પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં ઘણા કાલાવાલા કર્યાથી મને છોડ્યો. ભદ્રંભદ્રના બંધ છોડતા હતા તેટલામાં તે પણ જાગ્યા. એમને હજી ભાંગનું ઘેન ઊતર્યું નહોતું. આંખો લાલચોળ હતી. બેઠા થઈ શક્યા એટલે કંઈ ઊછળીને બોલ્યા,

'ચાંડાલો, મને સ્પર્શ કરશો તો શિરચ્છેદ કરીશ. હું શિવ છું, બ્રહ્મ છું, વિષ્ણુપદ પામ્યો છું.'

હું એમની આગળ બેસી બંધ છોડતો હતો. તે જોઈ કહે, 'આ કોણ ? મારી નાભિમાંથી ઊગેલા કમળમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મા ? શું પ્રલયકાળ થઈ ગયો ? મારે તો ઊંઘમાં જ ગયું, પણ આ દૈત્યો શું પાતાળમાંથી આવ્યા ? ક્યાં ગયું મારું ચક્ર ? અરે સાંભર્યું, તે તો હું ઘૂંટીને પી ગયો.'

એમ કહીને વીસીવાળાને પ્રહાર કરવા જતા હતા, પણ મેં અટકાવ્યા, કેમકે, સામો પ્રહાર પડત એ નક્કી હતું. મેં વીસીવાળાઓને ભાંગ વિશે ઇશારો કરી સ્વસ્થ કર્યા. અમને છોડ્યા તો ખરા, પણ કહ્યું, 'આજના અને મગન-મોતીના આગળના પૈસા ચૂકવ્યા વિના જવા નહિ દઈએ. હમણાં આને ભાનમાં આવવા દો.' એમ કહી તેઓ ચાલ્યા ગયા.

ભદ્રંભદ્ર પાછા તરત સૂઈ ગયા. તે પાછા શુદ્ધિમાં આવી ઊઠ્યા ત્યારે મેં એમને હરજીવન અને શિવભક્તના છળ વિશે વાત કરી. ભદ્રંભદ્ર કહે, ' એ લોક એવા માણસ નથી. પછી કોણ જાણે, પણ મને શક છે કે કોઈએ ઇંદ્રજાળ ફેલાવવા મંત્રબળ વાપર્યું છે. જાદુ કોઈએ કરવા માંડ્યો એમ પણ મને યાદ છે. આપણે કાંઈ સુધારાવાળા નથી કે જાદુથી બધો ખુલાસો મળતો હોય તોપણ વધારે ચોકસી કરવા જઈએ.'

અમારી પાસે એક પાઈ રહી નહોતી. યેથી વીસીવાળાના પૈસા કેમ ચૂકવવા એ ચિંતા થઈ. અમે તેની પાસે ગયા. ભદ્રંભદ્રે તેને કહ્યું, 'અમે તો હરજીવનના પરોણા હતા. જોડેના ઓરડામાં એમના બધા પરોણા હતા તોય અમને એકલાને કેમ પકડો છો ?'

વીસીવાળો કહે, 'એ જુગારીના વળી પરોણા કોણ ? એ તો મારી વીસીના ઘરાક હતા, જમતી વખત તમારી પાસે પૈસા કબૂલાવ્યા છે તે હવે ચાલવાનું નથી. તમે પણ એવા કે તમને બાંધીને જતા રહ્યા ત્યાં લગી ભાન જ નહિ ? પણ હું કેમ જાણું ? તમે બધાં બેતમાં હશો. પૈસા ન આપવા હોય તો પોલીસમાં ચાલો.'

તકરારથી રસ્તે જનારાં માણસ એકઠાં થયાં. પોલીસનો સિપાઈ આવ્યો પણ હતો. એવામાં એક ગાડીમાં બેસી પ્રસન્નમનશંકર અને રામશંકર જતા હતા. અમને ઓળખી રામશંકરે ગાડી ઊભી રખાવી. હકીકત જાણી રામશંકરે પ્રસન્નમનશંકરના કાનમાં કંઈક કહ્યું, તેથી તેમણે વાટવો કહાડી વીસીવાળા અને પોલીસના સિપાઈને સંતુષ્ટ કર્યા અને અમને ગાડીમાં બેસાડી તેમને ઘેર લઈ ગયા.