પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભૂતકાળ એમના ચરિત્રમાં આપવામાં આવ્યા.

બીજું પ્રકરણ "રૂઢિસ્વરૂપ" વિશે હતું. રૂઢિનું લક્ષણ શું આપવું એ બહુ કઠણ પ્રશ્ન લાગ્યો. લક્ષણમાં નિષિદ્ધ દોષ એકે ન આવે અને સ્વરૂપથી રૂઢિનું પ્રમાણ અને ઇષ્ટતા સિદ્ધ થઈ જાય એવી વ્યાખ્યા ભદ્રંભદ્ર ખોળતા હતા. પ્રસન્નમનશંકરની ઇચ્છા એવી હતી કે લક્ષણ એવું સંપૂર્ણ આપવું કે તેથી રચનારની વિદ્વતા સિદ્ધ થાય. લક્ષણ જડે તો 'શ્રીયુત પ્રસન્નમનશંકરે કૃપા કરી આ લક્ષણ બતાવી આપ્યું છે', એવું પુસ્તકની ટીકામાં રચનારે પ્રસિદ્ધ કરવું. એવી તેમની ઇચ્છા હતી. કુશલવપુશંકર અને ડચીમામા પણ આ ચિંતનમાં સહાયક થયા. કુશલવપુશંકર કહે કે 'દુઃસાધ્યતા એ છે કે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનું શાસ્ત્રરૂપ એક્ય છતાં રૂઢિ તેથી સ્વતંત્ર પ્રવર્તે છે, છતાં માયા પ્રમાણે રૂઢિ ભ્રાંતિ કરાવનાર નથી પણ માન્ય અને પ્રમાણભૂત છે એમ દર્શાવવાનું છે. ઉત્તમ માર્ગ એ છે કે અદ્વૈતવાદનું પ્રમાણ લેવું અને શાસ્ત્ર અને રૂઢિ એ બેનો પરમાર્થ દૃષ્ટિએ અભેદ છે તેથી રૂઢિ શાસ્ત્રનું જ રૂપ છે એમ વ્યાખ્યામાં કહેવું.'

ડચીમામા કહે, 'મને લાગે છે કે આપણા ઘયડીઆઓએ જ્યારે બહુ વિચાર કર્યો હશે ત્યારે તે વિશે કંઈ લેખ કર્યો હશે. માટે ટાંકા, તળાવ, હવેલીઓ, મંદિરો ખોદાવી નાખી ઊંડી તપાસ કરવી જોઈએ તો ધરતીમાંથી રૂઢિ વિશે જડે ખરું. ત્યાં સુધી આપણાથી રૂઢિ વિશે કંઈ નવું કેમ પ્રસિદ્ધ થાય? વખતે એમનો મત એથી જુદો જ માલમ પડે તેથી, આખો ભરતખંડ ખોદાવી તપાસ કર્યા વિના આ ઉતાવળ થાય છે એમ મારું માનવું છે.'

ભદ્રંભદ્ર કહે, 'કાળને સીમા નથી ને કોઈ દિવસ પણ એ ખોદાવવાનું કામ પૂરું થઈ રહે એમાં સંશય નથી; તથાપિ ગ્રંથ કરવામાં ધન પ્રવૃત્તિહેતુ છે એવી વિસ્મૃતિ થવી ન જોઈએ, કેમકે તેવી વિસ્મૃતિ માટે પ્રમાણ નથી. તો પછી પૂર્વજોનો રૂઢિઓ બાંધવામાં શો આશય હશે એ જાણવાની આવશ્યકતા રહેતી નથી, જે આપણને, ઠીક લાગતો હોય અને જેથી આપણો પક્ષ સબળ થતો હોય, તે તેમનો આશય ઠેરવવો એ આપણી પ્રવર્તમાન યુક્તિ છે. વળી બહુ શ્રમ કરવો પડે નથી, કેમકે આપણા પૂર્વજોના જે આશય તેઓને અજ્ઞાત હતા તથા આપણને પણ અજ્ઞાત છે, તે અમિરિકામાં થિયોસોફિસ્ટ લોકોને જડ્યા છે અને અપૂર્વ છે, તે છતાં તે ગ્રહણ કરતાં વાધો નથી. આપણા દેશમાં બનતા વાસણ હવે વિલાયતથી બનીને આવે છે. તે લેવાની સુધારાવાળા ના નથી પાડતા તો પછી આપણી રૂઢિઓનાં કારણ અમેરિકાથી થિયોસોફિસ્ટ લોકો બનાવી કહાડીને મોકલે તે લેવાની આપણે શું કામ ના પાડીએ? અને કંઈ નહિ તો પછી પ્રાણવાયુથી ક્યાં બધાનાં કારણ જોડી કહાડતાં નથી? મારો તો મત એ છે કે એ કારણો શોધવા કરતાં શાસ્ત્રનાં પ્રમાણ શોધી કહાડવાં. જેટલાં શ્લોક એટલાં શાસ્ત્ર છે એટલે એમાં ક્દી કઠિનતા નહિ પડે. કારણો, આશય, લાભાલાભ એ સહુ જોવાથી શાસ્ત્ર પર વિશ્વાસ કંઈક ઓછો થાય છે અને અંતે કંઈક કર્તવ્યની વિસ્મૃતિ થાય છે. અન્નદેવનો અનાદર ન કરવો એ શાસ્ત્રાજ્ઞા અનુસરવા માટે જ આપણે દ્વિજવર્ગ નિત્ય ભોજન કરીએ છીએ. માત્ર કારણ જોનારા, ખાવાથી લાભ