પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અભિમાન કર્યાથી સિદ્ધ થતું નથી. નાત તરફથી શાસ્ત્રાર્થ અમને જ પુછાશે. અમારી પરીક્ષા કરવાનો કોઈને અધિકાર નથી ને વિદ્વાન કહેવડાવવાનો બીજા કોઈને હક નથી. ઘાંયજાના ગોરને શાસ્ત્રીની દક્ષણા મળશે ત્યારે તો ગરોડા પણ બ્રાહ્મણ ભેગા જમી જશે.' એ જ પક્ષના એક બીજા બ્રાહ્મણે કહ્યું : 'એ યે ગરોડા જેવો જ છે તો. ઠેર ઠેર લાંબી જીભ કરીને ભાષણો કર્યા માટે કંઈ જાત બદલાઈ ? એનો બાપ કોઈ આઘેના ગામડામાંથી બાયડી પરણી લાવ્યો હતો અને કહેતો હતો કે આપણી નાતની છે. કોણ જોવા ગયું હતું કે બ્રાહ્મણ છે કે ઢેડ છે !’

ભદ્રંભદ્રનો પિત્તો ઊછળ્યો, મિજાજ હાથમાં ન રહ્યો. દક્ષના યજ્ઞમાં જાણે શિવ કૂદતા હોય તેમ આ નિંદાવાક્ય બોલનાર તરફ તેઓ વેગથી ધસ્યા, તેને જોરથી તમાચો માર્યો. તેણે ભદ્રંભદ્રને પેટ પર મુક્કી લગાવી. ભદ્રંભદ્ર કળ ખાઈ બેસી ગયા. એટલે સામાવાળાએ માથા પર લાત મારી. બંને પક્ષના માણસો ધસી આવ્યા, બાઝાબાઝી ને મારામારી થઈ; શોરબકોર થઈ રહ્યો; સોમેશ્વર પંડ્યાના મંડળને જોઈતો હતો તેવો લાગ મળ્યો. કયા પક્ષનો માણસ છે તે જોયા વિના તેમણે યથેચ્છ પ્રહાર ચલાવવા માંડ્યો, હાથ લાગ્યાં તેટલાં ખાસડાં ફેંક્યાં, લાકડીઓ અને દંડા ચલાવ્યા, મંદિરોમાંનો સામાન અફાળ્યો, કોઈનાં માથાં ફૂટ્યાં કે કોઈના પગ ભાંગ્યા, કોઈની કમ્મર તૂટી, કોઈ બેશુદ્ધ થઈને પડ્યા. રસ્તે જનારા પણ તાળીઓ પાડતા હતા અને પથરા ફેંકી રમૂજ મેળવતા હતા. મારામારીનો અંત આવતાં જરા વાર લાગત પણ પોલીસનો સિપાઈ આવે છે એમ સાંભળ્યું એટલે નાસાનાસી શરૂ થઈ. સોમેશ્વર પંડ્યા પહેલા નાઠા. જેમનાથી દોડાયું તે દોડી ગયા, ન દોડાયું તે સંતાયા, ન સંતાઈ શક્યા તે માર વાગ્યાની બૂમો પાડવા લાગ્યા.

ભદ્રંભદ્ર પીડાતા પડ્યા હતા. તેમને સિપાઈ આવ્યાની ખબરે પુનર્જન્મ રૂપ થઈ વાગેલા મારની વિસ્મૃતિ કરાવી. ઊભા થઈ પડખાની બારીએ થઈ તે નાઠા. પછાડી માણસો આવતા જોઈને દોટ મૂકી ગલીકૂંચીએ થઈ તે અદૃશ્ય થઈ ગયા. સવાર થયું પણ ઘેર આવ્યા નહિ. આખો દહાડો એમને સારુ અનેક હેતુથી શોધાશોધ થઈ પણ કાંઈ પત્તો લાગ્યો નહિ. અંધારું થયે ઘેર આવતાં એમને પોલીસે પકડ્યા.

૧૨ : પોલીસચોકીમાં

મારામારીમાં કેટલાકને ભયંકર ઈજાઓ થઈ હતી અને ઘણાએ ભદ્રંભદ્રનું નામ બતાવ્યું હતું. પકડતી વખતે સામા થવાનો ભદ્રંભદ્રે પ્રયત્ન કર્યો. મેં આવી પહોંચી તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યો, તેથી અમને બંનેને પકડી જાપતામાં રાખી પોલીસચોકીમાં લઈ ગયા. રસ્તે ચાલતાં કંઈ સ્વસ્થતા પામ્યા પછી ભદ્રંભદ્ર બોલ્યા,

'અંબારામ, આજનો દિવસ હું સંતાઈ રહ્યો હઈશ એમ બધા ધારતા હશે. પણ, હું તો અનેક ચમત્કારોના દર્શનમાં ગુંથાઈ રહ્યો હતો; તેનું વર્ણન —'