પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી ચમક્યા, પછી ગાલે શેરડા પડ્યા, મ્હોં લેવાઇ ગયું, આંખમાં ઝળઝળિયાં આવ્યાં. પત્ર નાખી દીધો. ફરી લીધો. ફરી નાખી દીધો. બીજો પત્ર વાંચવા માંડ્યો. તેની પણ એ જ અસર, ત્રીજો લઇ દીર્ઘ નિ:શ્વાસ મૂક્યો. અમે સર્વ ગભરાયા. મિષ્ટાન્ન બગડવાની ચિંતા કરવા લાગ્યા. કંઇ નહાવાનું હશે તો ફરી નહાવાનું પાણી ઊનું કરાવતાં કેટલી વાર લાગશે તેનો વિચાર થવા માંડ્યો. એવામાં ભદ્રંભદ્રે ઊભા થઇ , પગ ઠોકી, દાંત પીસી ઉદ્ગાર કર્યો; 'એનો ઉપાય હું કરીશ. પક્ષપાતી નહિં થાઉં. મારો સગો બાપ કેમ ન હોય. મેં કંઇ આર્યપક્ષ નકામો લીધો નથી. હું અત્યંત ક્રોધાવિષ્ટ છું. મારાથી વધારે નહિ બોલાય. અંબારામ, લે આ વાંચીને બધાને ખબર કર.'

પ્રસન્નમનશંકરની ગંભીરતા પણ દૃષ્ટિને લઇ મોદક પરથી મારા તરફ વળી. દૂધપાકમાં કોયલા પ્રમાણે વિસ્મયમાં જિજ્ઞાસા તરતી જણાવા લાગી. કાગળો વાંચી રહી મેં સર્વને ખબર કરી કે, "ભદ્રંભદ્રનો ભાણેજ મગન અગિયારસને દિવસે રાત્રે દીવો લઇ પાઠ કરવા બેઠો હતો. કંઇક ભેજથી આકર્ષાયેલો એક વંદો (ઝલ) ઓરડામાં આવી દીવાની અને મગનની આસપાસ ફૂદડી ફરવા લાગ્યો. મગનની ચોપડી પર, માથા પર, નાક પર, અનેક સ્થળે તે સ્પર્શ કરવા લાગ્યો. તેની પાંખોનો ફ્ડફડાટ ઠેરઠેર થવા લાગ્યો. તેની લાંબી મૂછોના ઓળાની ભીંત પર લીટીઓ પડવા લાગી. મગન એકલો હતો. જગતમાં સર્વ કોઇ એકલું જ છે તે ભૂલી ગયો. બીવા લાગ્યો. 'શિવોઙહં' એ જ્ઞાનનો આનંદ જાણનાર કદી બીતો નથી. એ તેના ધ્યાનમાં જ ન આવ્યું. ગભરાયો ને અકળાયો. તત્વજ્ઞાનની ઇચ્છા રાખનારે સર્વત્ર સમચિત થવું જોઇએ એ ઉપદેશની ખોટ તેને નડી. અમંગળ ઘડીએ, દુર્ભાગ્ય રાત્રે, નાશકર સંયોગે, નહિ રૂઢિ-આજ્ઞા વિચારી, નહિ જ્ઞાતિકોપ ગણ્યો, નહિ વેદવાક્ય સ્મર્યા. કુલનો નાશ કરવા તે દુર્બુદ્ધિએ લૂગડામાં વંદાને પોલે હાથે પકડી બારીએથી નીચે નાખી દીધો. નીચે એક બિલાડી ભૂખી ડાંસ જેવી ઊભી હતી. વંદો પડ્યો સાંભળી તે ઊઠી અને તેને પકડી ઝપાટામાં ખાઇ ગઇ. અબ્રહ્મણ્યમ્ ! અબ્રહ્મણ્યમ્ ! કમનસીબ મગન તો કંઇ જાણ્યા વિના પાછો પાઠ કરવા બેઠો. પણ સોમેશ્વર પંડ્યા પોતાના પાડોશીને ઓટલે છાનામાના સાપ નાખી જવા આવ્યા હતા, તેમના જોવામાં સરકારી ફાનસને યોગે આ અનર્થ આવ્યો. તે મગનના ઘરમાં ધસી આવ્યા. મગનની ડોસીને બૂમ પાડી. મગનને નીચે ઉતાર્યો.બન્નેને ધધડાવ્યાં, ધમકાવ્યાં. ડોસી માગતા રૂપિયાની ઉઘરાણી કરતી હતી. તે વાત સંભારી, મગનના મહોટા ભાઇએ ગંદકીની વાત કોઠાના ઇન્સ્પેકટરને કરી હતી, તે બોલી ગયા. મહોલ્લો ભરાઇ ગયો. મગનને સાત વાર નહવડાવ્યો. જનોઇ બદલાવવા ગોર આવ્યો પણ મગનનો ભાઇ અંગ્રેજી ભણેલો હતો તે સામો થયો. સોમેશ્વર પંડ્યા પર ગૃહપ્રવેશની ને નાલેશીની ફરિયાદ કરવાની તે બીક બતાવવા લાગ્યો. તેણે સિપાઇને બોલાવી સોમેશ્વર પંડ્યાને બહાર કહડાવ્યા. મગનને જનોઇ નહિ બદલવાની આજ્ઞા કરી. સવારે આખી ન્યાતમાં વાત ફેલાઇ ગઇ. બજારમાં એ જ ચર્ચા થવા લાગી. કોઇ વર્તમાનપત્રમાં આવ્યું કે મગને ઉંદર બાફીને ખાધો. કોઇ માં છપાયું કે મગને બિલાડી દોડાવી ભોંયરામાંના નાગનું ખૂન કરાવ્યું. કોઇમાં પ્રસિધ્ધ થયું કે મગને બંદૂકની