પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાપને પુણ્ય ગણાવનાર, મલિનને શુદ્ધ મનાવનારા, વિચ્છિન્નને અખંડ સ્વીકારાવનાર, અયુક્તને વૈદગ્ધ્વક્ત અંગીકાર કરાવનાર તેનો મહિમા અધરોત્તર છે."

આ જાળ પાથરી તેમાં સંખ્યાબંધ પક્ષીઓને આવી પડતાં વાર લાગે તેમ હતું. કેટલાંક તો પકડયા વિના ઊંચેથી આવી જાળ પાથરનારને માથે ચાંચ મારી જશે એવી ભીતિ હતી. તેથી ધૈર્ય ધરી અને સાવધાન થઈ વાટ જોવાની જરૂર હતી. એ યુક્તિથી વિધિ પૂરો થાય તે દરમિયાન ભદ્રંભદ્રે રૂઢિ માટે શાસ્ત્રનાં પ્રમાણ એકઠાં કરવા માંડ્યા. ઘણાંખરાં પ્રમાણમાં રૂઢિને પુષ્ટિ આપવા સારુ ફેરફાર કરવાના હતા અને કેટલાક તો નવાં જોડી કહાડવાનાં હતાં. ભદ્રંભદ્રે વ્યાકરણના વાદ વિશે ઘણે ઠેકાણે ઘોષ કર્યા હતા, પણ તેમનો એ વિષયમાં ઝાઝો પ્રવેશ ન હતો. કોઈ સામો વ્યાકરણના વાદમાં ઊતરવા આવશે તો મ્લેચ્છ, યવન, શૂદ્ર, ચાંડાલાદિના સાંનિધ્યમાં મુહૂર્ત વિના કે મિષ્ટાન્નની આશા વિના ભૂખ્યે પેટે શાસ્ત્રનું વચન ન બોલાય એવું બહારનું કહાડી જોઈ લેવાશે એમ તે હિંમત રાખતા હતા. અને હજી લગી જટાધારી શંકરે એમની લાજ રાખી હતી. પણ પ્રમાણોની હાથચાલાકીમાં તો વ્યાકરણનું જ્ઞાન જોઈએ. કુશલવપુશંકર આ સહાયતા આપવાને રાજી હતા તેથી ભદ્રંભદ્ર અડધો પગાર પહેલેથી મળે તેનું વ્યાજ તેમને આપવાનો ઠરાવ કરી, એમ સહાય થવાથી પ્રસન્નમનશંકરે રજા આપી. પ્રમાણના ફેરફારમાં બહુ અગત્યના વિષયો આવ્યા. ભદ્રંભદ્રને હંમેશ એક વાદનો વિષય એ હતો કે કેટલાક આર્યપક્ષવાદીઓ પણ સુધારાવાળાથી અંજાઈ જઈ બાળલગ્નની વિરુદ્ધનાં પ્રમાણ કબૂલ કરે છે. અને તેથી કરીને આર્યદેશની હાલની વ્યવસ્થાની સંપૂર્ણતામાંથી ઓછું કરે છે, તે સારું એમ ઠરાવ્યું કે પ્રમાણગ્રંથોમાં લગની વયમાં જ્યાં "ષોડશ" હોય ત્યાં સર્વ ઠેકાણે "દ્વાદશ" કરવું; અને "વર્ષ"ને ઠેકાણે સર્વ સ્થાને "માસ" કરવું; અને એ રીતે "અષ્ટમાસા ભવેદ્ગૌરી" ઈત્યાદિરૂપે એ પ્રસિદ્ધ શ્લોક ટાંકી કન્યાનું લગ્ન અવશ્ય દસ માસની ઉંમર પહેલાં કરી નાખવું જોઈએ એમ પ્રમાણથી સિદ્ધ કરવું. કુશલવપુશંકરની સલાહથી એટલું ઉમેરવું ઠર્યું કે 'માસ' ને સ્થાને 'વર્ષ' એ પાઠાંતરનો આગ્રહ કરવામાં આવે તો પણ 'વર્ષ' તે 'વર્ષાંગ'. અર્થાત્ માસના અર્થમાં લેવાનું છે અથવા વર્ષ એટલે જલનું પ્રોક્ષણ અથવા સેચન લેવું અને તે સેચન નવા જન્મેલા બાળક પર પ્રતિમાસે કરવાનું વિહિત હોવાથી 'અષ્ટવર્ષા' એટલે આઠ સેચનવાળી અર્થાત્ આઠ માસની કન્યા એમ સમજવું. આ પ્રમાણે ઘણાં પ્રમાણોના પાઠ પર ક્રિયા થઈ. બ્રાહ્મણોની જ્ઞાતિઓમાં પરસ્પર ભોજનવ્યવહારના નિષેધ માટે પ્રમાણ નથી તેથી આર્યપક્ષને ઘણું વૈષમ્ય નડે છે અને સુધારાવાળા બહિષ્કારથી પીડાતા છતાં શાસ્ત્રાર્થમાં જીતે છે, માટે ઠર્યું કે એમ પ્રસિદ્ધ કરવું કે નરનારાયણ સ્મૃતિમાં આવો શ્લોક આપ્યો છે:-

ब्राह्मणो ब्राह्मण द्रष्टवा श्वानवत् धुर्घुरायते।
न कर्षति मुखात् स्वाद्यं तस्माच्छुनो द्विजो वरः॥

"બ્રાહ્મણ બ્રાહ્મણને જોઈ કૂતરાની પેઠે ઘૂરકે છે (ભોજન દક્ષિણાદિની સ્પર્ધાથી): (પણ કૂતરા પેઠે સામાના) મુખમાંથી ખાવાનું ખેંચી લેતો નથી, તેથી કૂતરાથી