પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડચીમામા કહી, 'પ્રસન્નમનશંકરભાઈ જગતમાં સહુથી મહોટા છે, એ વિના એક એક વાત વિશે શક છે. સ્ત્રીકેળવણી વિરિદ્ધ તો ઝટ શક કહાડાય છે. સ્ત્રીકેળવણીથી આપણા પુરુષોને શો લાભ છે તે સિદ્ધ થયા વિના આપણાથી તેનો આરંભ કેમ થાય? અને આરંભ કર્યા વિના સિદ્ધ કેમ થાય? તો પછી સ્ત્રીકેળવણી કેમ અપાય? હું એક સમે સમુદ્રતટે બેઠો હતો ત્યારે પાઘડી સમુદ્રમાં પડી અને શક ગયો કે સમુદ્રદેવ છે તેણે પોતે પાઘડી ખેંચી લીધી હશે તો પાછી નહિ આપે. લેવા માંડીએ ને ન મળે ત્યાં સુધી જણાય પણ કેમ કે તેણે હાથે કરી લીધી? અને તે જાણાયા વિના લેવા જવાય પણ કેમ ? એ શંકામાં હું ઉઘાડે માથે ઘેર આવ્યો. તેના જેવી આ વાત છે.'

ડચીમામાની વિચારશક્તિથી અને દેવ પરની શ્રદ્ધાથી ભદ્રંભદ્ર ચકિત થયા. તેમની સાથે વધારે પરિચય થતો ગયો તેમ તેમ ભદ્રંભદ્ર પોતાના શક તેમને પૂછ્તા ગયા. તે શકમાં ડચીમામા ઉમેરો કરતા ગયા.

રામશંકરના કહેવાથી ખબર પડી કે ભદ્રંભદ્રને વધારે વાર પરોણા રાખવાનું કારણ એ હતું કે સુધારાવાળા વિરુદ્ધ પુસ્તક લખાવવા એક માણસ પગાર આપી રાખવાનો કોઈ શ્રીમંત પાસે પ્રસન્નમનશંકરે વિચાર મૂક્યો હતો. પગારમાંથી અરધો ભાગ પ્રસન્નમનશંકરે તેમની વિદ્વતા માટે ભેટ આપવાની મરજી જણાવી ભદ્રંભદ્રે થોડા વખત માટે એ જગા કબૂલ કરી. પ્રસન્નમનશંકર જે વિષય બતાવે તે લેવો એવી આજ્ઞા હોવાથી "રૂઢિ પ્રશંસા"નો વિષય પ્રથમ લીધો. ભદ્રંભદ્રે સૂચવ્યું કે 'જે રૂઢિઓને શાસ્ત્રનો આધાર ન હોય તેમને માટે આધાર શોધી કહાડી બતાવવો એ આ ગ્રંથનો હેતુ રાખવો, કેમકે તર્કથી રૂઢિની ઈષ્ટાનિષ્ટતા સિદ્ધ કરવી કે નિરર્થક વ્યવહારમાં લાભાલાભ જોવો એ નિરુપયોગી છે, કારણ કે શાસ્ત્રાનુસરણ એ જ લાભ છે. વ્યવહારમાં જ્યાં લાભ ન જણાય ત્યાં માયા ભ્રાંતિ કરાવે છે તે જ્ઞાનથી દૂર થશે. શાસ્ત્રાધાર બતાવવો એ જ રૂઢિની ખરી પ્રશંસા છે.'

પ્રસન્નમનશંકર કહે, 'એ સત્ય છે. રૂઢિનું ધાતુ "રુહ" છે "રુહ્" એટલે વધવું. માટે પ્રથમ પ્રકરણમાં કોઈ વય અને જ્ઞાનથી રૂઢ પુરુષની પ્રશંસા આવવી જોઈએ.'

ભદ્રંભદ્ર કહે, 'આપ જેવા યોગ્ય પ્રશંસાપાત્ર બીજા કોણ હોય? માટે આપની જ પ્રશંસા ઘટે.'

પ્રથમ પ્રકરણમાં વાંચનારનો પ્રશંસાના વિષયમાં પ્રવેશ થાય માટે મહાપુરુષ પ્રસન્નમનશંકરનું જીવનચરિત્ર પ્રશંસા સાથે લખવામાં આવ્યું. એમની જન્મની તારીખ અને મુંબાઈ આવ્યાની તારીખ સિવાય બીજી કોઈ તારીખે એમના જીવનમાં જાણવાજોગ બનાવ બનેલા નહોતા, તેથી એ રાજવંશમાં જન્મ્યા હોત તો કેવા પ્રતાપી થાત, ઋષિઓના સમયમાં જન્મ્યા હોત તો એમની રચેલી કેટલી સ્મૃતિઓ પ્રમાણભૂત ગણાતી હોત, એ મુંબાઈમાં ન આવ્યા હોત તો જગતમાં કેવી રીતે કેવા કેવા અનર્થ થઈ જાત, ઇતિહાસના મહોટા બનાવ વખતે એઓ હોત તો અનેક દેશોના ઇતિહાસનું સ્વરૂપ કેવું કેવું બદલાયેલું માલમ પડત, એવી એવી રચનાથી સર્વ ધાતુઓના સંકેત