પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુસલમાન, પારસી અને અંગ્રેજ રાખે છે, માટે પારકા દેશનો ચાલ ગણી છોડી દેવો પડ્યો, પણ લાંબા વાળ રાખવામાં એ ઋષિઓની રીતે છોડી દેવી અને પારકા દેશના ભ્રષ્ટ રિવાજ દાખલ કરવા ? આપણામાં ઘણા ઘાંયજાના ગોર છે તો ઘાંયજાને જ દબાવો ને કે જે બ્રાહ્મણની ચોતલી કાતરે તેને ત્યાં ગોર નહિ આવે.’

ભદ્રંભદ્ર લાગ જોઈ બોલી ઊઠ્યા, 'શું તે માટે અમારી જન્મારાની વૃત્તિ જવા દઈએ અને દક્ષિણા છોડી દઈએ ? ખરો ઉપાય તો એ છે કે શિખા ન હોય તેને નાતમાં જમવા ન આવવા દેવા. આ બધા બાબરી રાખનાર છોકરાને નાતમાં જમવા આવવા દો ને મગનને અટકાવો એ કેમ, શાસ્ત્ર કે રૂઢિ પ્રમાણે છે તે આવો કોઈ બતાવો. પશુવધ કરતાં શિખાકર્તનમાં વધારે પાપ છે કેમ કે શિખામાં બ્રહ્મતેજ રહે છે અને શિખા કપાવે તો બ્રહ્મહત્યા થાય છે. શાસ્ત્ર કોરે રાખશો તોયે આમાં રૂઢિ પણ છે. પહેલી શિખાબંધન ન કરનારને કરવાની શિક્ષા નક્કી કરો. તે શિક્ષા મગનને કરજો, અમારે કબૂલ છે, પણ પહેલું એ કર્યા વિના મગનનું નહિ થાય.'

બધાના મનમાં આથી ગૂંચવણ થઈ. ઘણાનાં સગાંમાં બાબરીની સજામાં આવી જાય એવા છોકરા હતા. મગનને હેરાન કરવાની સર્વ કોઈને ઇચ્છા હતી, પણ પોતાનું સાચવીને શી રીતે બીજાને સતાવવો એ મુશ્કેલી થઈ પડી. કોઈ કહે કે 'નાત જે માટે મળી હોય તે વાતનો જ વિચાર થઈ શકે, બીજો પ્રશ્ન હોય તો ફરી નાત મેળવે,' કોઈ કહે કે 'મગન દંડ આપે તે રકમમાંથી બાબરાં રાખનાર પ્રાયશ્ચિત્ત કરે.' કોઈ કહે કે 'નાતમાંથી મગન પ્રાયશ્ચિત્ત કરશે એટલે આખી નાત પાવન થશે ને બીજાને પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર નહિ પડે.'

ભદ્રંભદ્રે આ સર્વ સામે વાંધો લીધો કે 'મગન એકલો પ્રાયશ્ચિત્ત કરી શકે નહિ. એણે વંદાનો વધ કર્યો તેથી આખી નાત પતિત થઈ છે માટે આખી નાતે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. મગન શુદ્ધ થયા પછી બીજા લોકો મગનની સાથે પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થયેલા ન હોય તો મગન પાછો તેમના સંસર્ગથી ભ્રષ્ટ થાય, તે પછી બીજા પ્રાયશ્ચિત્ત કરે તેઓ ભ્રષ્ટ થયેલા મગન સાથે સંસર્ગ કર્યાથી પાછા ભ્રષ્ટ થાય, પછી પાછા મગનને પ્રાયશ્ચિત્ત કરવું પડે. પછી એ લોક કરે, એમ અનંતકાળ સુધી ચાલ્યું જાય; ચોર્યાસી લક્ષ ભવ વહી જાય પણ પ્રાયશ્ચિત્તનો પાર ન આવે, માટે બધાએ સાથે જ કરી નાખવું એ વધારે સારું છે. વળી શિખાકર્તનમાં મોટું પાપ છે અને વંદાવધ પાપ છે. તેમાંથી નાના પાપનું પ્રાયશ્ચિત્ત પહેલું કરાવી નાનામોટાની પદવીનો વ્યક્તિક્રમ કરાવીએ તો સુધારાવાળામાં અને આપણામાં ફેર શો ? પાપમાંયે નાનામોટાનું માન સાચવવું જોઈએ. વળી પ્રાયશ્ચિત્ત કેવી જાતનું કરવાનું તે હજી નક્કી થયું નથી; એ માટે શાસ્ત્ર જોવું જ પડશે. નાતમાં મારા સમાન કોઈ શાસ્ત્રી નથી તેથી મને પૂછવું પડશે ને મગનને જેટલો દંડ થશે એથીયે મારી દક્ષણા વધારે થશે. એટલે મગનના દંડમાંથી બીજાના પ્રાયશ્ચિત્તનો ખરચ નીકળે એ આશા ખોટી છે.’

નાતમાં પોતાને સહુથી વિદ્વાન શાસ્ત્રી માનનાર એક ભૂદેવને આ છેલ્લા વાક્યથી ખોટું લાગ્યું. તે બોલી ઊઠ્યા, 'કોના સમાન કોણ છે અને કોણ નથી એ કંઈ