પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ સમજવું કે કોઈ અપ્રસિદ્ધ અનિષ્ટ આચાર નિષિદ્ધ છતાં કોઈ કાલે પ્રવર્તતો હશે. તે આચાર અપ્રસિદ્ધ અને નિષિદ્ધ હતો એ સિદ્ધ જ છે, કેમ કે તેની પ્રસિદ્ધિનાં કે વિધિનાં પ્રમાણ અમે સ્વીકારતા નથી.'

આ રીતે, એકએક પ્રમાણથી વિધવાવિવાહનું ખંડન થાય છે. સુધારાવાળા પોતે જ વિધવા સાથે લગ્ન કરતા નથી એ શું બતાવી આપે છે ? એ જ કે તેઓ અંતરમાં આપણાં પ્રમાણ ખરાં માને છે. પોતાને પ્રતીતિ ન છતાં અને લોકોની અપ્રતીતિ થયા છતાં શા માટે તેઓ વિધવાવિવાહનો પક્ષ લે છે તે હેતુ શોધવાનું કામ આપણું નથી. તેમ કદી કોઈ સુધારાવાળા વિધવા સાથે લગ્ન કરે ત્યારે તેને દોષમાંથી મુક્ત કરવાનું અને તેના કૃત્યને યોગ્ય કહેવાનું કામ આપણું નથી. જે વિધવા સાથે લગ્ન કરે તેને નિંદાપાત્ર ગણવો એ જ કર્તવ્ય છે. સુધારાવાળા કહે છે કે 'વિધવાઓ ઉપર જે જુલમ થાય છે તે દૂર કરવા અમે પ્રયત્ન કરીએ છે માટે અમારા પર બલાત્કાર થવો જોઈએ ?' ઉત્તર કે 'હા, સ્વાભાવિક વિશ્વનિયમ જ એવો છે. અગ્નિનો પ્રતિકાર અગ્નિથી જ છે. સુધારાવાળા કહે છે કે, અમે અમારી નિર્બળતાનો અંગીકાર કરીએ છીએ. પરંતુ અન્યાય પ્રગટ કરવા જેટલી નિર્ભયતા પણ તમે નહિ ગ્રહણ કરો, બીજાનાં દુ:ખ નિવારણ કરવાના અમારા પ્રયત્નને સહાયતા નહિ કરો અને ઊલટા તેમાં વિઘ્ન કરશો ? ઉત્તર કે 'હા, અનાદિ સિદ્ધાંત જ એવો છે. વિધવા થવામાં દુ:ખ છે એમ અમારા પૂર્વજોએ માન્યું જ નથી. અમને પોતાને નવો વિચાર કરવાનો અધિકાર નથી.' સુધારાવાળા કહે છે કે, 'દુરાચાર અને હત્યા થાય છે એ અટકાવવા પ્રયત્ન કરવાની જરૂર નથી એમ તમે કહો છો ?' ઉત્તર કે, 'હા, એમાં જ અમારું આર્યત્વ છે, શાસ્ત્રના અનુસરણથી અનાચાર કે હત્યા થાય એમ આર્યો માનતા જ નથી. 'જરૂર' એ યાવની શબ્દ તમે વાપર્યો માટે હવે વધારે ઉત્તર અમે નહિ આપીએ.'

'આમ નિરુત્તર થઈ જવાથી સુધારાવાળા મારા પર બહુ કોપાયમાન થયેલા છે. મારા વાગ્બાણની વૃષ્ટિથી તેમનો પરાજય થયો છે. તથા હવે એમના પક્ષના નાશને મોદકભોજન અને તૃપ્તિ વચ્ચે હોય એટલી જ વાર છે. તેથી તેઓ મારા પર વેર રાખે છે. કોઈ બુદ્ધિમાન પ્રાણી સહાયતા નહિ કરે એમ ધારી તેમણે બિલાડવર્ગને સુધારાના પક્ષમાં લઈ જંતુઓની હિંસામાં પ્રેરિત કર્યો અને તેના પરિણામે મેં બે રાત્રિ કારાગૃહમાં કાઢી પણ સંસારરૂપી માયામાં જેમ મનુષ્યની બુદ્ધિ વિકાસ પામે છે, માયાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી શકે છે, અંધારામાં જેમ કેટલાંક પ્રાણીઓની દૃષ્ટિ વધારે દૂરગામી થાય છે, દંડપ્રહારથી જેમ અશ્વાદિની ગતિ વધારે વધારે ત્વરાયમાન થાય છે તેમ કારાગૃહ નિવાસમાં મારું ધર્મવીરત્વ વધારે પ્રગટિત થયું છે. કારાગૃહથી છૂટતાં વધારે સમર્થ થયો છું. આર્યપક્ષને વિશેષ સબલ કરવા હું શક્તિમાન થયો છું. માટે કારાગૃહમાં વધારે નિવાસ કરવો પડે તો તેથી પણ આ પ્રમાણે અંતે આર્યપક્ષને લાભ જ છે. સુધારાવાળાના પ્રયત્ન સર્વ રીતે નિષ્ફળ જ જશે.

એકઠા થયેલા લોકો સુધારાવાળાના જાસૂસ હતા એમ અમને લાગ્યું, કેમકે કોઈ પણ તાળીઓ પાડતા નહોતા અને કેટલાક તો ઘડી ઘડી ટોળામાંથી અગાડી નીકળી