પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે કે હજી કેટલાકના તાળવામાંથી સુધારાની સહેજ સહેજ વાસ આવે છે એથી ખેદ થાય છે. વખતે અજાણ્યે એટલો પાસ બેસી ગયો હશે, કે પહેલાંના સંસ્કાર ધોઈ નાંખ્યા છતાં સહેજ ડાઘા રહી ગયા હશે.'

એક ભૂત અગાડી આવી બોલ્યું, 'ભૂતેશ્વર, એટલી તો ખાતરી રાખશો કે અમારા કોઈની સુધારા તરફ ઈચ્છાપૂર્વક વૃત્તિ નથી. સુધારાના નામથી અમે ત્રાસ પામીએ છીએ. સુધારો હોય ત્યાંથી અમે દૂર નાસીએ છીએ, જે આચાર કે વિચાર સુધારાવાળાએ પસંદ કરેલા કે દાખલ કરેલા કહેવાય છે તે સર્વ અમે છોડી દીધા છે અને તે ખરા છે કે ખોટા છે અથવા લાભકારી છે કે હાનિકારક છે એટલુંય જોવા અમે ઊભા રહ્યા નથી. તે છતાં સુધારાના સંસ્કાર રહી ગયા હશે તો તે પહેલાંના, સુધારાના વખોડવાથી લોકપ્રીતિ મળે છે એ અનુભવ થવા માંડ્યા. અગાઉના હશે અને સુધારાનો પાસ બેઠેલો જણાતો હશે તો તે ફક્ત યુરોપીઅન લોકોના હાથ નીચે નોકરી કરવાની તેથી તેમની નજરમાં સુપ્રકાશિત બુદ્ધિવાળા ગણાવા માટે ધારણ કરેલી વૃત્તિ છે. લોકમાં કહેવાના અમારા વિચાર આ મંડળથી છાના નથી.'

ભૂતેશ્વર બોલ્યા, 'ધન્ય છે, તરવાર તો બેધારી જ રાખવી. કયા વિચાર જાતે ખરા અને કયા આચારનાં પરિણામ સારાં એ ચિંતામાં જીવ બાળી જિંદગીની મજા ખોવી એ મૂર્ખાઈ છે.'

એક બીજું ભૂત અગાડી આવી બોલ્યું, 'મહાદેવ, મઝા નથી સમજતા તે જ સુધારાની મૂર્ખાઈમાં પડે છે. શિવજીનો ઉપદેશ તો સાચો છે. પણ, આ પોઠિયાના વચન પર વિશ્વાસ ન કરવો જોઈએ, એને અમારા તાળવામાંથી સુધારાની વાસ આવે છે, પણ એના મોંમાં અમને બીજા કશાની વાસ આવે છે. માટે એની ઝડતી લેવી જોઈએ અને એની પાસેથી જે નીકળે તે બધાંને વહેંચી આપવું જોઈએ.'

આ સાંભળી સર્વ તુચ્છકારનો શબ્દ કરતા ધસી આવ્યા અને 'ભ્રષ્ટ', 'પાપી', 'સુધારાવાળો' એમ બોલી શિક્ષા કરવાનું કહેવા લાગ્યા. પોઠિયો બે પગે ઊભો થઈ ગયો અને એ ભૂત પર ક્રોધથી ધસ્યો. બેમાંથી કોને ભ્રષ્ટ ગણી શિક્ષા કરવાનો સર્વ પ્રયત્ન કરતા હતા તે સમજાતું નહોતું, પણ પોઠિયાને અને તેના પર આરોપ મૂકનાર ભૂતને બંનેને પગ પકડીને બીજા ઓરડામાં ઘસડી લઈ જતા હતા. પોઠિયો ઊભો થઈ જવાથી શિવ નીચે પડી ગયા, એ કોઈના ધ્યાનમાં આવ્યું નહિ. શિવ પણ શેતરંજી ફેંકી દઈ પેલા બેને ઘસડવામાં સામીલ થઈ ગયા. શિવનું મ્હોં દેખાતાં અમે તેમને ઓળખ્યા અને આશ્ચર્ય પામી મેં ભદ્રંભદ્રના સામું જોયું. ભદ્રંભદ્ર કહે, 'મહોટા માણસો પણ રમતગમત ન કરે તો શરીરશક્તિ મંદ થઈ જાય. પોઠિયો થનાર પાછો આવે ત્યારે તેને પણ ધારીને જોજે. આ તો એ મહોટા માણસની સાદાઈ કહેવાય.'

થોડી વારે સર્વ પાછા આવ્યા. ભૂતત્વ મૂકી દઈ સર્વ મનુષ્ય થઈ ગયેલા હતા. બધાએ પાઘડીઓ પહેરી લીધી હતી. મ્હોં પર જેમણે બુકાનીઓ બાંધી હતી તેમણે તે છોડી નાંખેલી હતી. તેથી અમે ઘણાખરાને ઓળખ્યા. આગલા વેશના શિવજી, પોઠિયો અને બીજા કેટલાક ગાદી પર બેઠા અને બીજા આસપાસ કૂંડાળું વળીને બેઠા.