પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિષય છે. એમાં સુધારાવાળ પર ઘણા ગુપ્ત આક્ષેપ કર્યાં છે. ભય એ છે કે એ આક્ષેપ તેઓ સમજશે નહિ. અર્થભાવ લેશ માત્ર ન સમજાય, એમાં જ કાવ્યનું સૌંદર્ય છે. કેમકે સમજાય તેવી કવિતા તો બધા રચી શકે. પણ આ આક્ષેપ સમજાય એ તો ઉદ્દેશ છે, માટે આપ તે જોઈ જુઓ. જુઓ આ એક દેડકા પર અન્યોક્તિ છે:

ભુજંગી

અહો દેડકા! સત્વરં ઉત્પતંત,
કર અશ્મવૃષ્ટિ યુવા પારસીક;
ન સ્પર્શે પ્રહારો તને લેશ માત્ર,
સુધારાથી નૈપુણ્ય નૈપુણ્ય સાર.

અહીં પ્રસંગ એવો છે કે, એક વેળા હું વર્ષાઋતુ સમયે અમારા અશ્વપાલની વ્યાધિગ્રસ્તતાને લીધે ચાલતો જ કોર્ટમાં જતો હતો. ત્યાં વિસ્તીર્ણ ભૂમિમાં પાણી ભરાઈ રહ્યું હતું અને તેમાં એક દેડકો હતો. તેને પારસીના છોકરા પથરા મારતા હતા. તોપણ તે એવો ત્વરાથી કૂદતો હતો, કે તેને પથરા વાગતા નહોતા. આ ભાવયુક્ત દર્શનથી મારા કવિત્વપૂર્ણ હ્રદયમાં ઉદ્દીપન થયું અને સાયંકાળે મારા વીરસસહિત ગૃહ પ્રતિ સત્વર આગમન કરતાં ગૃહે પહોંચતાં પહેલાં જ આ શ્લોક જોડી કહાડ્યો. પછી 'દુર્દરશતક' રચ્યું. છેલ્લી લીટીમાં સર્વ રહસ્ય છે. તેનો અભિહિત અર્થ એ છે કે દેડકા, તારું નૈપુણ્ય સુધારા અર્થાત્ સુધારાવાળાથી સારું છે. તાત્પર્યાર્થ કે સુધારાવાઆને તારા જેટલું નૈપુણ્ય પણ નથી આવડતું કે લોકનિંદાપ્રહારમાંથી બચી શકતા નથી. આ તો અન્યોક્તિ છે. એક સુધારાવાળો યુવક પારસીક દેડકા જેવો બધે ફરતો ફરે છે અને લોકો પર નિંદા રૂપી અશ્મ ફેંકે છે, પણ તેને પ્રકર્ષ નામ મહોટા હારો અર્થાત્ સુવર્ણ મોતીના હારો અર્થાત્ ધન લેશમાત્ર મળતું નથી, તેનો આક્ષેપ છે કે સુધાર કરવા કરતાં નૈપુણ્યથી ધનસંચય કરી હું વિશેષ લાભ પામું છું. બીજો આક્ષેપ સુધારાવાળા સ્પર્શાસ્પર્શનો ભેદ રાખતા નથી, વળી પારસીઓ સાથે ભોજન કરે છે તેમના પર છે. પારસીઓ ખીચડીના ગોળા કરી મહોંમાં અધ્ધર નાખે છે, તેને અશ્મવૃષ્ટિની ઉપમા આપી છે. કવિતા બહુ મનોહર છે, એમ આપ કહી શકશો. બધા મળી આવા પચાસ આક્ષેપ આ એક જ શ્લોકમાં છે. એટલે આખા શતકમાં ૫૦૦ આક્ષેપ સુધારાવાળા પર છે, એ મહા આનંદની વાત છે. કવિતાનો આનંદ અનુપમ કહેવાય છે. તે આપને અનુભવથી ગમ્ય થશે.'

ભદ્રંભદ્ર કહે, 'આવી ,મનોહર કવિતા મેં કદાપિ જોઈ નથી. વાહ! આપની રસિકતા અલૌકિક છે. આપણા પક્ષમાં મહાકવિ કોઈ થયો નથી. તે ખોટ આપ પૂરી પાડશો. હું તો આપ તત્ત્વચિંતક છો એટલું જ જાણતો હતો.આપનું કવિત્વ મને વિદિત નહોતું. આ દેશમાં સુધારાવાળાની સંખ્યા પાચ હજાર પણ નથી. એકેક આક્ષેપ એકેક જણ લે તો નિરુત્તર અને ખિન્ન થઈ વાગ્બાણથી શત્રુ વર્ગ નાશ પામે અને આ 'દર્દુરશતક'થી જ દેશનો ઉદ્ધાર થાય તો પછી મારે વ્યાકરણના પ્રશ્ન પૂછી સર્વ