પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બોલ્યું નહિ ? તે વખત એના કાકાનો જથ્થો હતો. જે તરફ જથ્થો તે તરફ શાસ્ત્ર તે રૂઢિ, તેથી મગનને પ્રાયશ્ચિત્ત અપાવી નાતમાં લઈએ તો વળી પા‘ડ સત્તર વખત. પૈસા આપતો હોય તો એ નાતમાં લેવો એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ?’

મગનનો ભાઈ આ બે પક્ષમાંથી એકે તરફ ન હતો. ભદ્રંભદ્રની સમાધાનની યુક્તિ પણ તેને પસંદ નહોતી. તે ઊઠીને બોલ્યો, 'મડદું ફોલી ખાવાને શિયાળવાં ભેગાં થયાં છે. પણ એમ તો કોઈ જુઓ કે મડદું છે કે કોઈ જીવતું છે ? આંખ ઉઘાડીએ તો વખતે મન પાછું હઠે માટે આંધળા થઈને જ ભક્ષ કરી જશો ? એક કહે છે કે નાતબહાર મૂકો, એક કહે છે કે પ્રાયશ્ચિત્ત કરાવો, એક કહે છે કે જનોઈ બદલાવો, પણ કોઈ એ તો કહે કે શું વિશેષ થયું છે ? મગને જાતે તો જીવડું માર્યું નથી અને માર્યું હોય તોયે પૂછું છું કે, આ બધા બેઠા છે તેમના જન્મારામાં કદી હત્યા કરનાર માટે નાત મળી સાંભરે છે ? બકરા અને પાડા મારનારા દેવીના ભગતો શુદ્ધ થઈ બેઠા છે એમને જ પૂછો ને કેમ તમે શા ધર્માચરણથી નાતમાં રહ્યા છો ? અરે ! જાનવરની હત્યા તો શું પણ બાળહત્યા અને ભ્રૂણહત્યા કરાવનારાનાં નામ કોઈથી છાનાં નથી. એમને કોઈ પૂછતું નથી અને મગનને કેમ પૂછવા આવ્યા છો ? મગને શો અપરાધ કર્યો તે તો કહો. એ શાસ્ત્રથી અપરાધ છે કે રૂઢિથી અપરાધ છે ? નથી કોઈ શાસ્ત્ર જાણનારા ને નથી કોઈ રૂઢિ પાળનારા. ભટ્ટાઓને મિષ્ટાન્નની લાલચ લાગી છે. મફતનું ખાવાનું મન થયું છે, તો હું પણ ખરો કે ખરેખરા મફતના રોટલા ખવડાવું. જાઓ મગન પ્રાયશ્ચિત્ત નહિ કરે, એ કંઈ નાતબહાર નથી.'

થોડું ભણી થોડો વેપાર કરી, થોડી ખુશામત કરી અને ઘણા નાતવરા ખાઈ પેટ ભરનાર એક સામા પક્ષનો બ્રાહ્મણ તરત ઉત્તર દેવા ઊઠ્યો. તેણે કહ્યું, 'નાતબહાર છે કે નહિ તે વખત આવે માલમ પડશે. નાતે તો નાતબહાર મૂક્યો છે. પશુહત્યા અને બાળહત્યા કરનારા કોઈ જાણવામાં નથી. એવાં કોઈ હોત તો તેને નાતબહાર મૂક્યા જ હોત. એવાં કૃત્યો માટે કોઈને નાતબહાર નથી મૂક્યા તેથી સિદ્ધ થાય છે કે એવું કરનારા કોઈ છે જ નહિ. હિંસા શાસ્ત્રમાં લખી છે. એમ કહેનારા તો વટલેલા છે. હિંસા જેવું દુષ્ટ કામ વેદમાં લખ્યું હોય તો પછી વેદ ઈશ્વરપ્રણીત શાના ? અને તે ઈશ્વરપ્રણીત નથી એમ કંઈ તે માટે કહેવાય ? આ દેશનો બધો ધર્મ ઊંધો વળાય ? સનાતન ધર્મનું રક્ષણ તો કોરે રહી જાય અને ઊલટી લોકની અપ્રીતિ થાય. એવી સત્યશોધક બુદ્ધિ તો સુધારાવાળાને ઇષ્ટ હજો. માટે આપણે તો સારું એ કે હિંસા વેદમાં લખી જ નથી. લખી છે એમ બતાવે તેને કહેવું કે વેદમાં હિંસા છે એમ કહે તે વેદ સમજે જ નહિ. એમ તો વળી સુધારાવાળા કહે છે કે વેદમાં ઘીનાં ટાંકાં કરવાનું નથી લખ્યું માટે શું ટાંકાં ન કરવા ? વેદમાં ઈશ્વરપ્રણીત નથી. જે ટાંકાની ના કહે તે વેદ સમજતા નથી એમ કહેવું. વેદાદિ શાસ્ત્ર તો કામદુઘા ગાય છે. જે જોઈએ તે મળે એમ છે, તો પછી ઘીના ટાંકાં ન મળે ? શું બ્રાહ્મણની કોઈને દયા જ નહિ હોય ? જુઓ, બ્રાહ્મણ પણ દયા ખાતર જ વેદમાં લખ્યું છે કે વિલાયતી સાંચાકામમાં ચરબી વાપરવી પડે તો તે વખત