પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બળદને ઊભા રાખવાનું વધારે મુશ્કેલ કર્યું. મેં સામાન સાથે દોડવાની મુશ્કેલી બતાવી, ભદ્રંભદ્રને નીચે ઉતરી પડવાની વિનંતી કરી. ભદ્રંભદ્ર લાંબા હાથ કરી ભાષણ કર્યે જતા હતા, પણ વંદાના, બળદના કે પોતાના, એમાંથી કોના રક્ષણ વિશે ઉપદેશ કરતા હતા તે ઘોંઘાટમાં સંભાળાતું નહોતું. ગાડા પછાડી રસ્તે જનારા લોકોના તર્ક પણ દોડવા લાગ્યા. કોઈ કહે કે દાણ ચૂકવીને નાઠો છે, કોઇ કહે કે વેઠે પકડેલો નાઠો છે. કોઇ કહે કે કોઇને વગાડી ને નાઠો છે. કોઇ કહે કે નાટકવાળો છે. આમ સર્વના તર્ક, શંકા, રમૂજ, આશ્ચર્યને પાત્ર થતી ભદ્રંભદ્રની ગતિ ક્યારે અટકશે, એ સૂર્યચંદ્રની ગતિની ગણતરી કરનારથી પણ કહેવાય તેમ નહોતું, પણ ગાડું એક પથરા પર ચઢી ગયું અને ભદ્રંભદ્ર ઊતરવાનો શ્રમ લીધા વગર ઝપાટામાં નીચે આવ્યા. ધરતીના કાનમાં કંઇક વાત કહી તે ઊભા થયા. દરદ થયા છતાં બિલકુલ વાગ્યું નથી એમ કહી પૂછનારની જિજ્ઞાસા ભંગ કરી. અનેક વિશેષણો ઉચ્ચારતા ગાડાવાળાને મેં આવીને સંતોષ્યો. સમાધાન કરીને અમે ઘેર ગયા.

૧૧ : નાત મળી અહિંસા - શાસ્ત્રાર્થ

રાત્રે મગનના સંબંધમાં પાકો અને છેવટનો વિચાર કરવાને નાત મળવાની છે, એ ખબર સાંભળી ભદ્રંભદ્રે ઉપલા બનાવના ખેદની વિસ્મૃતિ કરી. તેમનો ઉત્સાહ પાછો જાગ્રત થયો. શાહુડી સિસોળિયાં ફુલાવી નીકળે તેમ તે શાસ્ત્રવચનોથી સંનદ્ધ થઈ નીકળ્યા. મગનને આખરે પ્રાયશ્ચિત્ત કરાવી શુદ્ધ કરવો એવો તેમનો વિચાર હતો, પણ નાતવાળા વિરોધીઓને ભારે દંડ લેવામાં ફાવવા ન દેવા એવો તેમનો નિશ્ચય હતો. નાતની દેવીના મંદિરમાં નવ વાગતે નાત મળવાનો ઠરાવ હતો. દશ વાગતાં સુધી કોઈ આવ્યું નહિ. તે પછી અગિયાર સુધી છૂટક છૂટક આવી લોકો કોઈ નથી આવ્યું એમ કહી પાછા આવ્યા. છોકરાઓ બહુ જોરથી ઘંટ વગાડતા હતા અને કોઈ કોઈ વખત ’હે’ બોલાવતા હતા, તેથી જ આજની વિશેષતા માલમ પડતી હતી. આખરે જમાવ થવા લાગ્યો. લોકો આવી ઓટલા પર ખૂણામાં જોડા ગોઠવવા લાગ્યા, કોઈક અંદર બેસીને પ્રસ્તુત વિષય સિવાય બીજી અનેક બાબતોની વાતો કરવા લાગ્યા. કોઈ બહાર ઊભા રહીને ભદ્રંભદ્ર તરફ આંગળી કરી છાનામાના વાતો કરવા લાગ્યા. કોઈક મોડું થવા માટે પોતા વિના બીજા બધાનો દોષ કહાડવા લાગ્યા. કોળાના ભાવની વાત પરથી કાછીઆના, ધંધામાં કમાવાનું કે નહિ એ વાત ચાલી; તે પરથી કાછીઓ ચતુર કે કુંભાર ચતુર, તે પર વાત ચાલી, તે પરથી કોડિયામાં દાળ સારી લાગે કે વાડકામાં તે વાત ચાલી; તે પરથી ચીનાઈ માટીનાં ચલાણાં કેટલા જલદી ફૂટી જાય છે તે વાત ચાલી; તે પરથી કોઈએ પ્રશ્ન કર્યો કે ચીનાઈ માટીનાં ચલાણામાં ચાહ પીવાની શાસ્ત્રમાં આજ્ઞા છે કે નહિ. ચર્ચા વધતાં સુધારો કેટલો વધી ગયો છે અને કેટલી ભ્રષ્ટતા થઈ છે એવી કોઈએ ટીકા કરી. તે પરથી કોઈ એ કહ્યું કે નાતમાં માટી પીરસાય એટલું જ બાકી છે. કોઈ બોલ્યું કે ’હત્યા કરવાનો