પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આશા સફળ ન થઈ. વખતે સહુ જમી રહ્યા હશે અને ખાધું પચાવવાનો પ્રયત્ન કરતા હશે, કે કદાચ મહાભારતની કથા સાંભળી કૌરવ-પાંડવોનો વિગ્રહ ભજવી જોવાને ઉશ્કેરાયા હશે, પણ સર્વ દારુણ યુદ્ધમાં મચેલા હતા, કેટલાક હાથમાં તકિયા લઈ જાણે દંડ વડે પ્રહાર કરતા હતા, કેટલાક શાલના કે ખેસના કોથળામાં ખાસડાં ભરી જાણે ગદા ફેરવતા હતા. કેટલાક બે હાથે જોડા પહેરી જાણે પંજાથી ડરાવતા હતા. કેટલાક ખુરશીઓ ઊંચકી જાણે ઢાલ ધરી ધસતા હતા. કેટલાક લાકડી પર પાઘડી ઊંચી કરી જાણે ધજા ફરકાવતા હતા. ઘણાખરા તો બિનહથિયારે મુક્કીઓથી અને લાતથી યુદ્ધ ચલાવતા હતા. માત્ર થોડા જ દૂર ઊભા હતા. તેઓ બહુ જ બીભત્સ ગાલિપ્રદાનથી જાણે ભાટ થઈ યોદ્ધાઓને પાનો ચઢાવતા હતા. જોવાની મઝા હતી, પણ ક્ષુધાના પ્રબળથી મેં ભદ્રંભદ્રને સૂચવ્યું કે, 'આપણે અહીંથી ઊતરી જવું એ જ ઉચિત છે.' પણ, ભદ્રંભદ્ર કહે કે 'સર્વજનો આર્યપક્ષવાદી છે તો એમનો સમાગમ કર્યા વિના જવાય નહિ, શંકરની કૃપા હશે તો અહીં જ ભોજનની ગોઠવણ થઈ જશે.'

એવામાં પાસેના ઓરડામાંથી એક આદમી શેતરંજી ઓઢીને દોડતો આવ્યો. એ બૂમ પાડી બોલ્યો, 'ભૂતગણો! શાંત થાઓ, શિવ આવ્યા છે. પ્રણામ કરો," સર્વ શિયાળ જેવા દીર્ઘ રુતનો શબ્દ કર્યો, પોતાનાં શસ્ત્ર ફેંકી દીધાં અને એક પછી એક આવી શિવને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. પ્રણામ કરવામાં વચમાં એક જણ પૂરેપૂરો જમીન પર સૂઈ જતાં સંકોચાયો અને અધૂરા પ્રણામ કરી ઊઠી ગયો. શેતરંજીમાંના કાણામાંથી શિવે આ અવજ્ઞા જોઈ અને એકદમ આજ્ઞા કરી, 'દ્રોહી છે, સુધારાવાળો છે, સર્વ અકેક ટપલો મારો.' તે બિચારાએ ઘણું કહ્યું, 'હું સુધારાવાળો નથી, આર્ય છું, કથાભક્ત છું, ભૂત છું.' પણ, તે સર્વ વ્યર્થ ગયું. બધાં ભૂતો આવી એક પછી એક તેને ટપલો મારી ગયાં; કેટલાંક તો તેના ખભા ઝાલીને કૂદ્યાં, તો પણ તે નિશ્ચલ બેસી રહ્યો. પાછું દંડવત્ પ્રણામનું કામ ચાલ્યું. દ્રોહી ગણાઈ શિક્ષા પામવાની બીકથી અમે પણ મૂંગા મૂંગા સર્વ પ્રમાણે પ્રણામ કરી આવ્યા.

સહુ પ્રણામ કરી રહ્યું એટલે શિવરૂપ શેતરંજીમાંથી ઘાંટો કહાડી બોલ્યા, 'નંદી પોઠિયો હોય તે આગળ આવે.' તરત સર્વે ભૂતો પશુ પેઠે ચાર પગે ચાલી શિવ તરફ દોડવા લાગ્યાં, એ શિવની સમીપ જતાં એકબીજાને હડસેલવા લાગ્યાં, પોતાના વાહન થવાની આ સ્પર્ધા જોઈ શિવ ફરી બોલ્યા, 'આજ જેનો નંદી થવાનો વારો હોય તે જ અગાડી આવે.' એકદમ સર્વ ભૂતગણો પાછા હઠી દૂર જઈ બેસી ગયાં અને એક ભાગ્યશાળી ભૂત ખુશી થતું અને ડોલતું શિવ પાસે આવ્યું. શિવ તે પર બેઠા અને પોઠિયાને ચારે તરફ ફેરવવા લાગ્યા. જે ભૂત તરફ પોઠિયો જાય તે સામું માથું ધરે અને પોઠિયો તેની સાથે માથાની ટક્કર લઢાવે એ પછી તેનું માથું સૂંઘે, આમ કેટલીક વાર કર્યા પછી શિવ અને પોઠિયો પાછા સ્વસ્થાને આવ્યા. સર્વ ભૂત સામાં હાથ જોડીને ઊભાં રહ્યાં.

ક્ષણ વાર રહી શિવ બોલ્યા, 'ભૂતગણો, તમારા કોઈના માથામાં સુધારાની કઠણતા રહી નથી એ જાણી મને સંતોષ થયો છે; પણ પોઠિયાના કહેવાથી જણાય