પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમારે ચાકરોનો સમાગમ તથા પરિચય થયો. નવડાવતાં ભદ્રંભદ્રની દૂંદ પર ઊંચેથી પાણી રેડતાં એક ચાકરે રસોઇયા ભણી જોઈ કહ્યું,

'મહારાજ, તમારી રસોઈ પહોંચવાની નથી. તમારાં તપેલાં આખાં ઠાલવી દેશો તોયે પુરાય તેમ નથી.'

ચાકરની એક આંખ દૂંદ પર હતી ને ભદ્રંભદ્રની દૃષ્ટિ નીચી હોવાથી તેમના લક્ષમાં ન આવી, તેમણે ઊંચું જોઈ પૂછ્યું, 'તપેલાં ઠાલવી દેશો ત્યારે અમને શું જમાડશો ? અમે જમી રહ્યા પછી ઠાલવવાનાં હશે. ક્યાં ઠાલવો છો ?'

ચાકરે જવાબ દીધો, 'એ તો એક પહોળી ને ઠીંગણી કોઠી છે તેમાં કેટલું માય તેની વાત કરું છું. કોઈ ગામથી આવેલી છે.'

ભદ્રંભદ્ર કહે, 'ત્યારે તો જોવા જેવી હશે, નહિ તો પરગામથી શું કામ મંગાવવી પડે ? અહીંયાંયે કોઠીઓ તો મળે છે.'

ચાકર કોણ જાણે શાથી એકદમ હસ્યો અને પછી હસવું બંધ રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. બીજા ચાકરો પણ તેની પેઠે હસવા લાગ્યા.

રસોઇયાએ એક આંખવાળું, શીળીનાં ચાઠાંથી ભરેલું અને જાડી ચામડીથી મઢેલું, ચોરસ મુખ રોષિત કરી કહ્યું, 'અલ્યા મૂર્ખાઓ, એમાં હસો છો શું ? બધા કંઈ શ્રીમંત હશે કે અહીંની કોઠીઓ વાપરે જ નહિ ને પરગામથી મંગાવે ?' ભદ્રંભદ્ર ભણી જોઈ તે બોલ્યો, 'મહારાજ' કોઠી જોવાલાયક છે, જમીને ઉપર જાઓ ત્યારે દાદર આગળ મોટો આરસો છે, તેની સામા જશો એટલે એ કોઠી દેખાશે.'

તેનું ઠાવકું રહેલું મોં પહોળું થયું પણ તે નીચો વળી ચૂલો ફૂંકવા મંડી ગયો તેથી હસ્યો કે નહિ તે દેખાયું નહિ.

સ્નાનસંધ્યા સમાપ્ત થયા પછી અમે અન્નનો સત્કાર કરવા ગયા. નાના પાટલા પર મને બેસવાનું કહી ભદ્રંભદ્ર મહોટા પાટલા પર બેઠા. બેઠા તેવો પાટલો ખસ્યો અને તેની નીચેથી પથ્થરની લખોટીઓ બહાર ગગડી આવી. મેં ભદ્રંભદ્રને ઝાલી લીધા ન હોત તો મુખનો સ્પર્શ થતાં પહેલાં અન્ન તેમનાં ઉદરાદિ ભાગને સ્પર્શ કરત. ભદ્રંભદ્ર જરા સ્વસ્થ થયા એટલે રસોઇયો બોલ્યો, 'આ ઘરમાં એવો રિવાજ છે કે કોઈ મહોટા માણસ જમવા આવે ત્યારે તેને પથ્થરના પાટલા પર બેસાડવા. પથ્થરનો પાટલો હાલ તૂટી ગયેલો છે, તેથી તેને બદલે લાકડાના પાટલા નીચે પથ્થરના કકડા મૂકીએ છીએ.'

ભદ્રંભદ્ર કહે, 'મારા જેવા મહાપુરુષોનું સન્માન કરવું એ યોગ્ય છે; પથ્થર એ બુદ્ધિ અને જ્ઞાનની સંજ્ઞારૂપે આર્યપ્રજામાં પ્રસિદ્ધ છે અને તે માટે જ તે દેવોની પ્રતિષ્ઠા માટે વપરાય છે. તેથી મહાપુરુષો અને પથ્થરનો સંસર્ગ કરાવવો એ ઉચિત સંયોગસન્માનનું અનુકૂલ સાઘન છે. પણ પથ્થરની ગોળીઓને બદલે ચોરસ કકડા રાખવા જોઈએ કે સ્થિરતા સચવાય.'

રસોઇયાએ ચાકરો ભણી જોઈ પોતાની આંખ થોડી બંધ કરી અને પછી ભદ્રંભદ્ર તરફ જોઈ બોલ્યો, 'મહારાજ, ગોળ આકાર વિના તો ચાલે નહિ. બ્રહ્માંડ ગોળ છે, સૂર્યગોળ છે, ચંદ્ર ગોળ છે અને મહાપુરુષો પણ ગોળ હોય છે.'

ભદ્રંભદ્ર કંઈ ઉત્તર ઘડી કહાડતા હોય એમ જણાયા, પણ આખરે એટલું જ બોલ્યા, 'એ પણ વિચાર કરતાં યોગ્ય લાગે છે. મોદક પણ ગોળ હોય છે.'