પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો આરંભ થયો છે. બિલાડી ઉંદરનો શિકાર કરે તો બ્રાહ્મણ વળી બીજા કોઈનો શિકાર કરે.’ વંદાનું નામ જ બાકી હતું, ત્યાંથી બધા અટક્યા. અગાડી વિષય લંબાવવો કે નહિ તે વિચારી સર્વ એકબીજાની સામું જોવા લાગ્યા. અકસ્માત પ્રસ્તુત વાત આવી ગઈ કાંખ જાણી સર્વ ખેંચાયા. એવામાં સોમેશ્વર પંડ્યા ચકચૂર થયેલા મંડળને લઈને આવ્યા. તેમણે કેટલાકના પગ છૂંદ્યા, કેટલાકની પાઘડીઓ પાડી, કેટલાકને જગા કરવા દૂર ખેંચ્યા. હોહા થઈ, બોલાચાલી થઈ, સહેજ ટપાટપી થઈ.

આ સર્વ બનાવ ભદ્રંભદ્ર ક્યારના શાંતપણે જોઈ રહ્યા હતા તે હવે ઊકળી ઊઠ્યા. ઊભા થઈ સિંહવત્‌ ગર્જના કરી તેમણે કહ્યું કે ’અરે દુરાચારી દુષ્ટ, પતિત જનો ! તમે આ દેવીનું અપમાન કરો છો તેની તો ચિંતા નહિ પણ બ્રાહ્મણના નામને કલંકિત કરો છો ? કોણે તમને બ્રાહ્મણ કહ્યા ? કોણે તમને બીજાના બ્રાહ્મણત્વની પરીક્ષા કરવાને યોગ્ય કહ્યા ? પોતાની પરીક્ષા તો કરો.’

આ વચન કોઈ અમુક વ્યક્તિનું નામ દઈને કહ્યું નહોતું પણ તે બોલનાર તરફ સર્વનું ધ્યાન ખેંચાયું જોઈ સોમેશ્વરે જવાબ દીધો કે, ’બ્રાહ્મણ તો આજના નહિ પણ તારો બાપ ઢેઢવાડામાં ઠેસ ખાઈને મૂઓ ને તેના તેરમાની નાત ધૂળ થઈ તે પહેલાંના છીએ. પરીક્ષા કરવી છે તો શું કામ નાતની ખુશામત કરવા આજ આવ્યો છે ?’

ભદ્રંભદ્ર તરફના એક આદમીએ ઊઠી કહ્યું, ’અમે ખુશામત કરવા નથી આવ્યા પણ શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ. એક આદમી તે કાંઈ નાત નથી કે તેનો કોઈ પર પાડ થવાનો હોય. ને કોઈનું મોત અકસ્માત ક્યાં થયું, ને નાતમાં કોઈ અદેખાને શું ટંટો કર્યો તે મહોટી વાત નથી. એમ તો કોઈનો કાકો છાકટો થઈને ગટરમાં પડીને મરી ગયો હોય તેનું કેમ ? દેવીને નામે દારૂ પીધો માટે શુદ્ધ થયો ?’

સોમેશ્વરના એક ભાઈબંધે કચ્છો મારી ખંભા ઠોકી ઉત્તર દીધો, ’કુસ્તી કરવી હોય તો આવી જા.’

એક વૃદ્ધ પુરુષે કહ્યું, ’કોઈને કંઈ છિદ્ર હશે ને કોઈને કંઈ હશે તે બધા માટે તકરાર કરશો તો પછી તો કોઈનો નાતમાં રહેવા વારો નહિ આવે, માટે મારામારીની વાત જવા દો. આ નાત શા માટે મળી છે તે કાંઈ છાનું નથી. તુળશીરામના દીકરા મગને હત્યા કરાવી માટે તેને નાતમહાર મૂકવાનો છે. એમાં વળી શાસ્ત્રાર્થ શાનો ? એમ કોઈ કહે છે કે હત્યા નથી થઈ ?’

એક બીજા બ્રાહ્મણે બેઠાં બેઠાં જ કહ્યું, ’શાસ્ત્ર હોય તો પછી નાતને શું પૂછવાનું હતું ? અમને બ્રાહ્મણીઆ વાંચતાં નથી આવડતું માટે શું નાતમાં અમારો એકડો નહિ ને શાસ્ત્ર જાણે તે જ નાતના મહોટા ? મગનને તો બહાર મૂકેલો જ છે. હું જોઉં છું એ કોને ત્યાં નાતમાં જમવા આવે છે.’

ભદ્રંભદ્રે ક્રોધાવિષ્ટ થઈ કહ્યું, ’આ તે કલિયુગ છે કે કલિયુગનો બાપ છે ? બ્રાહ્મણને મુખે શાસ્ત્રનો અનાદર થાય ત્યારે જનોઈ પહેર્યામાંયે શું સાર્થક્ય છે અને મોદક ખાવામાંયે શી તૃપ્તિ છે ? એમ ન સમજશો કે વેદધર્મ બધો નષ્ટ થઈ ગયો છે કે શાસ્ત્રને સ્થાને તર્કનું બળ ફાવશે. શાસ્ત્રાર્થનું કામ ન હોત તો વેદ ઇંગ્રેજીમાં કે ઉર્દૂમાં જ ન લખાત ? શાસ્ત્રાર્થનું કામ ન હોત તો મનુ, વ્યાસ આદિ ઋષિઓ