પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૯ : પ્રસન્નમનશંકર

ભદ્રંભદ્ર વિશે પ્રસન્નમનશંકરે પહેલેથી સાંભળ્યું હોય તેમ લાગતું હતું. ઘેર જઈ આજના બનાવની વાતો પૂરી થઈ, એટલે તેમણે ભદ્રંભદ્રને કહ્યું,

'મેં આપના આતિથ્યકારને ગૃહે શિવશંકર દ્વારા આપનું અન્વેષણ કરાવ્યું હતું. આપ સારુ મેં અશ્વદ્વયાકૃષ્ટચતુશ્ચક્રકાચગવાક્ષસપાટાચ્છાદાનસમેતરથ પ્રેષિત કર્યો હતો; પણ આપ સંમિલિત થયા નહિ. આપનું ચરિત્ર શ્રવણ કરી હું સાનંદાશ્ચર્ય પ્રાપ્તિ છું. આપ મોહમયીમાં નિવાસ કરો, ત્યાં મમ આતિથ્યગ્રહણ ક્રિયતામ્, એ રીતે મને આપનો સમાગમલાભ અધિગત થશે. મારે આપની સહાયતાની આવશ્યકતા છે. સુધારાવાળા મારા શત્રુ છે. તેઓ પંડિત બની મને દુર્વિદગ્ધ ઠરાવવા મથે છે. પણ હું સૌરાષ્ટ્ર્વાસી પડ્યો એટલે મારે જાતે તો શત્રુને પણ પ્રિય વચન કહેવાં પડે. તેમની પ્રકટિત પ્રશંસા કરવી પડે, પણ આપ જેવાની દ્વારા તેમના પર નિન્દવર્ષણ થઈ શકશે. વળી વાદવિવાદમાં કે લેખનશક્તિમાં હું કોઈ સમય પરાજિત ન ગણાઉ એ પણ આવશ્યક છે, માટે હું જાતે તેમાં પ્રગટ થઈ ઊતરતો નથી. આપને હું સર્વ રીત્યા સંતુષ્ટ કરીશ. મેં પોતે પુસ્તક તો લખી રાખ્યાં છે. પણ મારા સદૃશ પવિત્ર પુરુષની પવિત્ર કૃતિને દુષ્ટ સુધારાવાળાઓની અપવિત્ર ટીકાનો સ્પર્શ ન થાય માટે આપ સદૃશ કોઈ વિદ્વાનના નામથી તે પ્રસિદ્ધ કરવાનો વિચાર છે. નહિ તો પછી મારાં બીજાં પુસ્તકપ્રસિદ્ધસાદૃશ્યેન એ પણ કલ્પિત નામ્ના પ્રસિદ્ધ કરત. આપે "વિદ્યાઢગ" નામે ગ્રંથકારનાં પુસ્તક વાંચ્યા હશે. "પ્રૌઢબોધ", "સુલભ કીર્તિ માર્ગ", એ સર્વે મારી કૃતિઓ છે.'

ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, 'ઓહો! ત્યારે તો આપને હું પુસ્તક દ્વારા સારી રીતે ઓળખું છું. મેં આપનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો છે, હું મારા ભાષણમાં આપનાં વચનોનાં પ્રમાણ પણ આપું છું. પણ મને તો સાંભરે છે કે એ પુસ્તકોમાં 'વિદ્યાઢગ' ને બદલે 'વિદ્યાઠગ' નામ હતું અને તે આપ જ એમ વિદિત નહોતું. કદાચ વિનય માટે એવું નિરભિમાન નામ ધારણ કર્યું હશે એમ હું ધારતો હતો. પણ હવે આપનું ખરું ઉપનાઅ સમજાયું.'

પ્રસન્નમનશંકર કહે, 'એ તો મુદ્રાલયે અક્ષરસમસનવ્યાપૃત પુરુષો દુષ્ટ સુધારાવાળાના મળતિયા હશે કે હું ઢકારને સ્થાને ઠકાર મૂકી દીધો. ઠગ શબ્દની વ્યુત્પતિ યાવન નહિ પણ સંસ્કૃત છે. એટલે મને વિશેષ ખેદ થયો નહિ. પ્રથમ તો એક કવિતાનું પુસ્તક રચ્યું છે તે આપને દર્શાવું. આપ, સદૃશને નામે તે પ્રગટ કરી મારી પ્રૌઢતા સચવાય તેવી વિખ્યાતિ પામતું જણાશે તો પછી દ્વિતીય આવૃત્તિમાં મારું વાસ્તવિક કર્તૃત્વ પ્રકાશિત કરીશ. નહિ તો પછી કીર્તિનો લાભ નથી. હું કેવો નિઃસ્પૃહી છું તે આપને રામશંકર કહેશે. વર્તમાનપત્રવાળાને મારે ધન આપી મારી પ્રશંસા કરતા અટકાવવા પડે છે. પણ તે એવો લોભી છે કે કોઈ પ્રસંગે સુધારાવાળાની નિંદા કરાવવી હોય ત્યારે પુનઃ પુનઃ ધનપ્રાર્થના કરે છે. સંસારમાં નિર્લોભીને લોભી સાથે વ્યવહાર કરવો પડે છે, તે અપશોચ કરવા જેવું છે. મારા કાવ્યનો પણ એ જ અંતર્ગત