પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઇશારત કરી. એક વખત વલ્લભરામ જુગાર રમતાં પકડાયેલા અને સિપાઇને લાંચ આપી છૂટી ગયેલા તે વખત હું ત્યા આવી પડ્યો હતો અને તે પછી બે-ત્રણ વખત શા વતી જુગાર રમતા હતા તે મેં તેમને પુછ્યું હતું; એક વાર તો બજારમાં મળ્યા ત્યાં કોરે બોલાવી પૂછ્યું હતું; તેથી એ જિજ્ઞાસા હાલ વશ રાખવાની આ ઇશારત છે એમ સમજી મેં નયનના પલકારાથી તે કબૂલ રાખી. મેં ધાર્યું કે મને કોઇ જોતું નથી. પણ ચારે તરફ આંખ ફેરવતાં માલમ પડ્યું કે સર્વની નજર મારા પર હતી. સર્વત્ર હાસ્ય પ્રસર્યું અને તે હાસ્ય પરથી તંદ્રાચંદ્રના દુરાચારના વર્તમાન વિષે કેટલાક સ્પષ્ટાર્થ પ્રશ્નો પુછાયા. તેના વિગતવાર ઉત્તર સંકોચ વિના આપી રહ્યા પછી વલ્લભરામે પૂછ્યું.

'તંદ્રાચંદ્રની મશ્કરી કરો છો પણ, પણ આ બધામાંથી સાધુ થવાનો કોનો વિચાર છે તે કૃપા કરી જણાવશો કે -'

નંદીરુપ વાક્ય પૂરુ કરવા વચમા બોલ્યા, 'સાધ્વી ખોળી કહાડવાની તજવીજ થાય.'

ભૂતેશ્વરે તાળી આપી, પણ બોલ્યા,

'ખરેખર શબ્દ તો 'સાધુડી' છે. બાવા લોક 'સાધ્વી'માં ના સમજે. વલ્લભરામ, તમે તો ભાષાશાસ્ત્રમાં વિદ્વાન છો. ત્યારે નિર્ણય કરો કે આ બાબતમાં બરાબર શબ્દ કયો. તમે તો પાછા એમાંય સુધારાને એકાદ મેણું મારશો.'

વલ્લભરામ કહે, 'બંને શબ્દ યોગ્ય છે અને બંને આર્યદેશની ઉત્તમતા સિદ્ધ કરે છે. 'સાધ્વી' શબ્દ આર્યદેશની સદ્ગુણભાવના સિદ્ધ કરે છે. પણ પાશ્ચાત વિચારના મોહથી સુધારાવાળા એમ તકરાર કરે છે કે સ્ત્રીઓને પણ પુરુષ જેટલા બધી બાબતમાં હક છે તો બતાવી શકાય કે પુરુષ સાધુ થઈ ગમે તેવું વર્તન કરે પણ તેને માટે તો 'સાધુ' શબ્દ જ વપરાય છે. પરંતુ સ્ત્રી સાધુ થવાની ધૃષ્ટતા કરી પુરુષના સમાન હક મેળવા જાય તો તે 'સાધુડી' શબ્દથી તિરસ્કારપાત્ર થાય છે. તેથી સિદ્ધ થાય છે કે આપણા પૂર્વજોએ ભાષા બાંધવામાં આવી ઝીણી બાબતમાં પણ બહુ ચતુરાઇ વાપરી છે. માટે, તેમણે તારની અને બલુનની શોધ કરી ન હોય એ સંભવે જ નહિ એમ સિદ્ધ થાય છે.'


૧૬ : રસોઈ, રસોડું અને ભદ્રંભદ્ર

ભોજન તૈયાર થયાના સમાચાર આવ્યાથી હું ને ભદ્રંભદ્ર યજમાનને કૃતાર્થ કરવા ભોજનગૃહમાં ગયા. ભદ્રંભદ્ર કહે, 'આનાકાની કરવાનો મારો કંઈક વિચાર થાય છે, પણ સૂર્ય આગળ જેમ ચંદ્ર અદશ્ય થઈ જાય છે તેમ ક્ષુધા આગળ વિવેક અદૃશ્ય થઈ જાય છે. ભોજન-દક્ષિણા સંબંધમાં શાસ્ત્રે બ્રાહ્મણવર્ગને પ્રશ્રયના કર્તવ્યમાંથી મુક્ત કર્યો છે.'

ભૂતેશ્વર વગેરે કોઈ અમારી સાથે આવ્યા નહોતા, તેથી ભોજન કરતી વખત