પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બમન કબસે સોને નહિ દેતા હે' એ કારણ બતાવી ભદ્રંભદ્રને બીજા કરતાં વિશેષ વાર કાષ્ઠ તથા ચર્મનો સ્પર્શ કરાવ્યો. એ પ્રમાણે અભિનંદન આપ્યા પછી સિપાઈએ ગરબડનું કારણ પૂછ્યું. કારણ જાણી દયા આણી દીવો લેવા ગયો. તે ગયો એટલે ભદ્રંભદ્ર બોલ્યા :

'દુ:ખ માટે આર્તરવ કરવો એ શું શાસ્ત્રાનુસાર નથી ? કદાપિ આ સર્પદંશ હશે અને હું વિદેહ થઈશ તો જગતનું શું થશે ? આર્યમંડળનું શું થશે ? આનો ઉપાય ત્વરાથી થવો જોઈએ.'

મેં કહ્યું, 'જિજ્ઞાસાને તાડનમાં લીન કરી અપૃચ્છાને આગળ થવા દેવી એ કેવળ મૂર્ખતા છે. દંશ કરનાર પ્રાણી ગમે તે હશે પણ તેના દોષે રક્ષકની અને સર્વની નિદ્રાનો ભંગ કરાવ્યો તો તાડન તેને એકલાને જ ઉચિત હતું.'

ભદ્રંભદ્ર બોલ્યા, 'ઉચિત અનુચિતની હમણાં વાત નથી. મારા દંશનો પ્રતિકાર કરો. હું મરી જઈશ તો ઔચિત્યનો નિર્ણય કરનાર પણ કોણ રહેવાનું છે ?'

સિપાઈએ દીવો લાવી બધે ઠેકાણે તપાસ કરી પણ કરડી જાય એવું કશું જણાયું નહિ. અંગૂઠે દાંત પડેલા હતા પણ તે બહુ તીણા નહોતા. લોહી નીકળતું નહોતું. ભદ્રંભદ્રની બૂમો છતાં તેમની મુખરેખા પરથી જણાતું હતું કે વેદના બહુ થતી નહોતી. પાણીનો પાટો બાંધવાનો આપી સિપાઈ પાછો સ્વસ્થ થવા લાગ્યો.

ભદ્રંભદ્ર કહે, 'સુધારાના પ્રબળમાં મંત્ર જાણનાર પણ ઓછા થઈ ગયા છે. સર્પ જેમ મંત્રશ્રવણથી મોહ પામે છે, તેમ તેનું વિષ પણ મનુષ્યના શરીરમાં પેઠા પછી મંત્રોચ્ચાર સુણી સ્તબ્ધ થઈ ઊભું રહે છે. મંત્ર ભણનારના હસ્તના ચલન સાથે તેમાંથી પ્રાણવાયુ ઝરતાં વિષને તે વાટવાકર્ષણથી નીચે ઉતારે છે અને દંશને સ્થાનેથી તે પાછું બહાર નીકળી જાય છે. લોહીમાં વિષ કદી ભળતું જ નથી. પણ સુધારાવાળા વહેમ કહી આ માનતા નથી અને જગતના ઉત્તમ પુરુષોનો સર્પદંશથી નાશ થવા દે છે.

જે બીજા બે માણસોને ચોકીમાં પુરેલા હતા તેમાંનો એક બોલ્યો, 'અરે ઉલ્લુ, સાપ તો કંઈ નથી પણ તારો બાપ તને કરડ્યો છું. તારાં ગજવાં તપાસ્યાં પણ પણ કંઈ જડ્યું નહિ તેથી ચીડ ચડ્યાથી તારો અંગૂઠો કરડી ખાધો. માર ખાવો હોય તો સિપાઈને કહેજે. મારા હાથ બાંધેલા છે તેથી કોઈ માનવાનું નથી.'

મેં પૂછ્યું, 'ત્યારે ગજવાં તપાસ્યાં શી રીતે ?'

તેણે કહ્યું, 'પેલી સોટી મ્હોમાં લઈને. અરે જાને, ગમે તે રીતે; એ સોટી તો ગુમ થઈ ગઈ.'

સિપાઈની ઊંઘમાં ફરીથી ખલેલ પાડવાનું અમને દુરસ્થ જણાયું નહિ, તેથી જાગતા રહી સવાર થવાની વાટ જોવા લાગ્યા. સવાર થયા પછી એક-બે પોલીસ અમલદારોએ આવી અમારી પાસેથી જવાબ લીધો અને બદલામાં ગાલિપ્રદાન આપી ચાલતા થયા.

થોડી વાર પછી અમને બેને એક મૅજિસ્ટ્રેટને મુકામે લઈ ગયા. પણ તે શિકાર