પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ ન ફેરવતી હોય તોયે ફેરવે અને સ્ત્રીને વિધવા કરે.

નારદસ્મૃતિમાં अष्टो वर्षाण्युपेक्षेत ઇત્યાદિ શ્લોક છે તે પણ પતિ નષ્ટ થઈ ગયો હોય તે માટે છે અને નષ્ટ પતિનો અસંભવ તો સિદ્ધ કરેલો છે. उदीर्यनार्य ઇત્યાદિ શ્રુતિવચનોનાં પ્રમાણ સુધારાવાળા આપે છે અને કહે છે કે શ્રુતિ અને સ્મૃતિનો વિરોધ હોય ત્યાં શ્રુતિનું પ્રમાણ વધારે બળવાન છે. પણ એ અનાદિ કાળથી સિદ્ધ થઈ ચૂકેલું છે. સ્મૃતિઓ થઈ તે પહેલાંનું સિદ્ધ થઈ ચૂકેલું છે કે શ્રુતિના અર્થને સ્મૃતિ અનુસરે છે. શ્રુતિમાં હોય તે જ સ્મૃતિમાં આવી શકે. માટે વિરોધ હોય ત્યાં શ્રુતિ ખોટી ગણવી અને સ્મૃતિ ખરી માનવી.'

'વળી સુધારાવાળાઓ યુક્તિપ્રમાણ લાવે છે અને સુખદુ:ખ, લાભાલાભની તુલના કરી બતાવે છે કે વિધવાવિવાહનો બલાત્કારે નિષેધ કર્યાથી ઘણા અનર્થ થાય છે. હવે પ્રથમ તો જ્યાં શાસ્ત્રનું કે રૂઢિનું અનુસરણ કરવાનું છે ત્યાં સુખદુ:ખ કે લાભાલાભ જોવાનાં છે જ નહિ; સુખ અને લાભની નિરર્થકતા તો આપણા પૂર્વજોએ પ્રથમથી જોઈ મૂકેલી છે. માટે અલાભ થાય કે દુ:ખ પડે તોપણ ચાલતું હોય તે ચાલવા દઈએ તો આપણે કર્તવ્યપરાયણ થઈએ. તેથી, યુક્તિ કે તર્કનું મહત્વ આપણે ગણતા જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે તેમ કરવાનું તો અવશ્ય છે તો પછી તેવા આચરણનાં વિષમ પરિણામ દેખાડ્યાનું શું પ્રયોજન છે ? દુરાચાર થાય છે, હત્યાઓ થાય છે, અપકીર્તિ થાય છે, સંતાપ થાય છે, એટલા માટે શું આર્યો શાસ્ત્રનું ઉલ્લંઘન કરશે, રૂઢિ ફેરવશે અને વિધવાઓને પુનર્લગ્ન કરવા દેશે ? સુધારાવાળા જાણતા નથી કે આર્યોની દઢતા તો અનન્ય છે. સુખના સાધનને તો સર્વ પ્રજાઓ આગ્રહથી વળગી રહે છે; પણ મોટાઈ તો આર્યોની જ કે તેઓ દુ:ખના સાધનને આગ્રહથી વળગી રહે છે; વળી પરમાર્થ દષ્ટિથી વિચાર કરીએ તો અનર્થ શો છે ? બાળહત્યા થાય છે તે તો બાળકોના આયુષ્યના ક્ષયનું પરિણામ છે. વિધવાઓનાં પુનર્લગ્નથી શું એવાં બાળકોનાં નિર્મિત આયુષ્ય વધશે ? શું તેમનાં પ્રારબ્ધ બદલાશે ? દુરાચારાદિ માટે પણ એ જ સમજી લેવું. વળી સુધારાવાળા કહે છે કે વિધુર પુરુષો ફરી લગ્ન કરી શકે છે તો વિધવા સ્ત્રીઓ ફરી લગ્ન કેમ ન કરી શકે ? સ્વાભાવિક વિશ્વનિયમનું કેવું અજ્ઞાન ? સ્વાભાવિક વિશ્વનિયમ એવો છે કે એક ગુરુને બે શિષ્ય હોઈ શકે પણ એક શિષ્યને બે ગુરુ હોઈ શકે નહિ. સ્વાભાવિક વિશ્વનિયમ એવો છે કે એક દાતાને બે યાચક હોઈ શકે પણ એક યાચકના બે દાતા હોઈ શકે નહિ. સ્વાભાવિક વિશ્વનિયમ એવો છે કે એક મોચી બે કાલબુટનો ધણી હોઈ શકે પણ એક કાલબુટના બે મોચીઓ ધણી હોઈ શકે નહિ, તે જ પ્રમાણે એક પુરુષને બે સ્ત્રીઓ હોઈ શકે પણ એક સ્ત્રીને બે પુરુષ હોઈ શકે નહિ. તે માટે સ્ત્રી મરી ગયા પછી પુરુષ લગ્ન કરી શકે, પણ પુરુષ મરી ગયા પછી સ્ત્રી ફરી લગ્ન કરી શકે નહિ, કેમકે તે સ્વાભાવિક વિશ્વનિયમની વિરુદ્ધ છે. સ્વાભાવિક વિશ્વનિયમાનુસરણની ઇષ્ટતા તો સિદ્ધ જ છે, કેમકે પાશ્ચાત્યોમાં પણ મનુષ્યેચ્છાનુસાર પ્રયત્ન કે મનુષ્યના અભિપ્રાયને અનિષ્ટ ગણી કેવળ સ્વભાવથી પ્રવર્તતી. વ્યવસ્થાને યોગ્ય ગણનાર કેટલાક માર્ગ છે તે આધારથી આપણો મત સિદ્ધ થાય છે કે વિશ્વસ્વભાવના જે સદૃશ છે તેનું જ