પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભોજન કરતાં અમારો કાળ વિનોદમાં જાય માટે ચાકરો આસપાસ આવીને બેઠા. એક ચાકર કહે, 'આ લાડુ જોઈને મ્હોંમાં પાણી આવે તેમ છે.' બીજો કહે, 'પાણી શું કામ આવે, લાડુ જ ના આવે ?' ત્રીજો કહે, 'એ તો રસોઇયા મહારાજની મહેરબાની હોય તો, તે દહાડાના જેવું કરે કે વધેલા લાડુ બધા ભોંય પર ગોઠવીને તે પર ગોદડું પાથરીને સૂઈ જાય અને જોવા આવે તેને કહે કે "લાડું તો કંઈ વધ્યા નથી અને મને તો તાવ આવ્યો છે ને મારે કંઈ ખાવું નથી." તે વગર ચાકરોને ભાગે લાડુ કરચ આવે તેમ નથી.'

રસોઇયો કહે, 'તારી તો જીભ જ કબજે ના રહે. આ મહારાજ જઈને શેઠને વાત કરે તો શેઠ ખરું માને. અમે શું એવા લુચ્ચા હઈશું ?'

ચાકર કહે, 'અરે એમાં તો મીઠું જ નથી, -શેમાં ? લાડુમાં. આ મહારાજ તો જાણે છે કે અમે બધા મળીને આ રસોઇયાની મશ્કરી કરીએ છીએ. એવા મહોટા માણસ તે ખરું માને ?'

ભદ્રંભદ્ર ભણી જોઈ હાથ જોડી તે બોલ્યો, 'આમાંની કંઈ વાત ઉપર જઈને કહો તો મહારાજ, તમને આ રસોઇયા મહારાજની એકની એક આંખના સમ છે.'

રસોઇયો કડછીમાં દાળ ભરી તે ચાકર ઉપર રેડવા ઊઠ્યો. પણ, તે ચાકર બીજા ચાકરોની પૂંઠે ભરાયો અને પછી હાથ બે તરફ લાંબા કરીને અને ડોકું નીચું નમાવીને નાચ્યો. રસોઇયો પાછો બેઠો, પછી ભદ્રંભદ્ર બોલ્યા, 'મોદક પર મનુષ્ય શયન કરે એ અસંભવિત છે અને હું માની શકતો નથી. પ્રથમ તો અન્નદેવતાનું એવું અપમાન કોઈ બ્રાહ્મણ કરે નહિ.'

અડધો લાડુ મ્હોમાં મૂકી વળી ભદ્રંભદ્ર બોલ્યા, 'મોદકાદિ અન્નને ગળી જવાથી તેનું દેવત્વ ઓછું થતું નથી. બીજા દેવતાને ગળી જવાનો શાસ્ત્રમાં નિષેધ છે, પણ અન્નને ગળી જવાની આજ્ઞા છે. કેમકે ઉદરમાં વાસ કરવો અન્નને પ્રિય છે. બીજા દેવતા મનુષ્યની પૂજા-અર્ચનાથી પ્રસન્ન થાય છે. પણ અન્ન્દેવતા મનુષ્યના પર તેને ગળી જવાથી પ્રસન્ન થાય છે; વળી મોદકમાં લવણ નથી એમ જે કહેવામાં આવ્યું તે પણ બહુ ધ્યાનમાં લેવા યોગ્ય છે. સાગરમાં લવણ છે તેથી જ સાગર દેવતા છતાં વિષ્ણુ તેમાં સૂઈ શકે છે. લવણ જાતે ખારું છતાં લોકોને ભ્રાંતિમાં નાખી મીઠાશ ધારણ કરતું જણાય છે અને પોતાને "મીઠું" કહેવડાવે છે, તેથી સિદ્ધ થાય છે કે તે માયાનું રૂપ છે. એ રીતે લવણ માયા છે તેથી તે વિષ્ણુને અને સાગરને અજ્ઞાનમાં નાખી એકબીજાથી અજાણ્યા રાખી વિગ્રહ કરતા અટકાવે છે. મોદક દેવતામાં લવણ ન હોવાથી મનુષ્ય તે પર શયન કરે તો તે તરત જાણી શકે અને મનુષ્યને સહસા ઉછાળીને ફેંકી દે; તેથી મનુષ્યને એવું પાપાચરણ કરવાનો વિચાર થાય જ નહિ. પણ એમ તો જ માનવું કે મનુષ્યના સૂવાથી મોદક કચરાય જાય અને તે બીકથી મનુષ્ય તે પર શયન કરે નહિ. એવી કલ્પના મોદકના દેવત્વ વિરુદ્ધ છે, તેથી ભ્રમમૂલક તથા