પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બિલાડબારસના દિવસે બિલાડીઓને પાવાના દૂધમાં પરીક્ષા કરવાને બહાને વિલાયતી કાચની ભૂંગળીઓ બોળી આખા ગામનું દૂધ અપવિત્ર કર્યું. તે દહાડાથી સુધારાનો ચેપ લાગ્યાથી બિલાડીઓએ પ્રાણીઓની હિંસા કરવા માંડી અને તેથી એક બિલાડીએ સુધારાની વૃત્તિથી પ્રેરાઈને વંદાનો ભક્ષ કર્યો. તે પરથી થયેલા ઝઘડા અને તેના આ પરિણામનું મૂળ કારણ આ રીતે સુધારાવાળાઓ છે એ સિદ્ધ થાય છે. પણ, એના પરિણામમાં જ્યારે મારું ક્રોધાવિષ્ટ ધર્મવીરત્વ પ્રગટિત થયેલું પૂર્ણ રીતે વિદિત થશે અને સુધારાનો નાશ થશે ત્યારે સુધારાવાળાઓ પશ્ચાતાપ કરી, સુધારાને પોતાથી છૂટો પડેલો જોઈ પોતાના જ પ્રયત્નને નિંદશે એ હું નિશ્ચયપૂર્વક કહું છું. વિધવાવિવાહનો નાશ કરવો એ મારા જેવા શાસ્ત્રજ્ઞને જરા પણ કઠણ પડવાનું નથી. સુધારાવાળા ગમે તેટલાં શાસ્ત્રનાં પ્રમાણ બતાવે, પણ જ્યાં સુધી મારા જેવા આર્ય તે સ્વીકારે નહિ ત્યાં સુધી સર્વ નિરર્થક છે, કેમકે શાસ્ત્રોમાં શબ્દ એ જ પ્રમાણ છે અને શબ્દ એ શ્રોત્રનો વિષય છે. તો જેમ ચક્ષુ બંધ કરનાર આગળ રૂપ નિરર્થક છે તેમ શ્રોત્ર બંધ કરનાર આગળ શબ્દ નિરર્થક છે અને અમે આર્યો શું એટલી સમજણ વિનાના છીએ કે, અમને અણગમતા શબ્દપ્રમાણ માટે શ્રોત્ર ઉઘાડા રાખીએ ? એ રીતે સુધારાવાળાને પ્રિય તર્કશાસ્ત્ર દ્વારા જ સિદ્ધ થાય છે કે સુધારાવાળાનાં શાસ્ત્રીય પ્રમાણ નિરર્થક છે.'

'વળી આર્યરીતિથી પરીક્ષા કરતાં પણ એ જ પરિણામ આવે છે. સુધારાવાળા કલિયુગમાં પરાશરનું પ્રમાણ ચાલે એમ બતાવે છે, પણ કલિ તે તો આર્યનો કલિ તેમ સમજવાનું છે. પાશ્ચાત્ય માયાયુક્ત સુધારાને દેખીને તો આર્યકલિ દૂર જતો રહે અને તેની જોડે તેના સમયનાં પ્રમાણ પણ જતાં રહે. વળી પારાશરસ્મૃતિનો શ્લોક બતાવવામાં આવે છે, તેનો પદવિગ્રહ તો આ પ્રમાણે છે:

नष्टे अमृते अप्रवजिते अक्लीबे च पतिते अपतौ ।
पंचसु आपत्सु नारीणां पति: अन्य अविधीयते ॥

સુધારાવાળાઓ કહે છે કે, આ શ્લોકને આધારે જે સ્ત્રીનો પતિ મૃત થયો હોય તે બીજા પતિ સાથે લગ્ન કરી શકે છે પણ આ શ્લોકમાં તો मृत નહિ પણ अमृत છે એટલે વિધવાની તો વાત જ નથી. नष्ट પહેલા अકાર નથી તેથી કદાચ કહેવામાં આવશે કે પતિ नष्ट થઈ ગયો હોય તો બીજો પતિ કરી શકાય છે; પણ સુધારાવાળાઓએ સ્વીકારેલા પાશ્ચાત્ય પદાર્થવિજ્ઞાન પ્રમાણે તો કશાનો પણ નાશ થતો જ નથી તેથી તેમને नष्ट પતિ અસંભવિત જ છે, એટલે બીજો પતિ કરવાની વાત રહી જ નહિ, વળી पतित આગળ અકાર નથી, તે છતાં પણ પતિ पतित થાય ત્યારે બીજો પતિ થઈ શકતો નથી, કેમકે ક્રિયાપદ अविधीयते છે. કોઈ શંકા કરશે કે પતિ अमृत ઇત્યાદિ થાય તેમાં સ્ત્રીને आपत्ति શું છે ? પણ પ્રથમાર્ધનો છેલ્લો શબ્દ તો अपतौ છે. अपतिનો અર્થ "વાચાવદત્તા"નો પતિ થાય છે એવું ગપાષ્ટક કોશમાં લખેલું છે. હવે દાનથી થયેલો પતિ અમૃત થાય તો સ્ત્રીને કેવી મોટી આપત્તિ થાય ? વિધાત્રીએ કલ્પેલું આયુષ્ય વાગ્દાનથી નિ:સીમ વધે અને મર્ત્યત્વ દૂર થાઅ અને તેમાં વાગ્દત્ત સ્ત્રી નિમિત્તભૂત થાય તો પછી વિધાત્રી તે સ્ત્રી પર કોપે અને પોતાના લેખ