું તો તને આ છાપરાના ભારવટીયા પર અધ્ધર ચહોંટાડું.'

હરજીવને મારી તરફથી ઉત્તર દીધો, 'ઝાડુ જ, સુધારાવાળાને તો ઝાડુ જ. કહેશે કે પ્રતિજ્ઞા લ્યો, કોણ બાપ પ્રતિજ્ઞા લેવાનો હતો ? રવિવારે તો દેવીના નામની પ્યાલી લેતા હઈએ. પણ ભાંગનું નામ દઈ પ્રતિજ્ઞાની ના કહીએ તો ચાલે.'

મને કંઈક ઊંઘ આવવા માંડી, એટલામાં હરજીવને આવી લપડાક મારી અને કંઈક સૂઘાડ્યું, સુગંધથી ખુશ થઈ હું ઊંઘી ગયો, પછી શું થયું તે મને યાદ નથી. ઊંઘમાં મને એવું સ્વપ્ન આવ્યું કે મારા શરીરે લાંબો સાપ વીંટળાયો, પણ બરાબર સ્મૃતિ રહી નથી.

કેટલાક કલાક પછી હું જાગી ઊઠ્યો અને બેઠો થવા ગયો પણ તેમ થઈ શક્યું નહિ. ખાટલા પર સૂતાં સૂતાં આંખ ફેરવી જોયું તો મારા હાથ-પગ અને આખું શરીર ખાટલા સાથે દોરડી વતી સજ્જડ બાંધી લીધેલાં હતાં અને મારાથી ચસાય તેમ નહોતું. પાસેના ખાટલા પર ભદ્રંભદ્ર પણ એ જ દશામાં ઘોરતા હતા. ઓરડીનું બારણું બંધ કરેલું હતું. હરજીવન અને શિવભક્ત જતા રહેલા હતા. મેં તેમને બૂમો પાડી પણ બહાર કોઈ સાંભળતું હોય તેમ જણાયું નહિ. ભદ્રંભદ્રને બોલાવ્યા પણ તે જાગ્યા નહિ.

આ લાચાર દશામાંથી કેમ છુટાશે એ વિચારથી હું ગભરાવા લાગ્યો. મારા કરતાં ભદ્રંભદ્રની દશા વધારે સુખી લાગી, કે એ તો કશું જાણ્યા વિના નિરાંતે ઊંઘતા હતા. સંભારતાં મને યાદ આવ્યું કે ભાંગના ઘેનથી અને હરજીવને કંઈ સૂંઘાડવાથી હું ઊંઘી ગયો હતો. મારે શરીરે સાપ જેવું વીંટળાતું સ્વપ્નમાં લાગ્યું હતું તે દોરડીઓ બાંધતી વખતની લાગણીનું પ્રતિરૂપ હશે. ભદ્રંભદ્રને પણ મારી પેઠે થયું હશે. અમારા સામાનની પોટલીઓ જણાતી નહોતી. તે લઈને અમને ખાટલા સાથે બાંધીને હરજીવન અને શિવભક્ત નાસી ગયા હશે.

આવા વિચાર હું કરતો હતો, એવામાં કોઇએ બહારથી સાંકળ ઉઘાડી બારણું ઉઘાડ્યું. બે આદમી અંદર આવ્યા. અમારી દશા જોઈ પ્રથમ તે આશ્ચર્યથી અટક્યા અને એકબીજાની સામું જોઈ હસ્યા. પછી મને ક્રોધથી એક જણે પૂછ્યું, 'લુચ્ચાઓ ! તમારી સાથે મગન અને મોતી હતા તે ક્યાં ગયા ?'

મેં કહ્યું, 'અમે મગન ને મોતીને ઓળખતા નથી. અમે તો પરગામના છીએ. પહેલાં અમને છોડો.'

'હવે છોડે કેમ ? કંઈક બેત હશે. મગન ને મોતીને ઓળખતા નથી તે કેમ માનું ? એમની જોડે ખાવા બેઠા હતા ને વીસીના પૈસા આપવા નહિ તેની આ તદબીર છે તે સમજું છું.'

નરમ થઈ મેં કહ્યું, 'અમે કાંઈ લુચ્ચાઈમાં નથી, અમને કોઈ બાંધી ગયું છે. અમારી સાથે હતા તે તો હરજીવન ને શિવભક્ત.'

'લુચ્ચાઓએ નામ બદલ્યાં હશે. મને નીચે આવીને કહી ગયા કે અમારો કીમતી સામાન ઓસડીમાં છે. તે અમે પાછા આવીએ ત્યાં સુધી તાળું દઈ રાખજો.'