પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્મૃતિઓને બદલે આંકની ચોપડીઓ ન લખત ? શાસ્ત્રાર્થનું કામ ન હોત તો સ્વર્ગમાં વૈતરણીમાં ગાયને પૂંછડે તરવાને બદલે પુલ ઉપર થઈ આગગાડીમાં બેસી જવાનું ન હોત કે બધા સડસડાટ ચાલ્યા જાત ! હું તો કહું છું કે શાસ્ત્ર જોવાની ના કહેનારને પહેલું પ્રાયશ્ચિત્ત આપો. શાસ્ત્રાર્થ કરવો સહેલો નથી તેનાં આ બધાં ફાંફાં છે. શાસ્ત્રમાં હું બાવળના વૃક્ષ જેવો છું. પાસે આવો કે કાંટા વાગે ને દૂર નાસો; સળગાવો તો એવો તાપ કોઈનો નહિ અને બારે માસ ઘરમાં ભરી મૂકો. આવો, કોઈ ઉત્તર દો કે મગને શું પાતક કર્યું ? હિંસા કરી, તો શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે આત્મા કોઈને મારતો નથી, ને કોઈથી મરાતો પણ નથી. તે તો અલિપ્ત છે અને અવધ્ય છે. તો પછી કોણે કોની હિંસા કરી ? આ પ્રમાણથી જ્ઞાની તો કદી ખૂનમાં પાપ ગણતા જ નથી. મનુસ્મૃતિમાં કહ્યું છે કે યજ્ઞ માટે સ્વયંભૂએ પોતે પશુઓ સર્જયા છે અને તેમાં યજમાન પશુ ન મારે તો પાપ છે. કયાં કયાં પ્રાણી ખાવાં અને કયાં કયાં ન ખાવાં તે નવમા અધ્યાયમાં ગણાવ્યાં છે, તો હિંસા તેથી સિદ્ધ છે. વેદમાં પશુઓની હિંસા લખી છે, તેમના શરીરના ભાગ કાપતાં નીકળે તે ગણાવ્યા છે, તેમના ઉપયોગનો વિધિ વર્ણવ્યો છે. તો શું તમે વેદને નહિ માનો ? બુદ્ધે અહિંસાનો બોધ કર્યો તે હિંસા થતી હશે તે વિના અમસ્થો જ ઘોંઘાટ કર્યો હશે ? રૂઢિ તેથી વિરુદ્ધ છે અને તે મારે માન્ય છે અને સુધારાવાળા કે પાશ્ચાત્ય લોકો સાથે વાદવિવાદ કરવો હોય તો ગમે તેમ સિદ્ધ કરી આપું કે વેદ અને શાસ્ત્રમાં હિંસાનું નામ નથી. પણ ખરી વાત પર આવે ત્યારે કહેવું પડે. બ્રાહ્મણ બ્રાહ્મણનું માથું વાઢે એમ તે હોય ? બાળક છે, સહેજસાજ દોષ થયો હોય તો જનોઈ બદલે, પણ આ ધાંધલ શું ?’

સોમેશ્વર પંડ્યા બોલી ઊઠ્યા, ’એમ જનોઈ બદલેથી પતી જાય એવું સહેલું કામ નથી. જનોઈ બદલે ને ગોર દક્ષણા લઈ જાય એમાં નાતનો શો ફાયદો ? વરસમાં બે વાર આખી નાતનું ભોજન થાય અને સહુ ભૂદેવોને સારી દક્ષણા મળે એટલી ગોઠવણ ન થાય તો પછી આ બધી મહેનતનું ફળ શું ? હોણ લગનગાળો મંદ હતો તેની ખોટ કંઈક પૂરી પાડવાનો લાગ આવ્યો છે. એવી આશા ન હોત તો વગર લેવાદેવાના ઉજાગરા કરત ? અમારે શી ગરજ પડી છે તે મગનને નાતમાં લઈએ ? નાતવાળાને ઘેર ફેરા ખાઈ ખાઈને જોડા ફાટે ત્યારે નાત તોડ કહાડવા મળે. તેને બદલે આમ સહેજ મળી મોચીનો ખરચ બચાવ્યો છે; તો શું તેના બદલામાં અમારા પેટરૂપી મોચીને મોદકરૂપી જોડા દાંતરૂપી ટાંકણા વડે સીવવા જેટલો રોજગાર પણ નહિ મળે ? કહે છે કે મગને પાપ કર્યું નથી. પણ કોઈએ પાપ કર્યું છે કે નહિ તેની અમારે પંચાત જ નથી. લોકોને પાપ કરતાં અટકાવવાં એ કોઈ નાતને કામ નથી. ચોરી કરી કેદમાં ગયેલા બ્રાહ્મણને નાતબહાર મૂક્યો એવું કદી સાંભળ્યું છે ? પણ બ્રાહ્મણ થઈ વાણિયાનું પાણી પીએ તો તરત નાતબહાર મૂકીએ. ધર્મ તો એમાં છે અને ધર્મ પળાવવો એ નાતનું કામ છે. એટલે એમાં શાસ્ત્ર જોવાનું કંઈ છે જ નહિ. શાસ્ત્ર કહે છે, તે એનો બાપ ભરૂચથી ઘોઘે નાવમાં બેસીને ગયો ત્યારે શાસ્ત્ર ક્યાં ઊંઘી ગયું હતું ? મહોટા શાસ્ત્રી કહેવાતા હતા પણ દક્ષણા જતી ન રહે માટે સમુદ્રગમન કર્યું. કેમ કોઈ