પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે વાયુ છે તેના સેવનથી પ્રાણાયામ કરવાની શક્તિ વધે છે, તેથી જ લડાઈ વખતે સિપાઈઓ ચણા ખાય છે. પ્રાણાયામ કરવામાં આટલું મહોટું અંગબળ અજમાવાય છે કે લડાઈમાં બંને લશ્કર સામસામાં પ્રાણાયામ કરીને ઊભાં રહે છે. જેનો પ્રાણાયામ વધારે વાર ટકે તે જીત્યા કહેવાય છે. લડાઈમાં દારૂગોળા કે સંગીનથી મારામારી થાય છે એવી બધી વાતો સુધારાવાળાઓએ ચણાને બદલે સેવો ખાવા સારુ જોડી કહાડેલી છે.'

વધારે વાત ચલાવવાની મારી વૃત્તિ નહોતી. હાથના બંધનને લીધે અમને ઊંઘ આવતી નહોતી. જે બીજા બે માણસોને અમારી પહેલાંના ચોકીમાં આણી બેસાડેલા હતા તે હજી લગી કેવળ શાંત થઈ બેસી રહ્યા હતા. કેટલીક વારે બધું ચૂપ જોઈ તેમાંના એકે કહ્યું, 'રમાલ પાના, રરાક પાના રીક પાના રણાય પાના રે પાના.'

બીજાએ ઉત્તર દીધો, 'રાં પાના.'

થોડી વાર મૂંગા રહી પહેલાએ ફરી કહ્યું, 'રજવું પાના રોઉં પાના ? રંઈ પાના રશે પાના ?'

બીજાએ ઉત્તર દીધો, 'રીછે પાના.'

આ પ્રશ્ન શા હતા અને તેના ઉત્તરમાં બીજાએ શી આજ્ઞા આપી તે કશું સમજાયું નહિ. અર્થ જાણવાની જિજ્ઞાસાથી ભદ્રંભદ્ર બોલ્યા, 'સદ્ગૃહસ્થો, આપ પાના પાના કહી ખાવાનાં પાન કરતા હો તો મારે માટે પણ એક બીડી કરજો. ચણા પચવા જરા કઠણ છે અને પાન પાચક છે, શાસ્ત્રમાં હરકોઇના હાથનાં પાન ખાવાની ના નથી લખી.'

કોઈએ ઉત્તર દીધો નહિ તેથી વળી પાછું સર્વ નિ:શબ્દ થયું.

ચિત્તના ઉદ્વેગની તીવ્રતા કંઈક ઓછી કરવા અને ભદ્રંભદ્રને બોલતા બંધ કરવા મેં ભીંતને અઢેલી આંખો મીંચીને પડી રહેવાનો પ્રયત્ન કર્યો. ભદ્રંભદ્રના અનુસરણમાં કીર્તિ કરતાં અપકીર્તિ વધારે થાય છે. સુખ ઓછું છે અને પીડા ઘણી છે. આશા ઉત્પન્ન કરનાર માત્ર ભદ્રંભદ્ર છે અને નિરાશા કરનાર આખું જગત છે; એવા વિચાર મને આવવા લાગ્યા. કદાપિ કેદમાં જવાનો વખત આવશે તો કષ્ટ અને અપમાન કેમ સહન થશે એ કલ્પનાથી હું ભયભીત થવા લાગ્યો. વળી, ભદ્રંભદ્રના આર્યધર્માભિમાનનો વિચાર આવ્યો અને મારામાં એ અભિમાન ઓછું છે તેથી જ હું કેદમાં જવાને ઓછો રાજી છું એમ લાગ્યું. ભદ્રંભદ્ર માટે પૂજ્યબુદ્ધિ જાગ્રત થઈ અને મને કંઈક હિંમત આવી. ભદ્રંભદ્રની સંગતિમાં શરીરપીડા ખમવામાં પણ ઉત્સાહ કેટલો આનંદ આપે છે. માર ખાવામાં પણ તપશ્ચર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એ ભદ્રંભદ્રનું કહેવું કેટલું સત્ય છે, એ વિચાર આવ્યો. આવા વિચારક્રમમાં સ્મૃતિ ઝાંખી થતી જતી હતી અને આંખો સહેજ મળવા આવી હતી એવામાં, ભદ્રંભદ્રે બૂમ પાડી કે, 'મને કંઈ કરડ્યું' તેથી હું ચમકી સાવધ થયો. ભદ્રંભદ્રને પગને અંગૂઠે કંઈ કરડ્યું હતું પણ અંધારાને લીધે શું કરડ્યું હશે તે જણાતું નહોતું. આથી અમારો ગભરાટ વધ્યો. હું ને ભદ્રંભદ્ર સિપાઈને બોલાવવા લાગ્યા. એક સિપાઈએ આવી પ્રથમ બધાને સારી પેઠે ફટકા લગાવ્યા. 'એ